દિવ્યાંગોને મુશ્કેલી:વડોદરા મનપામાંથી દાખલો ન મળતા ધક્કા ખાયને દિવ્યાંગ મહિલા કંટાળી, સ્થાયી સમિતિના ચેરમેને મદદ કરી

વડોદરાએક મહિનો પહેલા
દિવ્યાંગ મહિલા ઉપર સ્થાયી સમિતીના ચેરમેનની નજર પડતા દિવ્યાંગ મહિલાની સમસ્યાનો અંત લાવ્યા હતા - Divya Bhaskar
દિવ્યાંગ મહિલા ઉપર સ્થાયી સમિતીના ચેરમેનની નજર પડતા દિવ્યાંગ મહિલાની સમસ્યાનો અંત લાવ્યા હતા
  • દિવ્યાંગ મહિલાની મદદે પાલિકાના વિપક્ષના પક્ષના નેતા પણ આવ્યા

વડોદરા મહાનગર પાલિકાના UCD શાખા તરફથી દાખલો ન મળવાના કારણે અનેક લાભોથી વંચિત અને સરકારી કચેરીઓના ધક્કા ખાયને કંટાળીને દિવ્યાંગ મહિલા કાળઝાળ ગરમીમાં મદદ માટે વડોદરા મહાનગર પાલિકાની કચેરી ખાતે આવી પહોંચી હતી. જોકે, આ દિવ્યાંગ મહિલા ઉપર સ્થાયી સમિતીના ચેરમેનની નજર પડતા દિવ્યાંગ મહિલાની સમસ્યાનો અંત લાવ્યા હતા.

અધિકારીઓ ન હોવાના કારણે ફરી એક વખત દિવ્યાંગ મહિલાને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. મેયર કેયુર રોકડિયા પણ ન મળતા કંટાળેલ મહિલા મ્યુનિસિપલ કોર્પોરેશનના દાદરા પાસે આવીને બેસી ગઈ હતી. દરમિયાન પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ અને વિપક્ષ નેતા અમી રાવત મળતાં તેઓએ દિવ્યાંગ મહિલાની વાત સાંભળીને જરૂરી મદદ કરી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ તાત્કાલિક ધોરણે અધિકારીને સ્થળ પર બોલાવીને તેના દસ્તાવેજોની નકલ અધિકારીઓને સોંપી હતી.

દિવ્યાંગ મહિલાની મદદે પાલિકાના વિપક્ષના નેતા અમી રાવત પણ આવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, ડિસેબલ વ્યક્તિ માટે ચોક્કસ અકસેસ હોવો જોઈએ, જેમાં પાલિકા તંત્ર દ્વારા વિકલાંગ વ્યક્તિ માટે યોગ્ય સહાય માટે વ્યવસ્થા હોવી જોઈએ જે નથી. તેમને મદદ આપવાની સાથે તેમને ઘર છોડવાની વ્યવસ્થા ઊભી કરી આપી હતી.

મળેલી માહિતી મુજબ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા પરિવારનો સર્વે કરવામાં આવતો હોય છે. પરંતુ, છેલ્લા કેટલાક વખતથી સર્વે કરવામાં નહીં આવતા ગરીબ વર્ગના લોકોને પરેશાની થઇ રહી છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોને બીપીએલ કાર્ડ આપવામાં આવે છે, જેમાં તેઓને અનાજ તેમજ અન્ય સહાય પણ મળતી હોય છે. આ અંગે એક દિવ્યાંગ મહિલા આયશાબેન સલાટવાડા સ્થિત યુસીડી મની ઓફિસ ખાતે ગયા હતા. જ્યાં તેઓને યોગ્ય જવાબ નહીં મળતા નર્મદા ભવન ખાતેની સમાજ કલ્યાણ વિભાગની કચેરી અને કોઠી કચેરી ખાતે પણ ગયા હતા. પરંતુ, સરકારી વિભાગોમાંથી યોગ્ય જવાબ નહીં મળતાં તેઓની હાલત બાઈ બાઈ ચારણી જેવી થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...