દારૂબંધીમુક્ત ગુજરાત માટે લડત:દારૂબંધીમુક્ત ગુજરાતની હેલ્પલાઇન પર એક જ દિવસમાં 1000થી વધુ કોલ; ગ્રુપ મેમ્બરની સંખ્યા વધી 33 હજાર થઈ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસને પૈસા ન આપી ભ્રષ્ટાચાર રોકવાની ઝુંબેશને રાજ્યવ્યાપી બનાવાશે : રાજીવ પટેલ

દારૂબંધી મુક્ત ગુજરાત માટે લડત ચલાવતા ગ્રુપ દ્વારા શરૂ કરાયેલી હેલ્પ લાઇન શુક્રવારે સતત બિઝી રહી હતી. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ હેલ્પ લાઈન નંબર ઉપર એક જ દિવસ માં 1 હજારથી વધુ કોલ આવ્યા હતા. જે પૈકી મોટે ભાગનાએ ગ્રુપમાં જોડાવાની ઈચ્છા વ્યકત કરી હતી. હવે ગ્રુપના સભ્યોની સંખ્યા 33 હજારે પહોંચી હોવાનુ ઝુંબેશ શરૂ કરનાર રાજીવ પટેલે જણાવ્યું છે.

દારૂબંધીથી પર્યટન-હોટલ ઉદ્યોગને કરોડોનું નુકસાન થાય છે
ગુજરાતમાં દારૂબંધી ખોટી રીતે થોપી દેવાઈ છે અને એના કારણે રાજ્ય સરકારને આબકારી વેરાની કરોડોની ખોટ જાય છે જ્યારે અનેક લોકો ભેળસેળવાળો દારૂ પીવાથી બીમાર થાય છે, એમની સારવાર પાછળ પણ સરકારના કરોડો ખર્ચાય છે. દારૂબંધીથી પર્યટન-હોટેલ ઉદ્યોગને કરોડોનું નુકસાન છે. મહત્ત્વની વાત તો દારૂબંધીથી અબજોનો ભ્રષ્ટાચાર થાય છે, એમ જણાવી પ્રોહિબિશન ફ્રી ગુજરાતની હાઇકોર્ટમાં પણ લડત ચલાવતા રાજીવ પટેલે ઉમેર્યું છે કે, બંધારણે નાગરિકને આપેલા હક્કોનું હનન થઈ રહ્યું છે.

પીધેલા પછી પકડાયેલા પાસેથી પોલીસ મોટી રકમ પડાવી લેતી હોય છે. આવા સમયે અમારું ગ્રૂપ મદદ કરશે. હેલ્પ લાઈન પર સવારના 7 વાગ્યાથી સતત કોલ આવ્યા હતા. આખા દિવસમાં 1 હજાર જેટલા ફોન આવ્યા હતા અને દરેકે ગ્રૂપમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સભ્યોની સંખ્યા વધી 33 હજારે પહોંચી છે. અમારા ગ્રૂપ દ્વારા ધારાશાસ્ત્રીઓની ટીમ તૈયાર કરાઈ છે. આગામી દિવસોમાં રાજ્યના દરેક શહેરોમાં હેલ્પ લાઈન કાર્યરત કરાશે અને ભ્રષ્ટાચારને રોકાશે.

હેલ્પ લાઇન પર ફોન કરનારામાં મહિલા અને યુવતીઓ પણ સામેલ
રાજ્યના જુદા જુદા ભાગો અને શહેરો જેમાં વલસાડ- વાપીથી માંડીને કચ્છ- ભૂજ સુધી તેમજ સૌરાષ્ટ્રના જામનગર અને મોરબીથી પણ લોકોએ કોલ કરી આ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ પૈકીના કેટલાકે તો એમ પણ જણાવ્યું હતું કે અમે વર્ષોથી વિચારતા હતા, પરંતુ કહી શકતા ન હતા એ વાતને તમે લડત સ્વરૂપે આગળ વધારી છે. એ બદલ તમને ધન્યવાદ આપીએ છીએ અને તમારા ગ્રૂપમાં જોડાઇને આ માંગને વધુમાં વધુ બુલંદ બનાવવા ઇચ્છા વ્યકત કરી હતી. ફોન કરનારા પૈકી મહિલા અને યુવતીઓની સંખ્યા પણ નોંધપાત્ર હોવાનો દાવો પ્રોહિબિશન ફ્રી ગુજરાતના રાજીવ પટેલે કર્યો હતો.