જાગૃત નાગરિકોની માંગ:વડોદરાના કુબેર ભવન બહાર ગંદકીના ઢગલાથી દુર્ગંધથી અરજદારો પરેશાન, સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવા માંગ ઉઠી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉભરાતી ડ્રેનેજ લાઈન અને ગંદકીએ તંત્રના સ્વચ્છતા અભિયાનની પોલ ખોલી નાખી

હજારો અરજદારો અને ઉચ્ચ અધિકારીઓની અવરજવરથી સતત ધમધમતી કુબેર ભવન કચેરીમાં પાણીના કકળાટ બાદ સફાઈનો અભાવ સામે આવ્યો છે. આ અંગે જાગૃત નાગરિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, સ્વચ્છતાની મોટી વાતો કરી મોટુ ભંડોળ મેળવતા અધિકારી પદાધિકારીઓએ સૌપ્રથમ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવી જોઈએ.

તાજેતરમાં કુબેર ભવન કચેરી ખાતે પાણીનો કકળાટ સામે આવ્યો હતો. હજારો અરજદારોની અવરજવરથી ધમધમતી સરકારી કચેરીમાં પાણીના ધાંધિયા સામે તંત્રના આયોજન સામે સવાલો ઊભા થયા હતા. હજુ તો આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, ત્યાં ઉભરાતી ડ્રેનેજ લાઈન અને ગંદકીએ તંત્રના સ્વચ્છતા અભિયાનની પોલ ખોલી નાખી છે.

જાગૃત નાગરિક પરેશભાઇએ તંત્રની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, કુબેર ભવન કચેરી ખાતે હજારો અરજદારો વચ્ચે ઉચ્ચ અધિકારીઓ પ્રતિદિન પોતાની એસી કેબીનોમાં આરામ ફરમાવતા હોય છે. તેમની ઓફિસોની નીચે જ ગંદકીના ઢગલા સાથે તીવ્ર દુર્ગંધ ફેલાય છે. તેની પાછળનું કારણ ઉભરાતી ડ્રેનેજ, પીવાના પાણીની લાઈનમાં લિકેઝ અને સ્વચ્છતાનો અભાવ છે. નવાઈની વાત એ છે કે, કુબેર ભવન કચેરી ખાતે ઉભરાતી ડ્રેનેજના દૂષિત પાણીનો રેલો છેક પોસ્ટ કચેરી સુધી પહોંચ્યો હતો. આમાં પીડબલ્યુડીની બેદરકારી છતી થાય છે.

સ્વચ્છતાની મોટી વાતો કરી મોટુ ભંડોળ મેળવતા અધિકારી પદાધિકારીઓએ સૌપ્રથમ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવી જોઈએ અને સ્વચ્છતા માટે સુરત સરકારી કચેરીઓની મુલાકાત લેવી જોઈએ. કારણકે, કરોડોની આવક ઊભી કરતી જીએસટી સહિતની કચેરીઓ આ સ્થળે આવેલી છે. જો અધિકારીઓના પટાંગણમાં જ ગંદકીની ભરમાર હોય તો વડોદરાની શું વાત કરવી.

અન્ય સમાચારો પણ છે...