ત્રેતાયુગથી હરણીમાં બિરાજમાન ભીડભંજન હનુમાનજીની પ્રતિમા મનુષ્ય સ્વરૂપની છે. મંદિરોમાં હનુમાનજીની પ્રતિમા વાનર સ્વરૂપે હોય છે. આ મંદિરનો ઈતિહાસ સ્કંદ પુરાણના નાગરખંડમાં ત્રિશંકુ અને વિશ્વામિત્ર સંવાદમાં મળે છે. શ્રી હરણી હનુમાન ભીડભંજન મારુતિ મંદિરના મહંત હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યુ હતું કે, હરણી ભીડભંજન મંદિરની ગાથા અને મૂર્તિ ત્રેતાયુગ સમય કાલની હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. અમારા પરિવારની દશમી પેઢીને હાલમાં ભીડભંજન દાદાની સેવામાં છે.
શાસ્ત્રો પ્રમાણે આ વિસ્તાર શિવ વન હતો. તેની રાજધાની હિરણ્ય નગરી (હવે હરણી)માં રાજા હિરણ્યાક્ષનું શાસન હતું. શ્રીરામ અહીં આવ્યા ત્યારે તેમણે હનુમાનજીને લોકોની પીડા નિવારવા કહેતાં 7 દિવસના ભીષણ યુદ્ધ બાદ અંત ન દેખાતાં શ્રીરામ યુદ્ધ કરવા તૈયાર થયા. ત્યારે હનુમાનજીએ વિરાટ શક્તિ રૂપ ધરી અસૂરને આકાશમાંથી ધરતી પર પછાડી પગ તળે દબાવ્યો હતો. જ્યાં ભગવાન રામે હનુમાનજીને આ સ્થળે મનુષ્ય રૂપે વસવા આદેશ કર્યો હતો. જેથી અહીં માનવ મુખાકૃતિવાળા હનુમાન બિરાજે છે.
હરણી મંદિરમાં હેમકૂટ પર્વતની પ્રતિકૃતિ ઊભી કરાઈ
હરણી મંદિરમાં 16 એપ્રિલે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થશે. હનુમાનજીનું નિવાસ હેમકુટ પર્વતના દક્ષિણ ભાગમાં કિંમપુરુષ વર્ષમાં છે. ત્યાં અન્ય ગણો દેવો સહિત હનુમાનજીને વહેલી સવારે રામાયણ સંભળાવે છે. જેને ધ્યાને રાખી મંદિરમાં હેમકુટનાં ચિત્રોનું નિર્માણ થયું છે. સવારે 3 વાગ્યાથી મંદિરમાં રામાયણનું 9 દિવસ ગાન કરાશે. જ્યારે 15 એપ્રિલે રાતે 8:30 થી મંદિર બંધ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.