• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Ordeal For BJP On Vadodara's Manjalpur Sayajiganj Seat, Demand To Give Patel Vaishnav Ticket, Show Of Power In The Evening By Both Communities

ઉમેદવારોનું સસ્પેન્સ યથાવત:વડોદરાની માંજલપુર-સયાજીગંજ બેઠક પર ભાજપ માટે અગ્નિપરિક્ષા, પટેલ-વૈષ્ણવને ટિકિટ આપવા માંગ, બંને સમાજ દ્વારા સાંજે શક્તિ પ્રદર્શન

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકોટામાં બ્રાહ્ણણ, રાવપુરા મરાઠી અને વડોદરા શહેર પર SCના ઉમેદવાર જાહેર થયા છે
  • માંજલપુર અને સયાજીગંજ બેઠક પર ઉમેદવારને લઇ કાર્યકરોમાં પણ ભારે ઉત્સુકતા

ભાજપ દ્વારા વડોદરા શહેરની પાંચ બેઠકો પૈકી રાવપુરા, વડોદરા શહેર (અ.જા.) અને અકોટા બેઠક ઉપર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. પરંતુ, માંજલપુર અને સયાજીગંજ બેઠક ઉપર ઉમેદવારો જાહેર કરવા ભાજપા માટે અગ્નિપરીક્ષા પુરવાર થઇ રહી છે. વડોદરા શહેરની ત્રણ બેઠકો પર જાહેર કરેલા ઉમેદવારો પૈકી અકોટા બેઠક ઉપર બ્રાહ્મણ, રાવપુરા બેઠક ઉપર મરાઠી અને વડોદરા શહેરની અ.જા. બેઠક ઉપર ધારાસભ્યને રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે માંજલપુર અને સયાજીગંજ બેઠક ઉપર પટેલ અને વૈષ્ણવ સમાજ પોતાના સમાજના ઉમેદવારને ટિકિટ આપવા માટે ભાજપ સામે બાંયો ચઢાવી છે.

પટેલ અને વૈષ્ણવ સમાજનું સંમેલન
મળેલી માહિતી પ્રમાણે આજે સાંજે લેઉઆ પટેલ સમાજ દ્વારા દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજનું સંમેલન રાખવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજુ સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા હરણી રોડ ખાતે મહાસંમેલન રાખવામાં આવ્યું છે. માંજલપુર બેઠક ઉપર પટેલ સમાજ દ્વારા પટેલ સમાજના ઉમેદવારને ટિકિટ આપવા માંગણી કરવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ વૈષ્ણવ વણિક સમાજ દ્વારા વેષ્ણવ સમાજ દ્વારા સયાજીગંજ બેઠક પર વૈષ્ણવ સમાજના ઉમેદવારને ટિકિટ આપવા માંગણી કરવામાં આવતા બંને સમાજ ટિકિટને લઇ ભાજપ સામે બાંયો ચઢાવી છે. નોંધનીય છે કે, વૈષ્ણવ વણિક સમાજના સંમેલનના પ્રમુખ સ્થાનિ શહેર ભાજપા પ્રમુખ અને સયાજીગંજ બેઠકના પ્રબળ દાવેદાર ડો. વિજય શાહ પણ મનાય છે.

76 વર્ષના ધારાસભ્યને હજુ ચૂંટણી લડવી છે
ઉલ્લેખનિય છે કે, માંજલપુર બેઠકના વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલની ઉંમરના કારણે ટિકિટ કાપવામાં આવનાર છે. પરંતુ, ધારાસભ્ય યોગેશ પટેલ હજુ પણ આ બેઠક છોડવા માટે તૈયાર નથી અને 8મી વખત ચૂંટણી લડવા માટેની ઇચ્છા ધરાવે છે. બે દિવસ પહેલાં તેઓએ પોતાના મત વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. જોકે, તે સમયે તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે, વિસ્તારના કામોની ચર્ચા અંગે ભેગા થયા હતા. પરંતુ, કહેવાય છે કે, આ બેઠકમાં ઉમેદવારના મુદ્દે પણ ચર્ચા થઇ હતી.

બંને સમાજના પ્રબળ દાવેદારો
મળેલી માહિતી પ્રમાણે માંજલપુર બેઠક ઉપર પટેલ સમાજમાંથી માંજલપુરના કાઉન્સિલર કલ્પેશ પટેલ (જય રણછોડ), કાઉન્સિલર ઘનશ્યામ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખના પરિવારના સભ્ય અને કાઉન્સિલર શૈલેષ પાટીલના નામો ચર્ચાઇ રહ્યા છે. જ્યારે સયાજીગંજ બેઠક ઉપર વૈષ્ણવ સમાજમાંથી શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, મેયર કેયુર રોકડિયા, ભરત શાહ, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મેહુલ ઝવેરી, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ડો. જીગીશા શેઠના નામોની ચર્ચા છે.

હજી એક બેઠક મહિલાને ફાળવે તેવી શક્યતા
2017માં ભાજપે 2 મહિલાઓને ટિકિટ આપી હતી. આ વખતે 3 બેઠકમાંથી એક મહિલાને ટિકિટ આપી છે, ત્યારે બાકી રહેલી 2 બેઠકોમાંથી 1 બેઠક પર મહિલાને ટિકિટ આપવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

સયાજીગંજમાં કોણ કોણ દાવેદાર?
નોંધનીય છે કે, સયાજીગંજ બેઠક પર પૂર્વ મેયર ભરત ડાંગર અને સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદાર, ડો. સુરેશ પતાણી પણ દાવેદાર છે. સયાજીગંજ બેઠક ઉપર દાવેદારોનો રાફડો છે. ત્યારે ભાજપ માટે માંજલપુર અને સયાજીગંજ બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવો અગ્નિપરિક્ષા સમાન પુરવાર થયો છે.

કાર્યકરો રાત પડતા નિરાશ
ભાજપા દ્વારા વડોદરા શહેરની માંજલપુર અને સયાજીગંજ બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવામાં ન આવતા બંને બેઠકના મતદારોના કાર્યકરોમાં પણ આ બેઠકો ઉપર કયો ઉમેદવાર આવે છે. તે અંગે ભારે ઉત્સુકતા છે. છેલ્લા બે દિવસથી કાર્યકરોનો આજે ઉમેદવાર જાહેર થઇ જશે તેવી ઉત્સુકતા સાથે દિવસ શરૂ થાય છે. પરંતુ, મોડી રાત સુધી ઉમેદવાર જાહેર થતો ન હોવાથી નિરાશ થઇ જાય છે, ત્યારે આજે દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજ અને સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા સંમેલનો રાખવામાં આવ્યા છે, ત્યારે આ સંમેલનો માંજલપુરની ટિકિટને લઇ થઇ રહ્યા હોવાનું કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યું છે. આ સંમેલનમાં કયા સમાજ કેવું શક્તિપ્રદર્શન કરે છે તેના ઉપર પણ સૌની નજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...