તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજા વેવ સામે તૈયારી:ઓક્સિજનના 20 વેપારી વધ્યા નવા 5 સ્ટોરેજ લાઇસન્સ ઇશ્યુ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોના અગાઉ 5 વેપારીઓ જ ઓક્સિજન બોટલ આપતાં હતા
  • હવે 2000થી વધુ સિલિન્ડર સહેલાઇથી મળશે

કોરોના મહામારીમાં ઓક્સિજનની પ્રબળ માંગને પગલે વડોદરામાં 20 વેપારીઓએ મેડિકલ ઓક્સિજનના ધંધામાં ઝંપલાવ્યું છે. જેના પગલે સંભવિત ત્રીજા વેવમાં પણ ઓક્સિજન ડિમાન્ડ વધે તો તેને પહોંચી વળાશે. આ 20 વેપારીઓએ લાઇસન્સ લીધા છે. જેના પગલે શહેરમાં ઓક્સિજનના 2 હજારથી વધુ સિલિન્ડર સહેલાઇથી ઉપલબ્ધ રહેશે. કોરોના દરમિયાન એક તબક્કે ઓક્સિજનની ડિમાન્ડ વધીને 178 ટન સુધી પહોંચી ગઇ હતી.

આ જે 20 વેપારીઓએ લાઇસન્સ લીધા છે જે 50થી 150 જેટલા સિલિન્ડર પોતાના ધંધા-વ્યવસાયના સ્થળે રાખી શકશે અને કંપની પાસેથી ઓક્સિજન ભરાવીને વેચી શકશે. બીજી તરફ વડોદરા જિલ્લાની 5 કંપનીઓએ ઓક્સિજન સ્ટોરેજ માટેના લાઇસન્સ પણ મેળવ્યાં છે. જેના પગલે વડોદરાની ઓક્સિજન સંગ્રહની ક્ષમતામાં પણ 142 કિલોલિટરનો વધારો થયો છે. કોરોના અગાઉ માત્ર 3 કંપનીઓ પાસે જ આવા લાઇસન્સ હતા.

આ વિશે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારી કહે છે કે, ‘ કંપનીઓ અને વેપારીઓએ સ્વયં આ માટે પ્રયાસો કર્યા હતા. કંપનીઓ ઓક્સિજનના વ્યવસાય સાથે સંકળાયેલી જ હતી તેથી તેમણે ઓક્સિજન ટેન્ક માટે લાઇસન્સ મેળવ્યા છે.’ વડોદરાની એચપીએસ ગેસ, ભાગ્યલક્ષ્મી, અલ્ટ્રાપ્યોર, પ્રેક્સ એર અને નોવા ગેસિસ પ્રા.લિ. દ્વારા આ લાઇસન્સ મેળવવામાં આવ્યાં છે. સીધો હવામાંથી ઓક્સિજન ખેંચીને ઓક્સિજન બનાવવાના 8 પ્લાન્ટ્સ શહેર-જિલ્લામાં ફીટ કરાઈ રહ્યાં છે.

માંજલપુર,અટલાદરા,છાણીમાં ત્રણ ઇન્ડોર હોસ્પિટલ બનશે
શહેરમાં પ્રથમ વખત કોર્પોરેશન સંચાલિત ઇન્ડોર હોસ્પિટલનો પ્રારંભ આગામી એક મહિના બાદ થવા જઈ રહ્યો છે. કોર્પોરેશન દ્વારા શહેરના 4 ઝોનમાં રૂા.17.25 કરોડના ખર્ચે 4 ઈન્ડોર હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. જે પૈકી છાણી, અટલાદરા, માંજલપુર ખાતે 31 ઓગસ્ટ સુધીમાં કામગીરી પૂર્ણ થશે, તેમ હાઉસિંગ બિલ્ડિંગ વિભાગ દ્વારા જણાવાયું છે. કોરોનાની ત્રીજી લહેર પહેલાં નાગરિકોને શહેરમાં કુલ 150 બેડની સુવિધાનો લાભ મળશે. જ્યારે કિશનવાડી ખાતે બની રહેલી હોસ્પિટલ હજુ થોડા સમય બાદ કાર્યરત થશે. હોસ્પિટલમાં ફિઝિશિયન અને લેબની પણ સુવિધા મળી રહેશે. પ્રાથમિક તબક્કે આ કોન્સેપ્ટ માત્ર ગાઇનેક અને બાળકો પૂરતો હતો, પરંતુ પછી તેમાં ફિઝિશિયન અને સર્જરી જેવા વિભાગો સાથે હાલના સમયની જરૂરિયાત મુજબ વેક્સિનના સંગ્રહની સુવિધા ઊભી કરાઇ છે. મેલ અને ફિમેલ બંને જનરલ વોર્ડ સાથે સોનોગ્રાફી રૂમ સહિતની સુવિધા હશે.

હોસ્પિટલમાં આ સુવિધા મળશે

  • દરેક હોસ્પિટલમાં 50 બેડ હશે
  • લેબોરેટરીની સુવિધા
  • મહિલાઓ માટે અલગ વોર્ડ
  • ફિઝિશિયન, ગાઇનેક, બાળરોગ નિષ્ણાત, સર્જિકલ વિભાગ

નવી ઇન્ડોર હોસ્પિટલ સરકાર અને પાલિકા સંયુક્ત રીતે ચલાવશે
મુખ્ય આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે કહ્યું- ગ્રામ્ય વિસ્તારમાં 30 બેડની સુવિધા સાથેના કમ્યૂનિટી હેલ્થ સેન્ટર કાર્યરત છે. અન્ય શહેરોમાં પણ કોર્પોરેશન સંચાલિત આવી હોસ્પિટલ છે. વડોદરામાં સરકાર અને કોર્પોરેશન સંયુક્ત રીતે હોસ્પિટલ ચલાવશે.

અન્ય સમાચારો પણ છે...