વડોદરાની મેન્ટલ હોસ્પિટલના દર્દીઓ સારવારના ભાગરૂપે જ ઘરને ઉપયોગી અનેક વસ્તુઓ બનાવે છે. આ વસ્તુઓ ગુણવત્તામાં સર્વોત્તમ તો છે જ, પરંતુ બજાર કરતાં સાવ મામૂલી કિંમતે એનું વેચાણ કરે છે. આ જ કારણથી વિવિધ સોસાયટીઓ, NGO અને ખાનગી કંપનીઓ અહીં જ ઓર્ડર આપે છે. ઓર્ડર પર વસ્તુઓ બનાવી આપવા ઉપરાંત આ માનસિક દર્દીઓ શક્તિ અનુસારનું લેબર વર્ક પણ કરી આપે છે. આનાથી તેમની સારવાર, આર્થિક ઉપાર્જન અને સાથે સમાજને ઉપયોગી વસ્તુઓ એકદમ વાજબી ભાવે મળે છે.
દર્દીઓ ટ્રેનરના માર્ગદર્શન હેઠળ કામ કરે છે
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ સર્કલ પાસે માનસિક આરોગ્યની હોસ્પિટલ છે. એકવાર તમે અહીંના ઓક્યુપેશનલ થેરપી વિભાગની મુલાકાત લેશો તો તમારી માનસિક રોગીઓ અંગેની આખી માન્યતા બદલાઈ જશે. અહીં કોઈ નવરું નથી. કોઈ માનસિક દર્દી માસ્ક બનાવી રહ્યું છે, કોઇ ઓશીકાં અને ગાદલાં તો કોઈ કી-ચેઇન બનાવી રહ્યું છે. બીજા ખૂણામાં કોઈ દર્દી મોબાઇલ સ્ટેન્ડ, નાઇટ લેમ્પને પોલિશિંગ કરીને રંગ ચડાવતા જોવા મળશે. અહીં ઉમદા ગુણવત્તાનું ફિનાઇલ, સાવરણા-સાવરણી, હેન્ડવોશ પણ બને છે.
કામ કરવાથી આડાઅવળા વિચારો નિયંત્રિતમાં રહે છે
મેન્ટલ હોસ્પિટલના ઓક્યુપેશનલ થેરપિસ્ટ ડૉ. કૃતિકા પટેલે જણાવ્યું હતું કે અમારે ત્યાંના માનસિક અસ્થિર દર્દીઓની ટ્રીટમેન્ટ માટે ઓક્યુપેશનલ થેરપી મહત્ત્વની છે. હોસ્પિટલમાં દર્દીઓ સતત કામમાં પ્રવૃત્ત રહે તો તેમના મગજમાં આડાઅવળા વિચારો આવતા નથી. તેમની સ્થિતિ સુધરે એ માટે દર્દીઓને તેમની મનગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રખાય છે. ઓક્યુપેશનલ થેરપી વિભાગનો હેતુ દર્દીઓના રિહેબિલિટેશનનો છે.
એક દર્દી મહિને 1 હજાર રૂપિયા સુધી કમાય છે
ડૉ. કૃતિકા પટેલે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં જે માનસિક અસ્થિર દર્દી કામ કરે છે એના બદલામાં તેમને પ્રોત્સાહનરૂપે વળતર અપાય છે. અહીં એક દર્દી મહિને રુ. 1 હજાર તો કમાઈ જ લે છે. આ રૂપિયા દર્દીઓને તેને મનગમતું કંઇ જમવું હોય, કોઇ વસ્તુ લેવી હોય, શૂઝ, કપડાં લેવા હોય એ માટે વપરાય છે. મેન્ટલ હોસ્પિટલના સ્ટોરમાં વેચવામાં આવતી વસ્તુઓનો ભાવ બજારભાવ કરતાં ઓછો હોય છે.
હોસ્પિટલમાં 60થી 70 દર્દીઓ કામ કરે છે
ડૉ. કૃતિકા પટેલે કહ્યું હતું કે હોસ્પટિલમાં મહિલા અને પુરુષો માટે જુદા-જુદા વિભાગ છે. બંનેના મળી કુલ 60થી 70 દર્દીઓ કામ કરે છે. કેટલાક દર્દીઓ ડે કેરમાં પણ કામ કરે છે, એટલે કે હોસ્પિટલમાંથી સાજા થયા બાદ જે દર્દીઓ ઘરે ગયા હોય અને તેમને ત્યાં કામ ન મળતું હોય તો તેમને હોસ્પિટલમાં કામ અપાય છે. આ દર્દીઓ સવારે 9થી 5 હોસ્પિટલ આવે છે અને સાંજે ઘરે જતા રહે છે. કોરોનાની સ્થિતિને કારણે છેલ્લાં બે-ત્રણ વર્ષ આવા ડે કેરના દર્દીઓને પ્રવેશ અપાતો ન હતો, પરંતુ હવે સ્થિતિ સામાન્ય બનતાં હાલ ડે કેરમાં ત્રણેક દર્દી કામ કરે છે. આ સિવાય કેટલીકવાર વ્યસનમુક્તિ માટે આવેલા અને જેલમાંથી અસ્થિર મગજના દર્દીઓ પણ આવે છે.
વર્ષે 4થી 5 લાખની વસ્તુઓનું ઉત્પાદન
તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દીઓ દ્વારા વર્ષે 4થી 5 લાખની કિંમતની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં ખાનગી કંપનીઓ અને અન્ય હોસ્પિટલો બેડશીટ, પેશન્ટને ઓપરેશન સમયે પહેરાવાતા ગાઉન વગેરે બનાવડાવવામાં આવે છે. કોરોનાકાળમાં સસ્તા ભાવે માસ્ક બનાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી સાજા થઇને ગયેલા દર્દીઓ દરજીકામ કામ અને સુથારીકામ પણ કરતા હોય છે. દરજીકામ માટે સાજા થઇને ગયેલા દર્દીઓને સરકાર તરફથી સિલાઇ મશીનની સહાય મળે એ માટે હોસ્પિટલ દ્વારા મદદ પણ કરાય છે.
દર્દીઓને કામનું ઇન્સેન્ટિવ મળે છે
હોસ્પિટલના ટેલરિંગ વિભાગમાં ટેલર ઇન્સ્ટ્રક્ટર તરીકે છેલ્લાં 17 વર્ષથી ફરજ બજાવતા ઘનશ્યામભાઇ પારેખે જણાવ્યું હતું કે અમારા વિભાગમાં કામ કરતા દર્દીઓને ઇન્સેન્ટિવરૂપે એક ગાદલું બનાવે તો 30 રૂપિયા અપાય છે. શર્ટ અને લેઘા માટે 15 રૂપિયા, ઓટી ગાઉનના 30 રૂપિયા, ઓશીકાના કવર 5 રૂપિયા, પડદાના 15 રૂપિયા, સાવરણા-સાવરણિના 3 રૂપિયા અપાય છે. હોસ્પિટલમાં સુથારી કામના વિભાગમાં ફરજ બજાવતા વિજયભાઇ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે અમારા વિભાગમાં વેસ્ટ લાકડામાંથી બેસ્ટ વસ્તુઓ બનાવાય છે, જેમાં કી-ચેઇન, નાઇટ લેમ્પ, મોબાઇલ સ્ટેન્ડ વગેરે બનાવાય છે.
તમે પણ ઓર્ડર આપી શકો છો
ડૉ. કૃતિકા પટેલે જણાવ્યું હતું કે લોકો, સોસાયટી કે સંસ્થાઓ હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવતી 28 જેટલી વસ્તુઓ માટે ઓર્ડર આપીને પણ બનાવડાવી શકે છે. આ સિવાય જેટલી વસ્તુઓ તૈયાર હોય છે એ હોસ્પિટલ બહાર સ્ટોલ પરથી મળી શકે છે. આ સિવાય જો કોઇ સંસ્થા કે સોસાયટી પોતાનું મટીરિયલ આપે તો માત્ર લેબર ચાર્જ લઇને પણ દરજીકામ સહિતની વસ્તુઓ બનાવી આપવામાં આવે છે. જો તમે આ દર્દીઓ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ ખરીદવા માટે ઓર્ડર આપવા માગો છો અથવા તો તેમની પાસે વસ્તુઓ બનાવવા માગો છો. તો આ માટે 9974618819 આ મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.