ક્રાઈમ:પાણીગેટના ASIએ અન્ય મહિલાની પણ સતામણી કરી હોવાનો ઘટસ્ફોટ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા પર 3 વાર દુષ્કર્મ કરનાર નાસીરની તપાસ એસીપીને સોંપાઈ
  • ​​​​​​​પીડિતાનું ફરી નિવેદન ​​​​​​​લેવાયા બાદ ગુનો નોંધાઈ શકે છે : એસીપી

પાણીગેટ પોલીસ મથકના રંગીન સ્વભાવના એએસઆઇ નાસીર દ્વારા મહિલાના કરાયેલા શારીરિક શોષણ અંગે એસીપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ભોગ બનેલી મહિલાના નિવેદન બાદ તેની સામે દુષ્કર્મ અંગેનો ગુનો નોંધવાની કાર્યવાહી થઈ શકે છે. જ્યારે બીજી એક મહિલા પાસે પણ નાસીરે અજુગતી માગણી કરી હોવાનું બહાર આવ્યું છે, જેને લઇ પોલીસ બેડામાં ચકચાર મચી છે.

ધમકી આપી વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ પોલીસ કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, એક નહિ પરંતુ ત્રણ-ત્રણ વાર પાણીગેટ પોલીસ મથકના એએસઆઇ મહંમદ નાસીર અનવરમિયાએ મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી તેની સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા માટે માગ કરી હતી. જેના પગલે પાણીગેટ પીઆઇ દ્વારા ભોગ બનેલી મહિલાનું નિવેદન લેવાયું હતું, જેમાં મહિલા તેની ફરિયાદ મુજબનું જ નિવેદન આપ્યું હતું અને પુરાવા પણ રજૂ કર્યા હતા. જેને લઇ ગુનાની ગંભીરતા જોતાં તપાસ એસીપી ઇ-ડિવિઝન જીડી પલસાણાને સોંપવામાં આવી છે.

દરમિયાન નાસીર દ્વારા વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા વાડિયા વિસ્તારમાં પણ એકલી રહેતી મહિલાના ઘરમાં મધરાત્રી બાદ તપાસના બહાને ઘૂસી જતો હોવાની ફરિયાદ સાથે મહિલા બહાર આવી છે. આમ નાસીરની સતામણીનો ભોગ બનેલી મહિલાઓ એક પછી એક બહાર આવી રહી છે. જેને લઇ નાસીર સામે ટૂંક સમયમાં કડક પગલાં લેવાશે, એમ સૂત્રોએ જણાવ્યું છે.

પાણીગેટ પોલીસે ભોગ બનેલી મહિલાના શનિવારે લીધેલા નિવેદનમાં ત્રણવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું મક્કમપણે જણાવતાં એએસઆઇ સામે દુષ્કર્મનો ગુનો નોંધાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જેને પગલે એસીપી પલસાણાને તપાસ સોંપાઈ છે. તેમણે જણાવ્યું હતું કે, ભોગ બનેલી મહિલાનું ફરીથી નિવેદન લેવાશે, ત્યારબાદ ગુનો નોંધાઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરના આયુર્વેદિક ચાર રસ્તા પાસે અને હાલમાં વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પાણીગેટ પોલીસના એએસઆઇ નાસીર વિરુદ્ધ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી. જેમાં પીડિતાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, એએસઆઇ નાસીર મારા ઘરથી થોડે દૂર તેનું બાઇક પાર્ક કરતો હતો અને ચાલતો-ચાલતો તેના ઘરે જતો હતો. જ્યાં પહોંચ્યા બાદ મહિલાના પતિને નાસ્તો લેવાના બહાને ઘરની બહાર મોેકલીને પરિણીતા પર બળજબરીથી દુષ્કર્મ ગુજારતો હોવાના આક્ષેપ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...