• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Only One Case Of Corona In The City In The Last 36 Hours, Only 76 Cases Were Reported In September, Only 2464 People Were Vaccinated Without Vaccination

કોરોના વડોદરા LIVE:છેલ્લા 36 કલાકમાં શહેરમાં કોરોનાનો એક જ કેસ, સપ્ટેમ્બર મહિનામાં માત્ર 76 કેસ નોંધાયા, રસીનો જથ્થો ન આવતા 2464 લોકોને જ રસી અપાઇ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રવિવારે 1346 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,075 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,431 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં ધીમી બ્રેક લાગી ગઇ છે. રવિવારે કોરોનાનો માત્ર 1 નવો કેસ પ્રતાપનગર વિસ્તારમાં નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1937 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આ 1 કેસ આવ્યો હતો. બીજી તરફ 1 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં શહેર-જિલ્લાના એક્ટિવ કેસોની સંખ્યા 21 છે, જેમાંથી 1ને ઓક્સિજન આપવાની જરૂર પડી રહી છે. જ્યારે 34 વ્યક્તિઓને ક્વોરન્ટીનમાં રાખવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં અત્યાર સુધી કોરોનાને લીધે 623નાં સત્તાવાર મોત નિપજી ચૂક્યા છે. છેલ્લા 7 દિવસમાં એક જ દિવસ 3 કેસ નોંધાયા છે, જ્યારે બાકીના દિવસોમાં એકાદ કેસ નોંધાઇ રહ્યા છે.

જુલાઇની સરખામણીએ કેસ 178થી ઘટીને 76 થયાં
કોરોનાના કેસો છેલ્લા બે મહિનાથી બે ચારની આસપાસ આવે છે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, પણ ખરેખર તો વડોદરા શહેર-જિલ્લાના કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. જુલાઇની સરખામણીએ સપ્ટેમ્બર મહિના સુધીમાં કેસોમાં 57 ટકા કેસો ઘટી ગયા છે. સમગ્ર જુલાઇ મહિનામાં 178 કોરોના પોઝિટિવ કેસ આવ્યાં હતા. ઓગસ્ટમાં આ કેસ ઘટીને 95 થયા હતા. જ્યારે સપ્ટેમ્બરમાં આ કેસ 76 જ નોંધાયા હતા.

રસીનો જથ્થો ન આવતાં 2464ને જ રસી અપાઇ
વડોદરા શહેરમાં ચાલી રહેલા કોરોના અંગેના રસીકરણ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 10 દિવસથી રસીનો જથ્થો યોગ્ય પ્રમાણમાં ફાળવવામાં આવતો ન હોવાને પગલે શહેરમાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 100 ટકા થવામાં થોડી કચાશ રહી જાય છે. રવિવારે શહેરમાં કોવિશીલ્ડનો જથ્થો ન હોવાને પગલે માત્ર 2464 લોકોને રસી મૂકાઈ હતી. બીજી તરફ સોમવારે સરકાર તરફથી રસીનો જથ્થો મળવાની જાણ થતાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો.

1346 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો
રવિવારે થયેલા રસીકરણમાં 1346 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. જ્યારે કુલ રસીકરણ પ્રથમ ડોઝનું 85.72% અને બીજા ડોઝનું 54.69% નોંધાયુ છે. રસીનો બીજો ડોઝ લેનારની સંખ્યામાં સતત થઇ રહેલો વધારો આગામી નવરાત્રીના તહેવાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોરોનાને ફેલાતો અટકાવવા માટે રસીના બંને ડોઝ લીધેલા લોકોની સંખ્યા વધવી ખૂબ જ જરૂરી છે.

કુલ રસીકરણ :21,98,066 રવિવારનું રસીકરણ 2464 પ્રથમ ડોઝ 13,47,591 85.72% બીજો ડોઝ 8,59,789 54.69%

સયાજીમાં ડેન્ગ્યૂના 23 કેસ, ચિકનગુનિયાના 4 કેસ
વડોદરા શહેરમાં મચ્છરજન્ય રોગોએ માથું ઉંચકતા સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. રવિવારે શહેરના સયાજી હોસ્પિટલમાં 254 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં 23 ડેન્ગ્યુ અને 4 જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાતા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પાલિકાની ટીમ રોજેરોજ ઘરે ફરીને સર્વે કરે છે. જેના કારણે રોજબરોજ 700થી વધારે લોકોને તાવ આવતો હોવાની તેમજ 100થી વધારે લોકોને ઝાડા-ઊલટીની ફરિયાદ મળતી હોય છે. જોકે ખાનગી હોસ્પિટલમાં પણ ચિકનગુનિયા અને ડેન્ગ્યુ તેમજ વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે જે વાસ્તવિકતા છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,075 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,995, ઉત્તર ઝોનમાં 11,793, દક્ષિણ ઝોનમાં 11,799, વડોદરા ગ્રામ્યમાં 26,771 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

રવિવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
પ્રતાપનગર.

અન્ય સમાચારો પણ છે...