ભારતના મહાન આર્કિટેક્ટ અને આજીવન આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂકેલા પદ્મભૂષણ બાલકૃષ્ણ દોશીનું અવસાન થતાં વડોદરાના આર્કિટેક્ટચર્સમાં પણ સોંપો પડી ગયો હતો. ચંદીગઢના પ્લાનર અને વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ટ-પ્લાનર લા-કાર્બુઝીએ તેમને ઇમાનદાર, નિષ્ઠાવાન અને દેશ માટે ઉપયોગી ગણાવ્યાં હતા. બાલકૃષ્ણ દોશીએ 53 વર્ષ અગાઉ જીએસએફસી ટાઉનશિપની ડિઝાઇન બનાવી હતી.
સિનિયર આર્કિટેક્ટ ચંદ્રવદન પાઠકે જણાવ્યું કે, હું 1963થી 1970 દરમિયાન તેમનો વિદ્યાર્થી હતો. તેઓ ડિઝાઇન વિશે વિદ્યાર્થી સાથે એવી રીતે વાત કરતા કે વિદ્યાર્થી ગુંચવાઇ તો તેમની સાથે માત્ર વાત કરવાથી જ હળવો થઇ જતો હતો. કોઇ પણ બાબત સાથે તેઓ વાર્તા સાંકળી લેતા હતા.
જીએસએફસીમાં સ્ટાફને રહેવા માટેના મકાનો તેમણે ભારતીય વાતાવરણને ધ્યાનમાં રાખીને બનાવ્યાં હતા. જે તમામ ઋતુમાં રહેનારા લોકો માટે અનુકુળ હતા. આ ઉપરાંત અમદાવાદની સંખ્યાબંધ ઇમારતોની ડિઝાઇન તૈયાર કરી હતી. આર્કિટેક્ટ સંજીવ જોશીએ જણાવ્યું કે, બાલકૃષ્ણ દોશી પાસે હું 1985થી 1992 દરમિયાન સેપ્ટમાં ભણ્યો હતો. આર્કિટેક્ચર ક્ષેત્રનો સૌથી સર્વોચ્ય પ્રિત્ઝકર એવોર્ડ એનાયત થયો હતો.
દોશી તેમના નૈતિક મૂલ્ય માટે શ્રેષ્ઠ હતા
1954માં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના ડો. હોમી ભાભાને પેરિસથી લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, બાલકૃષ્ણ દોશીએ ચાર વર્ષ માટે મારી સાથે કામ કર્યું છે. લા કાર્બુઝીએ કેમ્બ્રિજની હાર્વર્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનના ડીન જો લૂઇ સર્ટને 1957માં લખેલા પત્રમાં નોંધ્યું હતું કે, દોશી તેમના નૈતિક મૂલ્યો, બૌદ્ધિક ક્ષમતા અને ઉમદા ટેક્નિકલ સેન્સ માટે શ્રેષ્ઠ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.