મરજી મુજબની ફરિયાદ:યુવકને ગાયે શિંગડું મારવાની ફરિયાદમાંથી પાલિકા બાકાત!

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
હેનીલ પટેલ - Divya Bhaskar
હેનીલ પટેલ
  • આંખ ગુમાવનાર યુવકના પિતાએ પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • પોલીસે યુવકના પિતાને ફરી બોલાવી પોતાની મરજી મુજબ ફરિયાદ નોંધી

રસ્તે રખડતી ગાયનું શિંગડું વાગતાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા યુવકે એક આંખ ગુમાવી દીધી છે. આ ઘટના બાદ વડોદરાને રખડતાં ઢોરમુક્ત કરવાની ગુલબાંગો પોકરાતી પાલિકાના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ગયેલા યુવકના પિતાની ફરિયાદ લીધા બાદ પાણીગેટ પોલીસે આશ્ચર્યજનક રીતે અડધો કલાકમાં જ નવી ફરિયાદ લખી પાલિકાના જવાબદાર અધિકારીઓને આરોપીમાંથી હટાવી દઈ માત્ર ગાયના માલિકને આરોપી બનાવ્યો હતો.

જ્યારે ફરિયાદમાં પાલિકાના અધિકારીઓની જવાબદારી હોવા છતાં તેમને ઢોર પકડવાની જવાબદારી નિભાવી ન હોવાનો ઉલ્લેખ કરી તેમના વિરુદ્ધ માત્ર તપાસનો ઉલ્લેખ કરાયો હતો. વાઘોડિયા-ડભોઈ રિંગ રોડની ગોવર્ધન ટાઉનશિપમાં રહેતા નીતિનભાઈ પટેલની પોલીસે નોંધેલી ફરિયાદ અનુસાર, તેમનો 17 વર્ષનો પુત્ર હેનીલ એમ.એસ.યુ.માં મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

10 મેએ સાંજે 6-45 વાગે વાઘોડિયા રોડ પર નારાયણ સ્કૂલ પાસે ક્રિષ્ણા હોસ્પિટલ સામેથી ડિવાઈડર ક્રોસ કરીને આવેલી ગાયનું શિંગડું હેનિલની જમણી આંખ પર વાગી ગયું હતું અને તે ટુ-વ્હીલર પરથી નીચે પડી ગયો હતો. રાહદારીઓએ તેને ઊભો કરીને તેની માતાને ફોન કરી ઘટના અંગે જાણ કરી હતી.

શહેરની હોસ્પિટલોમાં બતાવ્યા બાદ હેનીલનો આંખનો પડદો ફાટી ગયો હોવાનું અને આંખ નીચે ઈજા પહોંચતાં તેને અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર બાદ આંખનું વિઝન જતું રહ્યું છે. ફરિયાદમાં પાલિકાની ઢોર પકડવાની શાખાના અધિકારીઓએ રખડતાં ઢોર પકડવાની જવાબદારી નિભાવી નથી. જેથી તેમના વિરુદ્ધ તપાસ કરાય તેમજ ગાયના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

ફરિયાદના દરેક શબ્દ પીઆઇ પોતે વાંચે અને ઉપરીને વંચાવે, નડતા શબ્દોને કઢાવી નાખ્યા
નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, શનિવારે મેયર કેયુર રોકડિયાએ ફોન કરીને તમે હજુ ફરિયાદ નથી નોંધાવી, તુરંત નોંધાવો, કહી પોતાની લાગણી દર્શાવી હતી. નીતિનભાઈ ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસે પ્રથમ ફરિયાદમાં ઢોર પકડવાની જવાબદારી નિભાવતા પાલિકાના અધિકારીઓને આરોપી બનાવ્યા હતા.

જોકે અડધો કલાકમાં જ પોલીસે ફરિયાદ બદલવી પડશે તેમ કહીને નીતિનભાઈને બોલાવ્યા હતા. પોલીસે પાલિકાના અધિકારીઓને આરોપી ન બનાવવા ખૂબ દબાણ કરી તેમને આરોપી બનાવ્યા ન હતા. ફરિયાદના દરેકે દરેક શબ્દ પહેલાં પીઆઈ વાંચે અને પોતાના ઉપરી અધિકારીને વંચાવવા મોકલે. પછી જો તેમાં કોઈ શબ્દ નડે તો તે કઢાવે. આમ પોલીસે ફરિયાદ પણ તેમની મરજી મુજબની લીધી હતી. પાલિકાના અધિકારીઓ આરોપી ન બને તે માટે રાજકીય દબાણ પણ ખૂબ કરાયું હતું.

છોકરો અથડાયો ત્યારે તો કંઈ નથી કરવું તેવું કહ્યું હતું
નીતિનભાઈ પટેલના આક્ષેપ મુજબ, પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જતાં પોલીસે ફરિયાદ ન નોંધવી પડે તે માટે દલીલ કરી હતી કે, તમારો છોકરો અથડાયો ત્યારે તો તેણે કંઈ નથી કરવુું, તેવું કહ્યું હતું. હવે શું કામ ફરિયાદ કરવી છે. જોકે પિતાની જીદ સામે આખરે પોલીસે ફરિયાદ નોંધવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...