એમ.એસ.યુનિ.ની વીપી સલોની મિશ્રા તેમજ અન્ય વિદ્યાર્થીનીઓને એસિડ એટેકની ધમકી આપવાના ચકચારી બનાવમાં વર્ષ 2019માં પઠાણ ગેંગ સામે કેસ નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ કોર્ટમાં શરૂ થતાં સલોની મિશ્રાની અઢી કલાક સુધી જુબાની થતા સલોની મિશ્રાએ કોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું ‘હા પઠાણ ગેંગના જુબેર સહિતના આરોપીઓએ એસિડ એટેકની ધમકી આપી હતી’ આ કેસમાં આજે પાંચ સાક્ષીની જુબાની થઇ હતી.
વર્ષ 2019માં પઠાણ ગેંગના જુબેર પઠાણ સહિતના આરોપીઓ સામે સયાજીગંજમાં ફરિયાદ નોંંધાઇ હતી
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં યુનિ.ની વીપી તરીકે સલોની મિશ્રાની જીત થઇ હતી. એપ્રિલ મહિનામાં હોસ્ટેલમાં રેગીંગનો મુદ્દો સપાટી પર આવતાં તેમાં સંડોવાયેલ વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી રજૂઆત માટે સલોની મિશ્રા તેમજ અન્ય વિદ્યાર્થીઓ હેડ ઓફિસ ખાતે રજૂઆત માટે ગયા હતા. આ સમયે પઠાણ ગેંગના જુબેર પઠાણ તેમજ ફજલ પઠાણે સલોની મિશ્રા તેમજ અન્ય વિદ્યાર્થીનીઓને એસિડ એટેકની ધમકી આપતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
સયાજીગંજ પોલીસે જે તે સમયે ગુનો દાખલ કરી આઠ આરોપીની ધરપકડ કરી હતી. આજે આ કેસની સુનાવણીમાં સલોની મિશ્રા સહિતના પાંચ વિદ્યાર્થીઓની જુબાની થઇ હતી, જેમાં સલોની મિશ્રાએ પઠાણ ગેંગે એસિડ એટેકની ધમકી આપી હોવાની વાતને વળગી રહી હતી. એસિડ એટેકની ધમકી આપનાર પઠાણ ગેંગ સામે ફરિયાદ નોંધાવનાર સલોની મિશ્રાએ જણાવ્યું હતું કે, પઠાણ ગેંગે ધમકી આપતાં તેના પરિવારજનો ખુબ જ ગભરાઇ ગયા હતા અને તેને અભ્યાસ છોડવો પડ્યો હતો. હાલ તે યુપીએસસીની તૈયારી કરી રહી છે. પઠાણ ગેંગ હાલ પણ યુનિ.માં છેડતીઓ કરી રહી છે ત્યારે અન્ય વિદ્યાર્થીનીઓ સાથે આવુ ન થાય તેની મારી લડાઇ છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ.તેણે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ ’ આ છોકરીઓને જોઇ લો, તેમને તેમની ઓકાત બતાવી દઇશુ, એસિડ એટેક કરીશુ તેમ કહ્યું હતું ’
કોર્ટમાં 5 વિદ્યાર્થિનીઓની જુબાની લેવાઇ
એસિડ એટેકની ધમકી આપવાના કેસમાં આજે પાંચ વિદ્યાર્થીઓની જુબાની થઇ હતી. જેમાં સલોની મિશ્રા સહિતના વિદ્યાર્થીઓ શામેલ હતા. જુબાની સમયે કોર્ટમાં મોટી સંખ્યામાં લોકો હાજર હોવાના કારણે કોર્ટ ભરાઇ ગઇ હતી. કોર્ટમાં આજે અઢી કલાકથી વધુ સમય સુધી જુબાની થઇ હતી અને તેમાં સલોની મિશ્રાએ ફરિયાદમાં જણાવેલ એસિડ એટેકની ધમકીને વળગી રહી હતી.
રાયોટિંગ અને મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો
પઠાણ ગેંગના શખ્સોએ એસિડ એટેકની ધમકી આપી હોવાનો વીપી સલોની મિશ્રાએ આક્ષેપ કરતાં પોલીસે જે તે સમયે આરોપીઓ સામે રાયોટીંગ, તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી.
જુબેરને જે તે સમયે પાસા થઇ હતી
એસિડ એટેકની ધમકી આપતાં પોલીસે જે તે સમયે ગુનો દાખલ કરી પઠાણ ગેંગના આઠ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જે તે સમયે NSUIના પૂર્વ પ્રમુખ જુબેરની પાસા હેઠળ ધરપકડ કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.