પરંપરા:રસીના 2 ડોઝ લીધા હોય તેવા ભક્તો જ દર્શને આવે: મંદિર પરિવારની અપીલ

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે નરસિંહજીનો 285મો વરઘોડો નીકળશે
  • નરસિંહજીની પોળમાં દિવાળી જેવો માહોલ

શહેરનો અતિપ્રાચીન અને પૌરાણિક નરસિંહજી ભગવાનનો 285મો વરઘોડો 19 નવેમ્બર દેવદિવાળીના દિવસે ધામધૂમથી નીકળશે. વરઘોડાની પૂર્વ સંધ્યાએ મંદિર પરિવાર દ્વારા પાલખી તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત મોડી રાત સુધી વરઘોડાને લગતી તૈયારીઓ કરવામાં આવી હતી. બીજી તરફ મંદિર પરિવાર દ્વારા સોશિયલ મીડિયા મારફતે ભક્તોને ભગવાનના તુલસી વિવાહમાં આવતા ભક્તોને માસ્ક પહેરવા અને રસીના 2 ડોઝ લીધા હોવા આવશ્યક હોવાની અપીલ કરી હતી.

મંદિર પરિવારના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે પણ ભગવાનને ચાંદલા અને ચરણસ્પર્શ વિધિ રાખી નથી. પ્રભુને દર વર્ષે પાલખીમાં ભોગ, ફૂલ-હાર, આરતી કરતા ભક્તો આ વર્ષે પ્રભુને ભોગ-આરતી કરી શકશે નહી. બીજી તરફ જે લોકોના ઘર નરસિંહજીની પોળમાં આવેલા છે અને ચાર દરવાજા બહાર રહે છે.તેવા લોકો પણ ગુરુવારે મોડી રાત સુધી ભગવાનના વરઘોડાનો લાભ લેવા માટે નરસિંહજીની પોળમાં રહેવા ચાલ્યા ગયા હતા.

ઉલ્લેખનિય છે કે, શુક્રવારે સાંજે 5 વાગે ભગવાન પાલખીમાં બિરાજીને તુલસીજી સાથે વિવાહ કરવા નીકળશે. દરબાર બેંડના નાકા સુધી પાલખીને ઊંચકીને લઈ જવાશે, ત્યાર બાદ પાલખીને આઈશરમાં બિરાજમાન કરીને વરઘોડો તુલસીવાડી ખાતે પહોંચશે. જ્યારે રાતે 12 વાગ્યા પહેલાં વરઘોડો નિજમંદિરે પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...