રેલવેના એજન્ટ પાસે ટ્રેનની ટિકિટ બુક કરાવ્યા બાદ કેન્સલ કરાવતાં રિફંડ માટે એક માસમાં ઓટીપી વેરિફાઇ કરવો પડે છે, જે ગ્રાહક ઓટીપી વેરિફાઇ નથી કરતો તેને આઇઆરસીટીસી દ્વારા રિફંડ અપાતું નથી. જેને કારણે મુસાફરોને નાણાં ગુમાવવાનો વારો આવે છે. વર્ષે દહાડે ટ્રેનના મુસાફરો રૂા. 125 કરોડ જતા કરી દેતા હોવાથી આઇઆરસીટીસીને ફાયદો થઇ રહ્યો છે. જયારે મુસાફરોને નુકશાન થઇ રહ્યું છે.
એજન્ટ દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરાવનાર ટિકિટ કેન્સલ કરાવે તો રિફંડ મેળવવા આઇઆરસીટીસી દ્વારા મુસાફરના મોબાઈલ પર આવતો ઓટીપી નંબર એજન્ટને આપી વેરીફાઇ કરાવવો પડે છે. જો મુસાફર આ ઓટીપી એક મહિનામાં વેરિફાઈ ન કરાવે તો આઇઆરસીટીસી મુસાફરને ક્યારેય પણ રિફંડ ચૂકવતું નથી. જોકે રિફંડની રકમ રેલવે દ્વારા આઇઆરસીટીસીને આપી દેવામાં આવે છે.
આમ, આઇઆરસીટીસી ન ચૂકવેલા રિફંડ થકી એક વર્ષમાં રૂા.125 કરોડની આવક ઊભી કરતું હોવાનો પ્રિન્સિપલ એજન્ટોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. 3.50 લાખ એજન્ટો મહિને માત્ર 250 રૂપિયાનું રિફંડ ક્લેઇમ ન કરે તો વર્ષે 100 કરોડ ઉપરાંતની રકમ થાય છે.
સામાન્ય રીતે બેંકમાં પૈસા જમા કરાવી ભૂલી જઈએ તો બેંક વ્યાજ સાથે પૈસા પરત આપે છે. અન્ય કોઈ પણ જગ્યાએ રિફંડ લેવાનું રહી જાય તો તેનો પ્રોસિજર કરીએ ત્યારે ગમે તે સમયે રિફંડ પાછું મળતું હોય છે, પરંતુ આઇઆરસીટીસીમાં આનાથી ઊલટો નિયમ છે. આઇઆરસીટીસી દ્વારા અવાર-નવાર રિફંડ મેળવવા માટેના સમયમાં પણ બદલાવ કરે છે. અગાઉ 10 દિવસનો નિયમ કરાતાં ભારે હોબાળો થયો હતો.
એજન્ટો દ્વારા વિરોધ થતાં 10 દિવસનો નિયમ બદલી 1 મહિનાનો કરવામાં આવ્યો છે. ભારતમાં 3.50 એજન્ટ રેલવે ટિકિટ બુકિંગનું કામ કરે છે. વેસ્ટર્ન રેલવેમાં રોજ અંદાજે 250 કરોડની ટિકિટ બુક થતી હોવાનું તેમજ તેમાંથી 25 ટકા ટિકિટ કેન્સલ થતી હોવાનું અને તેના 0.5 ટકા રિફંડ ક્લેઇમના હોવાનો અંદાજ છે. છેલ્લાં 4 વર્ષથી આઈઆરસીટીસીએ આ નિયમ લાગુ પાડ્યો છે.
કયાં કારણોથી રિફંડનો ક્લેઇમ થતો નથી?
આઇઆરસીટીસી આ નિયમ કેમ લાવ્યું?
અગાઉ એજન્ટો દ્વારા બલ્કમાં ટિકિટ બુક કરાવી તેને કેન્સલ કરાવી પોતે રિફંડ મેળવી લેતા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. તેથી એજન્ટને ગ્રાહકનો મોબાઇલ નંબર નાખવાનું અને તે નંબર પર ઓટીપી આવે તો એક મહિનામાં રિફંડ માટે વેરિફાઈ કરવાનો નિયમ બનાવ્યો હતો.જો કે હજી મુસાફરો માટે તો મુશ્કેલી યથાવત રહી છે.
કયા શહેરમાં કેટલા એજન્ટો
વડોદરા 250
સુરત 300
અમદાવાદ 400
રાજકોટ 160
કોરોનાકાળમાં લોકોએ પૈસા પરત લીધા નથી
કોરોના મહામારી દરમિયાન દેશમાં ટ્રેન બંધ થઈ હતી, પરંતુ તે પહેલાં લોકોએ ટ્રેનની ટિકિટ બુક કરાવી હોય તેવા લોકોએ કોરોના મહામારીમાં ભોગ બનવાથી કે સ્વજનોના મૃત્યુ થવાથી ખૂબ જંગી રકમ રિફંડ લીધું ન હોવાનું જણાવ્યું હતું.જો કે વર્ષે દહાડે લોકો ઓટીપી વેરિફાઇ સહિતના અન્ય કારણોસર રિફંડ કલેઇમ કરતા ન હોવાથી રૂા. 125 કરોડ આઇઆરસીટીસી પાસે જમા રહે છે.
40% ઈ-ટિકિટ બુક થાય છે, રિફંડ માટે નિયમ બનાવવો જોઇએ
40% ઇ-ટિકિટ બુક થાય છે, તે પૈકી 8% જેટલી જ ટિકિટ કેન્સલ થાય છે. રદ ટિકિટના 0.5 ટકા રિફંડ ક્લેમ થતું નથી. જે પરત કરવા ચોકકસ નિયમ બનાવવો જોઈએ. આ પૈસા એજન્ટોના નથી ગ્રાહકના છે, કોઈ રસ્તો કાઢવો જોઈએ. > વિપુલ શાહ, પ્રિન્સિપાલ એજન્ટ, કલકત્તા
રિફંડ એક-બે દિવસમાં ક્લેઇમ થાય,અનલિમિટેડ ટાઇમ ન હોય
આઈઆરસીટીસીનો આશય પૈસા નહીં ચૂકવવાનો નથી, પરંતુ કોઈ વસ્તુ અનલિમિટેડ ટાઈમ માટે ન હોઈ શકે. રિફંડ એક-બે દિવસમાં જ ક્લેઇમ કરવાનું હોય. વીમ પોલિસીના બે હપ્તા ભર્યા બાદ પ્રિમિયમ ન ભરો તો તે પૈસા પણ પરત મળતા નથી. > આનંદ ઝા, પીઆરઓ, દિલ્હી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.