સમસ્યા:ઇ-બસના સ્ટેશન પર લારી સહિતનાં દબાણો કરી દેવાતાં મુસાફરોને આપદા

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની વિવિધ સમસ્યા અંગે સ્થાનિક નાગરિકે વડાપ્રધાનને પત્ર લખ્યો
  • વિવિધ વિસ્તારમાં નવો રોડ બનાવ્યા બાદ અન્ય કામના નામે ખોદી નખાય છે

પાલિકા દ્વારા તાજેતરમાં પૂર્વ વિસ્તારમાં 1.88 લાખના ખર્ચે સાઇકલ ટ્રેક બનાવાયો છે. જોકે આ વિસ્તારમાં ઉનાળામાં 50 ટકા લોકોને પીવાનું પાણી મળતું નથી તો ચોમાસામાં આ જ 2.6 કિમીનો સાઇકલ ટ્રેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. પાલિકા દ્વારા આ બાબતને લઈ કોઈ ચોક્કસ કામગીરી કરાતી નથી, જેને લઈ લોકોને મુશ્કેલી પડે છે. પૂર્વ વિસ્તારના નાગરિકે વડાપ્રધાનને પત્ર લખી સ્માર્ટ સિટીમાં પાલિકાની અણઘડ કામગીરી માટે યોગ્ય કાર્યવાહીની માગણી કરી છે.

સ્માર્ટ સિટીમાં ઈ બસો દોડાવવાની પણ પાલિકા મોટી વાતો કરી રહી છે. જોકે આ બસોના સ્ટોપેજ માટેના સ્ટેશનની હાલત દયનિય છે. સિટીજનો અને મુસાફરો બેસી શકે તે જગ્યા પર લારી, રિક્ષા સહિત અનેક દબાણો થઈ ગયાં છે. જેના કારણે મુસાફરોને બેસવાની જગ્યા મળતી નથી.

બીજી તરફ વિસ્તારના કાઉન્સિલરો પોતાના વિસ્તારમાં દેખાતા નથી. એક મહિલા કાઉન્સિલર દ્વારા અનેક વખત પાલિકામાં રજૂઆત કરાઈ હોવા છતાં સત્તાધિશો દ્વારા બજેટ ફાળવાતું નથી. જ્યાં જરૂરીયાત ન હોય તેવા કામો માટે પાલિકા ખોટા ખર્ચા કરતું હોવાના પણ નાગરીકો આક્ષેપો કરી રહ્યા છે. ઉપરાંત જે જગ્યા પર પાલિકા રોડ બનાવે છે તે જ ‌વિસ્તારમાં થોડા સમય બાદ કોઈને કોઈ કામના નામે રોડ ખોદી નખાય છે અને પછી તે રોડ બનાવવા પાછ‌ળ ફરીથી લાખોનો ખર્ચો કરાય છે. છતાં શહેરના અનેક વિસ્તારોના રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે. જેના કારણે લોકોને પરેશાન થવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...