વિરોધ:વકીલ મંડળના તમામ હોદ્દેદારોનો કાર્યકાળ 2 વર્ષ કરવા સામે વિરોધ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાર કાઉન્સિલ-વકીલ મંડળને પત્ર લખવામાં આવ્યો

વડોદરા વકીલ મંડળની ચૂંટણી બાદ ચૂંટાયેલા હોદ્દેદારોની તા.27 ડિસેમ્બરના રોજ મિટિંગ યોજાઇ હતી અને તેમાં હોદ્દેદારોની મુદત બે વર્ષની કરવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રમુખે ત્રણ કો-ઓપ્ટ સભ્યની નિમણૂક કરી હતી, જેમાં એક સભ્યને વકીલાતના 15 વર્ષ થયા ન હોવા છતાં તેની નિમણૂક કરવામાં આવી હતી. આમ, ચૂંટાયેલા સભ્યોની મુદત વધારવા સામે તેમજ કો-ઓપ્ટ સભ્યની નિમણૂંકને રદ કરવા બાબતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તેમજ વડોદરા વકીલ મંડલના પ્રમુખને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

એડવોકેટ પ્રકાશભાઇ પરમારે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, તા.27ના રોજ મળેવી મિટિંગમાં બંધારણમાં સુધારો કર્યાં વગર તેમજ સામાન્ય સભા બોલાવ્યા વગર જ ચૂંટાયેલા હોદ્દેદારોનો કાર્યકાળ બે વર્ષ કરવામાં આવ્યો છે અને તેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આજ રીતે પ્રમુખે 3 કો-ઓપ્ટ સભ્યોની નિમણૂંક કરી છે તેમાં એક સભ્ય હર્ષદ પરમારની સક્રિય વકીલાતને 15 વર્ષ થયા નથી તેમ છતાં તેની નિમણૂક કરવામાં આવી છે એટલે નિમણૂક રદ કરવી જોઇએ.

આ પત્ર બાબતે પૂછવામાં આવતાં વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલીન પટેલે જણાવ્યું હતું કે, કાર્યકાળ વધારવાનો માત્ર ઠરાવ પસાર કરાયો છે પરંતુ બંધારણમાં સુધારો કરવાનો હજી બાકી છે. એક કો-ઓપ્ટ સભ્યની નિમણૂંક સામે થયેલા વિરોધ બાબતે પ્રમુખે જણાવ્યું હતું કે, ત્રણે સભ્યોની નિમણૂક નિયમ પ્રમાણે જ કરવામાં આવી છે એટલે એક સભ્યની નિમણૂક રદ કરવાનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

અન્ય સમાચારો પણ છે...