મકરપુરા વિસ્તારમાં રહેતી પરિણિતાના 2021માં મહિસાગર ખાતે લગ્ન થયા હતા. જોકે પરિણિતા નોકરી કરતી હોવાથી વડોદરા ખાતે રહેતી હતી પણ જ્યારે સાસરે જાય ત્યારે તેના સાસરીવાળા તેને ઘુંઘટ તાણવા માટે તેને બળજબરી કરતા હતા. સાથે તેના બેરોજગાર પતિને પાલવવા માટે પણ દબાણ કરતા હતા. મહિલાએ આ બનાવ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા ખાતે રહેતી શ્રેયા (નામ બદલેલ છે)ના લગ્ન 2021માંં મહિસાગર ખાતે ધ્રુમિલ તાડીયાર સાથે થયા હતા. લગ્ન બાદ દંપતી નોકરીના કારણે મકરપુરા ખાતે રહેવા આવ્યા હતા.
પણ ધ્રુમિલ કોઈ કામ કરતો ન હોવાને કારણે તે શ્રેયાને મૂકીને પાછો મહિસાગર જતો રહ્યો હતો. પણ શ્રેયાને નોકરી હોવાને કારણે તે વડોદરા રોકાઈ હતી. ધ્રુમિલ શ્રેયાનાં રૂમ પર આવીને અવાર નવાર આવીને હેરાન કરતો હતો. જોકે શ્રેયાને પોતાનો ઘર સંસાર ભાંગવો ના હોય તે માટે તે તમામ ત્રાસ મૂંગા મોઢે સહન કરતી હતી. જ્યારે મહિસાગર સાસરે જાય ત્યારે તેના સાસરીવાળા ઘૂંઘટ ઓઢવા બાબતે અવાર-નવાર મ્હેણાં મારતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે તે ત્રાસીને તે સાસરી પણ નહોતી જતી.
ધુ્મીલ બેરોજગાર હોવાને કારણે તેને રેડીમેઈડ કપડાની દુકાન ખોલવી હતી જેના કારણે તે શ્રેયા પર લોન લેવાનુ દબાણ કરતો હતો. જેથી શ્રેયાએ 7 લાખની લોન લઈને આપી હતી. ધ્રુમિલે 5 લાખ રૂપિયા દુકાન લેવામાં નાખ્યા હતા અને 2 લાખ પોતાના માટે રાખ્યા હતા. ધ્રુમીલ દુકાન પણ વ્યસ્થિત ચલાવતો ના હતો અને વારંવાર શ્રેયા પાસે પૈસા માંગતો હતો.
સાસરિયાઓ પણ શ્રેયાને પૈસા આપવા દબાણ કરતા હતા. જોકે શ્રેયા પૈસા ન આપતા ધ્રુમિલે તેને માર માર્યો હતો અને જો પૈસા નહીં આપે તો મારી નાખીશું તેવી સાસરિયા ધમકી આપતા હતા. જેથી શ્રેયાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ધ્રુમિવ સહિત સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બેંક મેનેજર હોવાનું જૂઠાણું ચલાવી શ્રેયાને પરણ્યો
લગ્ન પહેલા ધ્રુમિલના પરિવારે જણાવ્યું હતું કે, તેમનો દિકરો મકરપુરા ખાતે ખાનગી બેન્કમાં મેનેજર છે. જેથી શ્રેયાએ લગ્ન માટે હા પાડી હતી. પણ લગ્ન બાદ ખબર પડી હતી કે ધ્રુમિલ બેરોજગાર છે, તે બેન્કનો મેનેજર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.