રવિવારે યોજાનાર ઇન્ટરનેશનલ મેરેથોનમાં 92,600 દોડવીરો ભાગ લેશે જેમાં સૌથી વધુ દોડવીરો પાંચ કિમીની કેટેગરીમાં દોડશે જયારે સૌથી ઓછા દોડવીરો 42 કિમીની કેટેગરીમાં દોડશે. 42 કિ.મીની કેટેગરીમાં 188 દોડવીરો દોડશે જેમાં ચાર ઇન્ટરનેશનલ દોડવીરનો સમાવેશ થાય છે.
આ મેરેથોનમાં કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તેની અગમચેતી રૂપે લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે 300 ટ્રાફિક જવાનો તૈનાત રહેશે. મેરેથોનમાં 92,600 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે પૈકી 42 કિલોમીટરની કેટેગરીમાં 188, 21 કિલોમીટરની કેટેગરીમાં 1700 અને 10 કિલોમીટરની કેટેગરીમાં 4000 જેટલા દોડવીરો ભાગ લેશે.ત્રણ મુખ્ય કેટેગરીમાં 5700 જેટલા દોડવીરો ભાગ લેશે જયારે બાકીના દોડવીરો પાંચ કિલોમીટર કેટેગરીની મેરેથોનમાં ભાગ લેશે.
એક ગણતરી મુજબ 70 કરતાં વધુ દોડવીરોડ પાંચ કિલોમીટરની કેટેગરીમાં દોડશે. બે વરસ પહેલાં યોજાયેલી મેરેથોનમાં 1.06 લાખ દોડવીરોએ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ગઇ વખત કરતાં આ વખતે ઇન્ટરનેશનલ દોડવીરો ઓછાં આવ્યા છે. જેની પાછળ કોરોનાને કારણે વિઝાની સમસ્યાના કારણે અનેક દોડવીરો મેરેથોનમાં ભાગ લઇ શકયા નથી. મુંબઇમાં પણ મેરેથોન યોજાવાની છે એટલે અનેક દોડવીરોએ વડોદરાને બદલે મુંબઇ મેરેથોનમાં ભાગ લેવા માટે વડોદરા મેરેથોનમાં ભાગ લીધો નથી એમ સૂૂત્રોએ ઉમેર્યું હતું.
6 આંતરરાષ્ટ્રીય રનર્સ નવલખીમાં પ્રેક્ટિસ કરવા પહોંચ્યા
મેરેથોનના આગલા દિવસે વિદેશથી 6 દોડવીરો વડોદરા પહોંચ્યા હતા. જેમાં 4 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. તેઓએ વડોદરા પહોંચી મેરેથોનના ફ્લેગ ઓફના સ્થળ નવલખી ખાતે દોડવાની પ્રેક્ટિસ પણ કરી હતી. નોંધનિય છે કે પ્રતિ વર્ષ આફ્રિકન અને ઇથોપિયનો મેરેથોનમાં ભાગ લેવા આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.