ભૂતકાળની ભ‌વ્યતા:કલા પ્રેમને પારખી દરબાર હોલ સંગીતના કાર્યક્રમો માટે ખોલી આપ્યો હતો

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
શુભાંગિની દેવી ગાયકવાડ
રાજમાતા - Divya Bhaskar
શુભાંગિની દેવી ગાયકવાડ રાજમાતા
  • ‘આપણા શહેરની સંસ્કૃતિ અને હેરિટેજને જાળવવાની સાથે સાથે તેના માટે અભિમાન પણ જરૂરી છે’

આજથી 56 વર્ષ અગાઉ વડોદરાના રાજવી પરિવારમાં લગ્ન કરીને પહેલીવાર વડોદરા આવી ત્યારે આ શહેરને પહેલીવાર જોયું હતું. લગ્નના 15થી 20 દિવસ બાદ જાહેર કાર્યક્રમમાં જવાનું હતું. મહિલાઓ માટેના એક રમતોત્સવનો ઇનામ વિતરણ સમારોહ હતો. ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ હતી. જે કોઇને કોઇ રમતગમત સાથે સંકળાયેલી હતી. મને એ નજારો જોઇને ખૂબ નવાઇ લાગી. આટલી બધી મહિલાઓ વડોદરામાં સ્પોર્ટ્સમાં છે ! વધુ આશ્ચર્ય એ બાબતનું હતું કે, તેમાં મોટી વયની, 40 વર્ષથી વધુ વયની મહિલાઓની સંખ્યા પણ ખૂબ જ વધુ હતી.

પછીના મહિનાઓમાં મેં આજવા સરોવર, જૂના મંદિરો, સ્થાપત્ય સ્થળો જોયા. હું ગ્વાલિયરમાં જન્મી છું, લખનૌમાં ભણી છું. એ શહેરોમાં પણ હજી કેટલાક વર્ષો સુધી ઓપન ડ્રેનેજ હતી. જ્યારે વડોદરામાં તે સમયમાં વર્ષો અગાઉ પણ ડ્રેનેજ ખુલ્લી ન હતી. રાજવી કુટુંબ શહેરને એટલા માટે પણ વધુ જાણતું હતું કે, મોતીબાગ અને ક્રિકેટ તે સમયે એકબીજાના પૂરક હતા. મહારાજા રણજિતસિંહને રમતગમત, કલા, સંસ્કૃતિ બધી જ બાબતોમાં રસ હતો, એ ક્ષેત્રોમાં તેમના વડોદરામાંથી જ ખૂબ નજીકના મિત્રો-પરિચિતો હતા. તેઓ વડોદરાનો કલા પ્રત્યેના પ્રેમને પારખી ચૂક્યા હતા. આ જ કારણસર તેમણે 1978માં દરબાર હોલ સંગીત-કલાના કાર્યક્રમો માટે, જાહેરજનતા માટે ખોલી આપ્યો.

દરબાર હોલની હિન્દુસ્તાની બેઠકમાં શહેરમાં યોજાતા કાર્યક્રમોમાં એક ક્રાંતિ આવી ગઇ હતી. હોલ ભરાઇ જાય તો લોકો માટે ટીવી સ્ક્રીન મૂકાતા. કલા ચાહકો તેને પણ મનભરીને માણતા હતા. વડોદરાએ ક્રિકેટમાં પણ અનેક ખેલાડીઓ આપ્યાં. આજે બાળકો માટે એવા મોટા મેદાનો રહ્યાં નથી. જ્યાં તેઓ મોકળા મને રમી શકે. મને એ બાબતનું દુ:ખ છે.

શહેરમાં એક સમયે ચાર દરવાજા, તેની ફરતેનો કોટ એક હેરિટેજ દીવાલ હતી. આજે એ દીવાલ આપણે ગુમાવી દીધી છે. વડોદરાના હેરિટેજને સાચવવું એ રાજકીય લોકોની જ વાત નથી પણ વડોદરાના લોકોએ એક થઇને, ગંભીર વિચારણા કરીને, તેના આર્થિક પાસાઓને ધ્યાને રાખીને પ્રયાસો કરવા જોઇએ. મહારાજા સયાજીરાવના પ્રયાસો હતા જેમણે દેશભરના તમામ રાજ્યો-વર્ગો-ધર્મોના લોકોની કાબેલિયતને બિરદાવી તેમને વડોદરામાં લાવ્યા, તેમને પ્રોત્સાહિત કર્યાં હતા. વડોદરાની આગામી વર્ષોમાં પણ તેની કોસ્મોપોલિટન સિટી તરીકેની ઓળખ જળવાય તે જોવું ગમશે. વડોદરાને હજી પણ સ્વચ્છ રાખવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...