પ્રાણવાયુ માટે અનોખી પહેલ:પાવાગઢ મંદિર ટ્રસ્ટ તાજપુરા કોવિડ હોસ્પિટલમાં 50 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરશે, રોજની 100 બોટલ ઓક્સિજન તૈયાર થશે

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાવાગઢ મંદિર ટ્રસ્ટ 50 લાખના ખર્ચે ઓકસિજન પ્લાન્ટ તૈયાર કરશે - Divya Bhaskar
પાવાગઢ મંદિર ટ્રસ્ટ 50 લાખના ખર્ચે ઓકસિજન પ્લાન્ટ તૈયાર કરશે
  • ઓક્સિજનની અછત ઉભી ન થાય 50 લાખ રૂપિયાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરીને આપવાની જાહેરાત

કોરોના મહામારીની બીજી લહેર અંત્યત ઘાતક સાબિત થતાં મહામારીમાં ઓક્સિજન એક માત્ર પ્રાણવાયુ છે, ત્યારે પાવાગઢ સ્થિત શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી વચ્ચે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાનો ઐતિહાસિક નિર્ણય લઇને ભગીરથ કાર્ય હાથ ધરાયું છે. હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન સર્જાય માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 50 લાખ રૂપિયાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરીને આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં રોજનો 100 બોટલ ઓક્સિજન તૈયાર થશે. આ પ્લાન્ટનું સિવિલ કામ શરૂ કરીને મશીનરી માટેનો ઓર્ડર આપી દેવાયો છે.

ઓક્સિજન પ્લાન્ટ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
પાવાગઢ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી રાજુભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, તાજપુરા ખાતે કોરોનાની સારવાર લઇ રહેલ દર્દીઓને ઓક્સિજનના રૂપમાં માતાજીનો પ્રસાદ લેતા હોવાનો અનુભવ થશે. તાજપુરા કોવિડ હોસ્પિટલની બાજુમાં જ ઓક્સિજન પ્લાન્ટ શરૂ થશે. યુદ્ધ ના ધોરણે કામગીરી શરૂ કરાઇ છે. 15થી 20 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઈ જશે.

પાવાગઢ મંદિર 24 મે સુધી બંધ રાખવાનો નિર્ણય
યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગત જનની મહાકાળી માતાજીના દર્શનાર્થે આવતા હજારો લાખો માઇ ભક્તોની કોરોના સામે સુરક્ષા સલામતી અને સ્વાસ્થ્યને લઈને ગત ચૈત્રી માસથી યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના નિજ મંદિરના દ્વાર ભક્તજનો માટે બંધ કરવામાં આવ્યા હતા અને ભક્તજનોને ઘરે રહીને માતાજીની પૂજા અર્ચના કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, કોરોના સંકટ ઓછું ન થતા તકેદારીના ભાગરૂપે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર 24 મે સુધી મંદિરના દ્વારા ભક્તજનો માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે અને 25 મેથી મંદિર દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવશે.

(અહેવાલઃ મક્સુલ મલિક, હાલોલ)