સી.આર.પાટીલની મુલાકાત:શાસ્ત્રી પોળમાં પાટીલની મુલાકાત મોદીના સોફા-ખુરશી હજુય મોજૂદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોઠી ચાર રસ્તા પાસે આવેલા આરએસએસના જૂના બિલ્ડિંગની ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
કોઠી ચાર રસ્તા પાસે આવેલા આરએસએસના જૂના બિલ્ડિંગની ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મુલાકાત લીધી હતી.
  • PM નરેન્દ્ર મોદી RSSના સ્વયંસેવક તરીકે વડોદરામાં પ્રચાર કરતા હતા
  • મોદી સપ્તાહમાં​​​​​​​ એક-બે દિવસ પરિચિતોના ઘરે જમવા પણ જતા હતા

નરેન્દ્ર મોદી યુવા કાળમાં વડોદરામાં જ્યાં રોકાણ કરતા હતા તેવી શાસ્ત્રી પોળ ખાતેના સંઘના જુના કાર્યાલયમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પહોંચી શક્યા ન હતા. જોકે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે શહેર સંગઠન ની ટીમને સાથે રાખીને તેની મુલાકાત લીધી હતી. શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ સહિતના સંગઠનના કાર્યકરો પણ હાજર રહ્યા હતા.

નરેન્દ્ર મોદીએ તેમના યુવા કાળ દરમિયાન આરએસએસના સ્વયંસેવક તરીકે શહેરના શાસ્ત્રી પોળ સ્થિત મકાનમાં રહી સંઘના પ્રચારક તરીકે કાર્ય કર્યું હતું. આ મકાનમાં નરેન્દ્ર મોદી દ્વારા ઉપયોગમાં લેવાયેલા સોફા, ટેલીફોન, રસોડું, ટેબલ-ખુરશી અને બેડ જે આજદિન સુધી ત્યાં જ મોજૂદ છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને મોદી સાથે શાસ્ત્રી પોળ તથા આજુબાજુના વિસ્તારના જે 18 કુટુંબો એક યા બીજી રીતે સંકળાયેલા હતા તેવા 18 કુટુંબીઓના મોભીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. જોકે, કોઈ સાથે બેસીને ચર્ચા થઈ શકી ન હતી.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમના મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈની સરકારના સુશાસનની 71 જેટલી યોજનાનો પ્રજાજનો લાભ લઇ રહ્યા છે તે યોજનાઓના નામવાળા 71 જેટલા બલૂન તૈયાર કરવામાં આવ્યા છે કે જે દિવસે અને રાત્રે જોઈ શકાશે તથા વાંચી શકાશે.આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં 71 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર સરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવનાર છે અને 71 લાખ જેટલી નોટબુકો દરેક જિલ્લાના ગરીબ બાળકોને વહેંચાશે. જેમાંથી દરેક બાળકને પાંચ નોટબુક આપવામાં આવનાર છે.

બરોડાની વીવાયઓ સંસ્થા દ્વારા 71 હજાર જેટલી સેન્સર સ્ટીક સમગ્ર દેશમાં જરૂરીયાતવાળા લોકોને વહેંચવાનું આયોજન છે. જેમાંથી શુક્રવારે 1100 જેટલી સ્ટીક વહેચવામાં આવી છે. આ તમામ કાર્યક્રમો 7 મી ઓક્ટોબર સુધી ચાલવાના છે તેવું તેમણે જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદી વડોદરામાં લારી પર ચા પીતા અને સ્ટવ પર જમવાનું ગરમ કરતા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસે તેમની સાથે સંઘના કાર્યકર તરીકે જોડે રહેનાર કેટલાક કાર્યકરોએ સંસ્મરણો વાગોળ્યાં હતાં. ટ્રસ્ટના પ્રમુખ મોહન વિચારેએ જણાવ્યું હતું કે, મારું ઘર આ બિલ્ડિંગની સામે હતું અને જ્યારે નરેન્દ્રભાઈ બહાર નીકળે ત્યારે કેમ છો તેમ અચૂક કહે. મારા કાકા સાથે તો તેઓ ચાની લારી પર પણ ચા પીવા જતા હતા.70 વરસના કિશોરભાઈ લકડે નરેન્દ્રભાઈ માટે ચા પણ બનાવતા હતા. તેમણે જણાવ્યું હતું કે શાખા વધારો તેમને ખાસ કહેતા હતા અને અઠવાડિયામાંએક કે બે દિવસ અમારા ઘરે જમવા આવતા હતા અને ઘણી વખત ટિફિનનું જમવાનું તેઓ સ્ટવ પર જાતે ગરમ કરી લેતા હતા.કિશોરભાઈ ના પત્ની કવિતાબેને જણાવ્યું હતું કે નરેન્દ્ર ભાઈ અમારા ઘરે જમવા આવે ત્યારે એમ જ કહેતા તમે જે જમવાના છો એ જ જમીશ.

બેન્ક ઓફ બરોડાના નિવૃત્ત શ્રીપાદ આપ્ટેએ જણવ્યું કે, નરેન્દ્રભાઈ બપોરે એક કલાક સૂઈ જાય ત્યારે આંખ ઉપર રૂમાલ ઢાંકી દેતા હતા.વડોદરામાં 2007માં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા હતા અને હું મારા દીકરાને લઈને ત્યાં ગયો હતો ત્યારે નરેન્દ્રભાઈએ આપ્ટેજી કહીને યાદ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...