કોરોના વડોદરા LIVE:છેલ્લા 36 કલાકમાં કોરોનાનો માત્ર એક જ કેસ, સુરત બાદ વડોદરાને 100 ટકા રસીકરણનું લક્ષ્યાંક આપવામાં આવ્યો

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાના 14 એક્ટિવ દર્દીઓ પૈકી એકને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,080 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,443 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. છેલ્લા 36 કલાકમાં કોરોનાનો માત્ર એક જ દર્દી નોંધાયો હતો. 2491 કોરોનાના નમૂનાઓના ટેસ્ટિંગમાં કારેલીબાગમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

41 લોકોને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યાં છે
હાલમાં કોરોનાના 14 એક્ટિવ દર્દીઓ પૈકી એકને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલમાં વડોદરા શહેર-જિલ્લામાં 5000થી વધુ ઉપલબ્ધ કોરોના બેડ પૈકી 4 પર જ કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. ગુરુવારે 4ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં 41 લોકોને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં મ્યુકોરમાઇકોસિસનો એક પણ કેસ નવો નોંધાયો ન હતો. જ્યારે એસએસજી ખાતેથી એક દર્દીને રજા આપવામાં આવી હતી. હાલમા એસએસજીમાં 13 અને ગોત્રીમાં 4 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

86 ટકા લોકોએ પહેલો ડોઝ લીધો
નવરાત્રીના પ્રારંભ સાથે જ ઉત્સવપ્રિય વડોદરાના ખેલૈયાઓ શેરી ગરબાની મોજ માણવાનું શરૂ કર્યું છે, ત્યારે શેરી ગરબામાં પ્રવેશ માટે જરૂરી રસીનો પ્રથમ ડોઝ લેનાર પૈકીના 64 ટકા ઉપરાંત લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. 18થી 44 વયજૂથમાં 7,34,982 યુવાનોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 3,85,608 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. આ મુજબ યુવાનોમાં થયેલા રસીકરણના 52.46% લોકો ફુલ્લી વેક્સિનેટેડ થયા છે. બીજી તરફ ગુરુવારે 10,004 લોકોએ રસી મૂકાવી હતી, જેમાં પણ બીજો ડોઝ લેનારાની સંખ્યા 7 હજારથી વધુ નોંધાઇ છે.

વડોદરાને 100 ટકાનો લક્ષ્ય આપવામાં આવ્યું
વડોદરા શહેરમાં ચાલી રહેલા વેક્સિનેશનમાં સુરતના 100 ટકા લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે, જ્યારે વડોદરામાં રાજ્ય સરકાર દ્વારા 100 ટકાનો લક્ષ્ય આપવામાં આવ્યું છે. જોકેસ આરોગ્ય વિભાગનાં સૂત્રો મુજબ આ લક્ષ્ય સફળ થાય તેવું લાગતું નથી. અત્યાર સુધીમાં માત્ર 86 ટકા લોકોએ પહેલો ડોઝ લીધો છે. જોકે સરકારના આદેશ મુજબ આરોગ્ય વિભાગ દ્વારા નાઈટ શેલ્ટર અને ભિક્ષુક ગૃહમાં રસી મૂકવાનું શરૂ કરવામાં આવ્યું છે.

કુલ રસીકરણ 22,39,469 ગુરુવારનું રસીકરણ 10,014 પ્રથમ ડોઝ 13,55,158 86.20% બીજો ડોઝ 8,84,311 56.25%

ડેન્ગ્યૂના 43 અને ચિકનગુનિયાના 17 કેસો નોંધાયા
વડોદરા શહેરમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસો હજી પણ આવી રહ્યાં છે. વડોદરામાં શહેરમાં ગુરુવારે ડેન્ગ્યૂના 43 અને ચિકનગુનિયાના 17 કેસ આવ્યા હતા. આ ઉપરાંત વાઇરલ તાવના પણ 3 દર્દીઓ નોંધાયા હતા. આ ઉપરાંત મેલેરિયાનો પણ એક નોંધવામાં આવ્યો હતો. ડેન્ગ્યૂના કેસો રામદેવનગર, વારસિયા, નવાયાર્ડ, નવી ધરતી , માંજલપુર, શિયાબાગ, તાંદળજા અને કપૂરાઇ ખાતે નોંધાયા હતા. જ્યારે સવાદ, નવીધરતી, તાંદળજા અને તરસાલીમાં ચિકનગુનિયાએ ભરડો ફેલાવ્યો છે. આ ઉપરાંત કમળાના કેસો છાણી, એકતાનગર અને નવીધરતીમાં નોંધાયા છે. શહેરમાં દર સરેરાશ 4થી 6 ટેસ્ટિંગમાં એક કેસ ડેન્ગ્યૂનો અને સરેરાશ 10થી 12 ટેસ્ટિંગે એક પોઝિટિવ આવી રહ્યો છે. આ કેસો પૈકી એસએસજીમાં ડેન્ગ્યૂના 27 અને ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા હતા.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,075 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,997, ઉત્તર ઝોનમાં 11,794, દક્ષિણ ઝોનમાં 11,802, વડોદરા ગ્રામ્યમાં 26,771 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ગુરૂવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
કારેલીબાગ

અન્ય સમાચારો પણ છે...