સ્માર્ટ સિટી પ્રોજેક્ટના આઈસીટી હેઠળ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP)નો પ્રોજેક્ટ વર્ષ 2016-17માં લાવવામાં આવ્યો હતો. પાલિકામાં પેપરલેસ સિસ્ટમ માટે શરૂ કરાયેલા 25 કરોડના આ પ્રોજેક્ટમાં 12 કરોડનું ચુકવણું કરાયું છે. જોકે તેમ છતાં છેલ્લાં 5 વર્ષમાં રૂા.70 લાખના પેપરનો ઉપયોગ થયો છે.
2016-17માં સ્માર્ટ સિટી અંતર્ગત પાલિકામાં ઇઆરપી સિસ્ટમ બનાવવાનું શરૂ કરાયું હતું. 25 કરોડના ખર્ચે થનારી સિસ્ટમમાં રેવન્યુ મેનેજમેન્ટ અને પાલિકાની સર્વિસીસ વચ્ચે યોગ્ય સંકલન થાય અને પેપરલેસ વર્ક થાય, સિસ્ટમના ડેટાની સિક્યુરિટી વધે તેમજ ડેટા ડુપ્લિકેશન અટકાવી શકાય તેવો દાવો કરાયો હતો. જોકે 6 વર્ષ બાદ પણ આ સિસ્ટમ અધૂરી છે.
ટ્રેનિંગ લીધા બાદ 3 વર્ષનો સમય વીતી ગયો
જેમાં તંત્ર દ્વારા 12 કરોડના ચુકવણા બાદ પણ પેપરલેસ સિસ્ટમમાં 5 વર્ષમાં પેપરનો ઉપયોગ ઘટ્યો નથી. 5 વર્ષમાં પેપર પાછળ 70 લાખનો માતબર ખર્ચો કરાયો છે. પાલિકાના આઇટી વિભાગના અધિકારીનું કહેવું છે કે, ડેટા માઈગ્રેશનની પ્રક્રિયાને કારણે વિલંબ થઈ રહ્યો છે, અમુક વિભાગોમાં ટ્રાયલ રન ચાલી રહ્યો છે. સૂત્રો મુજબ 2019ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 1 હજારથી વધુ કર્મીઓને ઈઆરપીની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ટ્રેનિંગ લીધા બાદ 3 વર્ષનો સમય વીતી ગયો છે.
રૂ.1.33 કરોડની સ્ટેશનરી પણ વાપરી નાખી
છેલ્લાં પાંચ વર્ષમાં પેપરની સાથે ઉપયોગમાં લેવાતી અન્ય સ્ટેશનરી પાછળ રૂા.1.33 કરોડનો ખર્ચો કરાયો છે. પેપરલેસ સિસ્ટમ માત્ર પેપર પર રહી ગઈ છે.
સરકારે ઈ-સરકાર મોડ્યુલ ફરજિયાત બનાવતાં ERP ખાડામાં!
સરકારે ડિસેમ્બર 2022થી તમામ ખાતાઓ અને મહાનગરપાલિકાઓ માટે ઇ-સરકાર મોડ્યુલમાં કામ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે પણ તમામ અધિકારીઓને આ સિસ્ટમમાં કામ કરવા સૂચના આપી છે. મહત્ત્વની બાબત એ છે કે કોર્પોરેશનને જે કોન્ટ્રાક્ટરે આ સિસ્ટમ આપી છે તે જ કોન્ટ્રાક્ટરે ઈ-સરકાર મોડ્યુલ બનાવ્યું છે. આ સિસ્ટમ ઈ-સરકારમાં મર્જ થશે કે પછી સિસ્ટમના નામે ચૂકવેલા રૂા. 12 કરોડ ખાડામાં જશે તે યક્ષ પ્રશ્ન બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.