કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે મોડી સાંજે ધો. 10 બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત કરી છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા કેન્સલ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નિર્ણય કર્યો છે. વડોદરા શહેર-જિલ્લામાં 55 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે, જેની સામે 30 હજાર વિદ્યાર્થીઓને સ્કૂલોમાં સમાવવાની ક્ષમતા હોવાથી પ્રવેશની સમસ્યા સર્જાશે અને 15 હજાર વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થશે.
બેકાબૂ બનેલા કોરોનાને કારણે સરકારે ધો. 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. બોર્ડના ઇતિહાસમાં પ્રથમવાર માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે. શહેર-જિલ્લાની 550 સ્કૂલોમાં 55 હજાર વિદ્યાર્થીઓ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા છે, જેઓએ બોર્ડ પરીક્ષાના ફોર્મ ભર્યા હતા. જેની સામે 300 જેટલી સ્કૂલોમાં ધો. 11માં ૩૦ હજાર જગ્યા છે. તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતાં હવે ધોરણ 11માં પ્રવેશ માટે ગંભીર કટોકટી સર્જાશે.
કેટલાય સમયથી ધોરણ 11 સાયન્સના વર્ગો મોટી સંખ્યામાં બંધ થઈ ગયા છે, તેવા સમયે ધોરણ 11 પ્રવેશ માટે વિકટ સ્થિતિ સર્જાઈ તેવું શિક્ષણવિદો માની રહ્યા છે. સરકારે રિપીટર વિદ્યાર્થીઓ માટે હજુ કોઈ નિર્ણય કરાયો નથી. શિક્ષણ વિદ ધર્મેન્દ્ર જોશીએ કહ્યું હતું કે, માસ પ્રમોશનને પગલે ધોરણ 11માં સાયન્સ લેવું કે કોમર્સ તે અંગે અસમંજસ ભરી સ્થિતિ ઊભી થશે. અેમસીક્યુથી પણ પરીક્ષા લેવાવી જોઈતી હતી.
માસ પ્રમોશનથી હોશિયાર વિદ્યાર્થીને નુકસાન જશે
ધોરણ 10 એ વિદ્યાર્થીનું પ્રથમ સર્ટિફિકેટ છે અને કારકિર્દી માટે પ્રથમ પગથિયું પણ છે, જેથી બોર્ડની પરીક્ષા કેન્સલ ન કરી શકાય. આ માસ પ્રમોશનની અસર લાંબાગાળે થશે. જિંદગીનું અતિ મહત્ત્વનું વર્ષ કહેવાય. સરકાર ઓબ્જેક્ટિવ પેપર લઈ શકતી હતી. અથવા તો વોલેન્ટરી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોય તે આપી શકે અને એને માસ પ્રમોશન જોઈતું હોય તે માસ પ્રમોશન થઇ શકે તેવો ઓપ્શન રાખવું જોઈએ. માસ પ્રમોશનથી હોશિયાર વિદ્યાર્થીઓને નુકસાન જશે. > ભરત રાણા, શિક્ષણવિદ
માસ પ્રમોશનની અસર ધો.12ના પરિણામ પર પડશે
વર્તમાન પરિસ્થિતિને આધીન સરકારે આ નિર્ણય લીધો છે, પરંતુ ધોરણ 10 બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ નહીં આપે તો ધોરણ 12 બોર્ડમાં કેવી રીતે પરીક્ષા આપી તે વિશે કોઈ જાણકારી વિદ્યાર્થીઓને નહીં હોય. ધોરણ 10ના માસ પ્રમોશનની સીધી અસર 2 વર્ષ પછી ધોરણ 12નાં પરિણામ પર પડશે. > કિરણ પટેલ, શિક્ષણવિદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.