દેશની પહેલી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત મુંબઈ-અમદાવાદ બાદ હવે વડોદરા-ઓખા વચ્ચે ચલાવવાની શક્યતા તપાસવા માટે રેલવે બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જે અંગે મંગળવારે વેસ્ટર્ન રેલવે દ્વારા વડોદરા ડિવિઝનને જાણ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશનાં ધર્મસ્થાનોને ટ્રેનથી જોડવાના સંકલ્પને સાકાર કરવા માટે નવી સુવિધા ઊભી થઈ રહી છે ત્યારે દ્વારકા જનારા દર્શનાર્થી માટે વંદે ભારત ટ્રેન નવો વિકલ્પ બને તેવી શક્યતા જોવાઈ રહી છે.
વંદે ભારત ટ્રેન ચલાવવા માટે ચકાસવાની જાણ
વેસ્ટર્ન રેલવે દ્વારા મંગળવારે વડોદરા ડિવિઝનના સિનિયર ડીઓએમ સહિતના ઉચ્ચ અધિકારીઓને પાઠવેલા મેસેજમાં વડોદરાથી ઓખા અને ઓખાથી વડોદરા વચ્ચે વંદે ભારત ટ્રેન ચલાવવા માટે એન્જિનિયરિંગ વિભાગ અને ટાઈમિંગ સહિતની શક્યતા ચકાસવાની જાણ કરાઈ છે.
વંદે ભારતનો 18 કોચનો એક રેક ફાળવવામાં આવ્યો
રેલવેનાં સૂત્રોના જણાવ્યા મુજબ વેસ્ટર્ન રેલવેને મુંબઈ-દિલ્હી માટે વંદે ભારતનો 18 કોચનો એક રેક ફાળવવામાં આવ્યો છે. બીજો રેક સપ્ટેમ્બર મહિનામાં તૈયાર થશે, જે રેક માટેના રૂટની વેસ્ટર્ન રેલવે ચકાસણી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આઝાદીનાં 75 વર્ષ નિમિત્તે વડાપ્રધાને 75 વંદે ભારત ટ્રેન ચલાવવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે માટે તૈયારીઓ થઈ રહી છે.
મલ્ટિપલ રૂટની ચકાસણી કરીએ છીએ, થોડોે સમય લાગશે
વડોદરા-ઓખા રૂટ સહિત મલ્ટીપલ રૂટ વિશે ચકાસણી કરી રહ્યા છીએ. ઓખાથી આગળ ઇલેક્ટ્રિફિકેશન નથી, જેથી થોડો સમય લાગી શકે છે. રેક ફાળવ્યા બાદ સ્પષ્ટતા થશે. > સુમિત ઠાકુર, સીપીઆરઓ, વેસ્ટર્ન રેલવે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.