ચર્ચા બાદ આખરી નિર્ણય:સ્ટેડિયમના કોન્ટ્રાક્ટરનો ભાવ ન વધારવા લીગલ કમિટીનો અભિપ્રાય

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીસીએ પાસે ભાવ વધારો મગાયો હતો
  • એપેક્ષમાં ચર્ચા બાદ આખરી નિર્ણય

બરોડા ક્રિકેટ એસોસિયેશનની મળેલી એપેક્ષ કમિટીની બેઠકમાં કોન્ટ્રાક્ટરોની 16 ટકા ભાવ વધારા માટેની માગ અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. જેમાં લીગલ ઓપિનિયન એવો આવ્યો છે કે, કોન્ટ્રાક્ટરોના ભાવ વધારી શકાય તેમ નથી. જેના પગલે બીસીએમાં ખળભળાટ મચી ગયો છે. એપેક્ષ કમિટીમાં આ અંગે ચર્ચા બાદ નિર્ણય કરવાનું નક્કી કરાયું છે.

નોંધનીય છે કે, અગાઉ બરોડા ક્રિકેટ એસોસિયેશનની મળેલી બેઠકમાં કોટંબીમાં સ્ટેડિયમ બનાવતા કોન્ટ્રાક્ટરોએ વિવિધ મટિરિયલ્સના ભાવ વધી જતાં 24 ટકા ભાવ વધારા માટે માગણી કરી હતી. જેના પગલે બીસીએના સત્તાધીશોમાં ભારે હલચલ મચી ગઇ હતી. આ મુદ્દે બરોડા ક્રિકેટ એસોસિયેશનની એપેક્ષ કમિટીમાં ચર્ચા થઇ હતી. જેમાં કમલ પંડ્યા સહિતના સભ્યોએ વિવિધ પાસા રજૂ કર્યા હતા અને ભાવ વધારાની બાબતે મુદ્દા રજૂ કર્યા હતા.

જ્યારે એક સભ્યે જો ભાવ વધારો નહીં આપીએ તો કોન્ટ્રાક્ટરો કામ રોકી દેશે, કોર્ટમાં જશે તેવો સવાલ પૂછ્યો હતો. ત્યારે પરાગ પટેલે કહ્યું હતું કે, જો ભાવ ઘટ્યા હોત તો કોન્ટ્રાક્ટરો બીસીએને વધારાના પૈસા પાછા આપત? તેમની સાથે કરેલા કોન્ટ્રાક્ટમાં ભાવ વધારાનો ઉલ્લેખ છે? કોન્ટ્રાક્ટરો ખરા સમયે નાક દબાવવાની વાત કરે છે, પણ આપણે મક્કમ રહેવું જોઈએ. પરાગ પટેલની રજૂઆતને અજીત લેલે અને અકીન શાહે પણ ટેકો આપ્યો હતો.

ત્યારબાદ એપેક્ષ દ્વારા લીગલ ઓપિનિયન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના અભિપ્રાય બાદ ભાવ વધારા અંગે નિર્ણય લેવાનું નક્કી થયું હતું. જોકે લીગલ કમિટી અને પ્રોફેશનલ મેનેજમેન્ટ કમિટીએ ભાવ વધારો આપી શકાય નહીં તેવો અભિપ્રાય આપ્યો હતો. આ અંગે બરોડા ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ શીતલ મહેતાએ જણાવ્યું છે કે, જે લીગલ ઓપિનિયન આવ્યો છે તે અંગે એપેક્ષ કમિટીમાં ચર્ચા થશે, ત્યારબાદ આખરી નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...