સભામાં વિવાદના પડઘા:માંજલપુરના વિવાદમાં વિપક્ષે ઝંપલાવ્યું, તમારી અંદરની લડાઈમાં સંતોનું અપમાન ન થવું જોઈએ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપરથી નીચે સુધી ભાજપની સરકાર છતાં આવું કેમ બન્યું?
  • દોંગાનો વળતો જવાબ : સંતોનું અપમાન થયું એટલે જ મેયરે તાત્કાલિક કાર્યવાહી કરાવી

માંજલપુરમાં ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલે યોજેલા ડાયરામાં પહોંચેલી પોલીસે કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. જેમાં સંતોનું અપમાન થયું હતું. બુધવારે પાલિકાની સામાન્ય સભામાં પણ વિપક્ષે આ મુદ્દે નારાજગી દર્શાવી હતી. ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું હતું કે, તમારી અંદરોઅંદરની લડાઈમાં સંતોનું અપમાન ન થવું જોઈએ. માંજલપુરમાં ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલે મા-બાપને ભૂલશો નહીં કાર્યક્રમનું યોજ્યો હતો. જેમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના ભંડારી સ્વામી સહિતના સંતો અને લોકો હાજર હતાં.

જોકે કાર્યક્રમની પરવાનગી ન લીધી હોવાથી માંજલપુર પોલીસ મથકના પીઆઈએ સ્થળ પર પહોંચી કાર્યક્રમ બંધ કરાવી સંતો અને જનતાને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. ત્યારે બુધવારે પાલિકામાં મળેલી સભામાં વિપક્ષના કાઉન્સિલરોએ સંતોના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. કાઉન્સિલર જહા ભરવાડે કહ્યું કે, હાલમાં સાથી સભાસદના કાર્યક્રમમાં દ્વારકેશલાલજી સહિતના સંતો હતા અને તેમનું અપમાન થયું છે, સભાસદનું અપમાન થયું છે અને સભાસદ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

ઉપરથી નીચે સુધી ભાજપની સરકાર છે છતાં આવું કેમ બન્યું? જહા ભરવાડ સાથે તમામ કોંગ્રેસના સભાસદોએ ઉભા રહી સંતોના અપમાનને સાંખી નહીં લેવાય તેમ કહી નારાજગી ઠાલવી હતી. પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું હતું કે, અમને ખબર પડી છે કે આ તમારી અંદર અંદરની લડાઈ છે, પણ સંતોનું અપમાન ન થવું જોઈએ. પુષ્પાબેન વાઘેલાએ કહ્યું કે, આજે એક સભાસદનું અપમાન થયું છે, કાલે બીજા સભાસદનું અપમાન થશે. જોકે સામે નીતિન દોંગાએ પણ કહ્યું હતું કે, સંતોનું અપમાન થયું એટલે જ મેયરે તાત્કાલિક ફોન કરી કાર્યવાહી કરાવી છે અને અધિકારીની બદલી કરી છે. મેયર કેયુર રોકડિયાએ પણ ડાયસ પરથી કહ્યું હતું કે આવી બાબતોને સાખી ન લેવાય.

12.75 કરોડ રૂપિયાના દંડની સામે આરએમસી પાસેથી કેટલી વસૂલાત? જવાબ નથી મળતો
કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ કહ્યું કે પ્રશ્નોના જવાબ અપાતા નથી. ભાયલીમાં પાલિકાના પ્લોટ પર આવેલા આરએમસી પ્લાન્ટને ~12.75 કરોડનો દંડ કરાયો હતો. તેમાંથી કેટલા રૂપિયા વસૂલાયા? તેની માહિતી અધિકારીઓ આપતા નથી. તેને ઘણી નોટિસો આપી છે અને 3 દિવસમા દંડ લેવાનો હતો. પરંતુ તે પાલિકાની ઓફિસમાં જ ફરે છે અને પૈસા જમા કરાવતો નથી. અમી રાવતે કહ્યું હતું કે, પોતાના વિસ્તારમાં દબાણો ન થાય તેની જવાબદારી વોર્ડ ઓફિસરની છે. વોર્ડ ઓફિસરને જાણ ન હોય તે કેવી રીતે બની શકે? અમે બે RMC પ્લાન્ટ પકડ્યા છે, આજ સુધી અધિકારી સામે પગલાં લેવાયા નથી.

નહીં બોલવા દો તો નીચે બેસી વિરોધ કરીશ : જહા ભરવાડ
સામાન્ય સભામાં જહા ભરવાડે બોલવાનું શરૂ કરતાં તેમને પછી બોલવા મેયરે જણાવ્યું હતું તેમજ ભાજપના કાઉન્સિલરોએ ટોકતા જહા ભરવાડે કહ્યું હતું કે, મને બોલવા નથી દેતા તો હું નીચે બેસી જઈશ. તમે સંકલનમાં બોલી શકો, સ્થાયી સમિતિમાં બોલી શકો અમે માત્ર સભામાં જ બોલી શકીએ છે.

અન્ય સમાચારો પણ છે...