• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • "Our Team Performs 60 To 70 Plastic Surgeries Every Month," Said The Doctor At Sayaji Hospital In Vadodara, Who Performed The Surgery On A Middle aged Man With A Tear In His Mouth.

પડકારજનક સર્જરી:રીંછે મોં ફાડી નાખતા આધેડની સર્જરી વડોદરાની સયાજી હોસ્પિટલના આ તબીબે કરી, દર્દી પડખું ફેરવે તો ચહેરો માંસના લોચા સાથે ઢળી પડતો હતો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના હેડ ડો.શૈલેષકુમાર સોની સહિત 8 તબીબની ટીમે આધેડની સર્જરી કરી - Divya Bhaskar
સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના હેડ ડો.શૈલેષકુમાર સોની સહિત 8 તબીબની ટીમે આધેડની સર્જરી કરી
  • રાજસ્થાનમાં ઊંટ કરડવાથી ઇજાગ્રસ્ત પશુપાલકની સર્જરી સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગે કરી
  • ચરબી ઘટાડવા, ટાલમાં વાળ ઉગાડવા અને જાતિ પરિવર્તનને લગતી પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવે છે

માનવદેહના ઘડતરમાં કેટલીક જન્મજાત ખોડ રહી જાય છે. તબીબો પોતાના જ્ઞાન અને કુશળતાથી શક્ય તેટલું નિવારણ કરે છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ સહિત એક માસમાં 60થી 70 જેટલા દર્દીઓની નાની-મોટી સર્જરીઓ કરવામાં આવે છે. નોંધનિય છે કે, તાજેતરમાં રીંછના હુમલાનો ભોગ બનેલા એક દર્દીના 300 ટાકા લઈ નવું રૂપ તબીબોએ આપ્યું હતું. તેમની સર્જરી સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના હેડ અને સહ પ્રાધ્યાપક ડો.શૈલેષકુમાર સોની સહિત 8 તબીબની ટીમે કરી હતી.

પડખું ફેરવે તો ચહેરો માંસના લોચા સાથે ઢળી પડતો હતો
દર્દી મડુભાઇ રાઠવાના પુત્ર પ્રવીણે જણાવ્યું કે, ‘રવિવારે રાત્રે 7.30 વાગ્યે બનાવ બન્યો તે અગાઉ તેમની બૂમો સાંભળીને લોકો દોડી આવ્યાં હતા. તેમને લાવ્યા ત્યારે પડખુ ફેરવતા ચહેરો ચામડી-માસના લોચા સાથે એક તરફ ઢળી પડતો હતી. લોહીના લીધે ચહેરો પણ દેખાતો ન હતો. અમારી કોઇની ફોટો લેવાની પણ હિંમત થતી ન હતી.’

ઊંટના કરડવાથી ઇજાગ્રસ્ત દર્દીની પ્લાસ્ટિક સર્જરી કરી
ડો.શૈલેષકુમાર સોનીએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલોમાં આ સારવાર ખૂબ મોંઘી છે અને અદના આદમીને તો સહેજ પણ પરવડે તેવી નથી. જો કે, સયાજી હોસ્પિટલમાં તેનું નિદાન, સર્જરી અને સારવારની સેવાઓ સરકારના ઉદાર નિયમો પ્રમાણે લગભગ વિનામૂલ્યે મળતી હોવાથી આસપાસના જિલ્લાઓ અને રાજ્યોમાંથી પ્લાસ્ટિક સર્જરીના જરૂરિયાતમંદો સયાજીમાં આવે છે. તેમણે એક ઘટના યાદ કરતાં જણાવ્યું કે, રાજસ્થાનમાં ઊંટના કરડવાથી ઇજાગ્રસ્ત થયેલા પ્લાસ્ટિક સર્જરીની જરૂરિયાતવાળા પશુપાલકને સારવાર માટે અહીં લાવવામાં આવ્યો હતો.

રીંછના હુમલાને લીધે આધેડનો ચહેરો ક્ષતવિક્ષત થયો
તાજેતરમાં સયાજી હોસ્પિટલના આ વિભાગે મેડિકલ હિસ્ટ્રીમાં નોંધને પાત્ર પ્લાસ્ટિક સર્જરી કરી છે. ખતરનાક રીંછના હુમલાને લીધે જેનો ચહેરો સાવ ક્ષતવિક્ષત અથવા કહો કે, વેરવિખેર થઈ ગયો હતો. તબીબને પણ સારવાર ક્યાંથી શરૂ કરું એવી મૂંઝવણ થાય એવા ઇજાગ્રસ્ત આદિવાસી આધેડને અહીં લાવવામાં આવ્યો હતો.

રીંછે મોં ફાડી નાખતા આધેડની સર્જરી વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબે કરી
રીંછે મોં ફાડી નાખતા આધેડની સર્જરી વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબે કરી

300 ટાંકા લઈને અને ચાર કલાકની મેરેથોન પ્લાસ્ટિક સર્જરી કરી
ડો.શૈલેષકુમાર સોની અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના તેમના સહયોગી તબીબો, એનેસ્થેસિયા વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફે 300 ટાંકા લઈને અને ચાર કલાકની મેરેથોન પ્લાસ્ટિક સર્જરી કરીને જ્યારે ઈજાગ્રસ્ત ના ચહેરાનું નવસર્જન કર્યું ત્યારે જો ઉપરથી સર્જનહારે આ શસ્ત્રક્રિયા નિહાળી હશે ત્યારે અવશ્ય એ પણ આ તબીબોની કુશળતા પર આફરીન પોકારી ગયા હશે.

ખૂબ ખર્ચાળ પ્લાસ્ટિક સર્જરી સયાજી હોસ્પિટલમાં વિનામૂલ્યે થાય છે
ડો.સોની કહે છે કે, ખાનગી હોસ્પિટલમાં જો આ ઈજાગ્રસ્તને સારવાર મળી હોત તો લઘુત્તમ ચાર લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હોત.અમારી સરકારી હોસ્પિટલમાં આ મોંઘી સર્જરી લગભગ વિનામૂલ્યે થતી હોવાથી ઈજાગ્રસ્તને ખૂબ મોટી આર્થિક રાહત થઈ છે. સયાજી હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરીની ઉપલબ્ધ સેવાઓની જાણકારી વધતા હવે અમારા વિભાગની ઓપીડીમાં તેની જરૂરિયાતવાળા દૈનિક 60થી વધુ લોકો તબીબી તપાસ કરાવે છે.

દર મહિને સરેરાશ 60થી 70 જેટલી નાની મોટી સર્જરી થાય છે
જ્યારે દર મહિને સરેરાશ 60થી 70 જેટલી નાની મોટી અને વિવિધ અંગોની કુરૂપતા નીવારતી, દેખાવ સુધારતી પ્લાસ્ટિક સર્જરી અહીં કરવામાં આવે છે. આ વિભાગમાં વિવિધ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે. ફાટેલા હોઠ અને તાળવાને સાંધવાની તેમજ બાળકોને પેશાબની જગ્યાએ જોવા મળતી લીંગની જન્મજાત ખામીને નીવારતી પ્લાસ્ટિક સર્જરી અહીં કરવામાં આવે છે.

સેક્સ ચેન્જની સર્જરી પણ થાય છે
દાઝેલા હાથ, ચહેરાને સુધારવાની, હાથની કપાયેલી નસો/ સ્નાયુઓને જોડવાની, કપાયેલી આંગળીઓને જોડવાની, તૂટેલા જડબાને સાંધવાની તબીબી કરામત અહીં કરવામાં આવે છે. તો કોસ્મેટિક પ્રકારની ગણાતી ચરબી ઘટાડવા એટલે કે લિપોસક્શન, ટાલમાં વાળનું પ્રત્યારોપણ, મહિલાઓના સ્તનને નાના મોટા અને સુડોળ બનાવવા, લિંગ પરિવર્તન એટલે કે સેક્સ ચેન્જ તેમજ મહિલા જેવી છાતી ધરાવતા પુરુષોની ખામી સૂધારતી મેલ બ્રેસ્ટ સર્જરી કરવામાં આવે છે.

રાજસ્થાનમાં ઊંટ કરડવાથી ઇજાગ્રસ્ત પશુપાલકની સર્જરી સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગે કરી હતી
રાજસ્થાનમાં ઊંટ કરડવાથી ઇજાગ્રસ્ત પશુપાલકની સર્જરી સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગે કરી હતી

રક્તપિત્તના રોગમાં અંગ વિકૃતિની સુધારણાની શસ્ત્રક્રિયાઓ થાય છે
કેન્સર અને ઓર્થોપેડિક વિભાગની સાથે રહીને તથા રક્તપિત્તના રોગને લીધે થતી અંગ વિકૃતિની સુધારણાની શસ્ત્રક્રિયાઓ પણ આ વિભાગ કરે છે. તાજેતરમાં કોરોનાને લીધે જાણીતા થયેલા મ્યુકોરમાઇકોસિસની સારવાર દરમિયાન દર્દીના ચહેરા પર વિવિધ પ્રકારની સર્જરીઓ કરવી પડે છે. તેના દર્દી સાજા થયા પછી ચહેરાનો દેખાવ સુધારવા/ શક્ય તેટલો પૂર્વવત કરવાની શસ્ત્રક્રિયા આ વિભાગનું કામ છે. ડો.શૈલેષકુમાર સોની જણાવે છે કે, બે લહેરો દરમિયાન ઉપરોક્ત રોગનો ભોગ બનેલા કુલ દર્દીઓ પૈકી પ્લાસ્ટિક સર્જરીની જરૂરિયાતવાળા અંદાજે 20 ટકા દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી અમારા વિભાગે કરી છે.

મગરના હુમલાથી હાથ પગમાં થયેલી ઈજાઓની સારવાર થાય છે
કૂતરું કરડવાથી ઘણીવાર ચહેરા/નાકને ઇજા થાય છે. વડોદરા જિલ્લો રાજ્યના દક્ષિણ વિસ્તારના જંગલોનું પ્રવેશદ્વાર ગણાય છે. એટલે હિંસક પ્રાણીઓના હુમલામાં ઘવાયેલા લોકોને પ્લાસ્ટિક સર્જરી અને સારવાર માટે અહીં લાવવામાં આવે છે. એવી જ રીતે મગરના હુમલાથી હાથ પગમાં થયેલી ઈજાઓની સારવાર અહીં કરવામાં આવે છે. આમ,પ્લાસ્ટિક સર્જરીનો વ્યાપ અને વિવિધતા સામાન્ય માણસની કલ્પના થી ઘણી વધુ વ્યાપક છે.

નર્સિંગ સ્ટાફ અને એનેસ્થેસિયા વિભાગનું પણ યોગદાન
પ્લાસ્ટિક સર્જરી વિભાગને બરોડા મેડિકલ કોલેજના ડીન ડો.તનુજા જાવડેકર અને સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન ઐયરનું પ્રોત્સાહક પીઠબળ મળ્યું છે. તેની સાથે નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયા વિભાગ અને મદદનીશ કર્મચારીઓના સમર્પિત સહયોગનું વિભાગની સફળ કામગીરીમાં અમુલ્ય યોગદાન છે.

અન્ય સમાચારો પણ છે...