• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Outrage Of People Of OG Area Including Bhayali, Sevasi, 7 Villages Are Included Only For Tax Collection, Basic Facilities Are Not Provided

રૂબરૂ કાર્યક્રમ:ભાયલી, સેવાસી સહિતના OG વિસ્તારના લોકોનો આક્રોશ,વેરા ઉઘરાવવા જ 7 ગામ સમાવાયાં છે, પાયાની સુવિધા અપાતી નથી

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરના રૂબરૂ કાર્યક્રમમાં વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે નાગરિકો સાથે પાલિકાના ઉચ્ચ અધિકારીઓનો સંવાદ યોજાયો
  • બિસ્માર રસ્તા, ઊભરાતી ગટરો અને ગંદકીની સમસ્યાની રજૂઆતો કરી

શહેરના પશ્ચિમ વિસ્તારોને આવરી લેતા વોર્ડ નં.8થી વોર્ડ નં.12માં દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત રૂબરૂ કાર્યક્રમમાં લોકોએ બિસ્માર રસ્તાઓ, ઊભરાતી ગટરો અને ગંદકીની પારાવાર સમસ્યાઓ અંગે પાલિકાના અધિકારીઓને ધારદાર રજૂઆતો કરી હતી. નાગરિકો સાથેના તંત્રના સંવાદ કાર્યક્રમમાં પાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરોને આમંત્રિત કરાયા હતા પણ તેઓ હાજર રહ્યા ન હતા.

આ પાંચ વોર્ડના લોકોએ એક અવાજે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, પાલિકાએ વેરા ઉઘરાવવા માટે જ 7 ગામોનો સમાવેશ કર્યો છે. વેરા વસૂલાત થાય છે પણ લોકોને પાયાની સુવિધાઓ તો અપાતી જ નથી. આ કાર્યક્રમમાં પાલિકાના ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર, કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર વસાવા, વોર્ડ નં.12ના વોર્ડ ઓફિસર ફતાભાઇ બારિયા, ડે. એન્જિનિયર નૈષધ શાહ, ડે. ઇજનેર નરેન્દ્ર રબારી હાજર રહ્યાં હતા.

આ સવાલોના જવાબ માગ્યા
1 ગોત્રીમાં શાકમાર્કેટની જરૂર છે. રસ્તા પર શાકભાજીવાળાઓ બેસતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. > રંજનબેન બ્રહ્મભટ્ટ, વોર્ડ નં.10
2 દશામાં ચોકડી, ભાઇલાલ મેરેજ હોલ, પંચવટી પર માસ-મટનની લારીઓથી ગંદકી અને દબાણો સર્જાય છે. > કિરણ પુરોહિત, વોર્ડ નં.8
3 પેરિસનગરથી નવી કોર્ટના રસ્તે વાહનો પૂરઝડપે જાય છે. તેથી અહીં સ્પીડબ્રેકરને વધુ ઊંચા કરવાની જરૂર છે. > શિવદયાલ અગ્રવાલ, વોર્ડ નં.8
4 સુભાનપુરા મેઇન રોડ પર પૂજર કોમ્પ્લેક્સથી સિટી કોમ્પ્લેક્સ સુધીના ફૂટપાથ પર પણ વરસાદી પાણીનો ભરાવો થાય છે. > વિપુલ મિસ્ત્રી, વોર્ડ નં.9
5 પરમેશ્વર પાર્કથી પારસ બંગલો જવાનો રસ્તોદબાણ મુક્ત કરવાની જરૂર છે. અહીં ફાયરબ્રિગેડનું વાહન આસાનીથી જઇ શકતુ નથી. > પ્રતીક ઠક્કર, વોર્ડ નં.11
6 સરદાર પટેલ હાઇટ્સમાં પીવાના પાણીની સમસ્યા છે. અહીં સ્પીડ બ્રેકર પણ મૂકવા જરૂરી છે. સફાઇની પણ સમસ્યા છે. > ગણેશન સ્વામી ઐયર, વોર્ડ નં. 9
7 બિલ ટીપી-1માં રસ્તાઓ પરના ખાડાનું પૂરાણ કરાવવું. વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. > વિજય શેઠ, વોર્ડ નં.12
8 ઉડેરા ગામનો પાલિકામાં સમાવેશ કર્યો છે. અહીં વેરા વસૂલી લેવામાં આવ્યાં છે પણ કોઇ વિકાસના કામો થયા નથી. > શબ્બીર ચૌહાણ, વોર્ડ નં.11

પ્રજાના પ્રશ્નો સાંભળવા ભાજપના એકપણ કોર્પોરેટર હાજર ન રહ્યા, 5 વોર્ડના લોકોએ સમસ્યાઓ જણાવી ઊભરો ઠાલવ્યો
હર્ષલ કિકાણી, વોર્ડ નં.9 :
જીએસટી ઓફિસ સામેના પ્લોટમાં કાટમાળનું ડમ્પિંગ થાય છે અને હવે કચરો નંખાતા વાસ પણ આવે છે.
ઉકેલ ઃ વોર્ડ સાથે સંકલન કરીને કાટમાળ હટાવીને તેને ખુલ્લો કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. સફાઇ કામગીરી પણ કરાશે.

આકાશ ચૌહાણ, વોર્ડ નં. 10 : લાભ રેસિડેન્સીથી બ્રહ્માકુમારીના 20 મીટરના રસ્તા પર થોડા વરસાદમાં પણ પાણી ભરાઇ જાય છે.
ઉકેલ ઃ આ વિસ્તારમાં રસ્તા માટેની ગ્રાન્ટ પાસ થતાં કામ હાથ પર લેવામાં આવશે. પાણી ભરાવાની સમસ્યા અંગે પણ આયોજન હાથ ધરાયું છે.

કલ્પેશ પટેલ, વોર્ડ નં.10 : ભાયલીમાં રિપેરિંગના નામે રોડા છારૂ જ નંખાય છે. એસઆર પેટ્રોલપંપ પાસેના ડ્રેનેજ ઉભરાય છે.
ઉકેલ ઃ આ વિસ્તારનો સરવે કરીને કામગીરી કરવામાં આવશે. ભાયલીના સમગ્ર વિસ્તારમાં ડ્રેનેજની લાઇનોનુ કામ પણ હાથ ધરવામાં આવશે.

મુકુંદ પુરાણી, વોર્ડ નં. 11 : ઔશ્વર્ય ટાવર પાછળ વૈભવ એપાર્ટમેન્ટના કાટખૂણે લાઇટના થાંભલા બદલવા અને ઝાડનું ટ્રિમિંગ કરાય.
ઉકેલ ઃ આ માટે સ્ટ્રીટલાઇટ વિભાગ અને પાર્કસ એન્ડ ગાર્ડન (વોર્ડ) ઓફિસ સાથે સંકલન કરીને વહેલી તકે સમસ્યાનો ઉકેલ હાથ ધરવામાં આવશે.

કિંજલ શાહ, વોર્ડ નં. 10 : ભાયલીમાં પાણી ભરાવાની અને રસ્તાઓના રિપેરિંગ ન થવાની વિકટ સમસ્યાનો ઉકેલ આવતો નથી.

ઉકેલ ઃ હાલમાં અહીં રસ્તાની કામગીરી ચાલી રહી છે. ડ્રેનેજની પાઇપો પણ બદલવાની કામગીરી કરાશે. હાલમાં અહીં લોકોને તકલીફ સહન કરવી પડશે.

ગોવિંદસિંહ રાઠોડ, વોર્ડ નં.10 : ભાયલીમાં સ્ટ્રીટલાઇટ, રોડ પર ખાડાઓ-ઝાડીઓની સમસ્યા છે. ટેક્સ લેવાય છે પણ સુવિધા અપાતી નથી.
ઉકેલ ઃ ભાયલીમાં સ્ટ્રીટલાઇટો નાંખવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. બાકીના ભાગોમાં પણ નાંખવામાં આવશે. ગટરલાઇનની કામગીરી પણ યાદીમાં છે જ.

મનસુખલાલ દરજી, વોર્ડ નં.10 : વ્રજરાજપુરમ સોસાયટીમાં આરસીસી રસ્તા માટેનો ફાળો આપવામં આવ્યો છે. પણ હજી રસ્તો બન્યો નથી.
ઉકેલ ઃ આ કામગીરી માટેની ગ્રાન્ટ મંજૂર થાય તેની રાહ જોવાઇ રહી છે. ગ્રાન્ટ આવશે એટલે આરસીસીના કામો શરૂ કરવામાં આવશે.

જગદીશ દેસાઇ, વોર્ડ નં.12 : સાંઇ પાર્ક પુષ્પ બંગલોઝના રોડ પર લેવલિંગ ન હોવાથી પાણી ભરાતા રહીશોને આપદા વેઠવી પડે છે.
ઉકેલ ઃ રસ્તાની કામગીરીનો સરવે કરીને કામ કરવું પડશે. વોર્ડ ઓફિસને સફાઇકામદારો નિયમિત આવે તેની સૂચના આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...