તાજેતરમાં સ્માર્ટ સિટી મિશન ઇન્ડિયા તેમજ શહેરી વિકાસ અને મકાન મંત્રાલય, ભારત સરકાર દ્વારા દેશનાં શહેરોમાં લોકો સાઇકલનો ઉપયોગ વધુ ને વધુ કરતા થાય તે માટે વડોદરા સહિત દેશનાં 5 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરો માટે ઇન્ડિયા સાઇકલ્સ 4 ચેન્જ નામની સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેતા શહેરના તંત્રે શહેરીજનોને સાઇકલિંગ વધુ ને વધુ કરે તે માટેની સુવિધા પૂરી પાડવાની છે.
અગાઉ બે-બે સાઇકલ પ્રોજેક્ટમાં ફેઇલ વડોદરા સ્માર્ટ સિટી મિશને સ્પર્ધામાં રજિસ્ટ્રેશન કરાવી ભાગ લીધો છે. ચોમાસામાં ખાડોદરા નામે ઓળખાતા આ શહેરમાં સાઇકલ ટ્રેકનાં ઠેકાણાં નથી, સાઇકલો ધૂળ ખાય છે. એમાં સ્માર્ટ સિટી મિશન, વડોદરાનો આ પ્રયાસ વધુ એક ફ્લોપ શો પુરવાર થાય તો નવાઇ નહીં. સ્પર્ધામાં લોકોને ઓછામાં ઓછા ખર્ચે સાઇકલનો ઉપયોગ કરતા થાય તેવા પ્રયાસ કરવાના છે. સ્પર્ધાની જાહેરાત 10 જુલાઇએ થઇ હતી, વડોદરાએ રજિસ્ટ્રેશન 28મીએ કરાવ્યું અને ઓગસ્ટનાં 3 અઠવાડિયાં પૂરા થવા આવ્યાં ત્યારે ગંભીર પ્રયાસો કરાઈ રહ્યા છે. આ વર્ષનું મૂલ્યાંકન ઓક્ટોબર સુધીનું જ છે એટલે કે માંડ 2 મહિના બાકી છે. સ્પર્ધામાં શ્રેષ્ઠ 11 શહેરને 1 કરોડનું ઇનામ અપાશે.
આ કારણસર સાઇકલ પ્રોજેક્ટ સફળ થતા નથી
1. ખખડધજ રસ્તા : ચોમાસામાં તો શહેરને ખાડોદરા જ કહેવાય છે. સાઇકલ સવાર આવા રસ્તા પર નિયમિત સાઇકલિંગ કરી શકે નહીં. સ્પર્ધાનું મૂલ્યાંકન જુલાઇથી ઓક્ટોબર વચ્ચેનું છે. આ દરમિયાન મોટેભાગના દિવસોમાં ચોમાસું હશે.
2. સાઇકલ ટ્રેકનો અભાવ : શહેરમાં સાઇકલ સવાર સલામત રીતે સાઇકલિંગ કરી શકે તે માટેનો કોઇ ટ્રેક જ નથી.
3. પ્રતિકૂળ વાતાવરણ : સાઇકલિંગ માટે વધુ ગરમી ન હોય અને તડકો ઓછો રહેતો હોય તેવા વાતાવરણની જરૂર પડે છે. વડોદરામાં શિયાળાને બાદ કરતાં સખત તડકો પડતો હોય છે.
4. મુખ્યમાર્ગો પર છાંયડાનો અભાવ : મોટાભાગના રસ્તા પર જૂજ વૃક્ષ છે. આ સ્થિતિમાં સાઇકલ લઇને જવું એટલે તડકો સહન કરવાની તાકાત ઓછા લોકોમાં રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.