વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વર્ષ-2022-23નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા બજેટને વિકાસલક્ષી બજેટ જણાવી રહ્યા છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે, આ વખતના બજેટમાં પણ વડોદરાના શહેરીજનોને 24 કલાક સેવા પૂરી પાડતા ફાયર બ્રિગેડની ઉપેક્ષા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય એ પણ છે કે, છેલ્લા 30 વર્ષથી ફાયર બ્રિગેડમાં નવી ભરતી કરવામાં આવી નથી. એ તો ઠીક વડોદરાની હાલની વસ્તી પ્રમાણે 16 ફાયર સ્ટેશનોની સામે માત્ર 6 ફાયર સ્ટેશનો છે, ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા શહેરીજનોને કેવી રીતે સેવા અને સુરક્ષા પૂરી પાડશે તે એક મોટો પ્રશ્ન છે.
960ની જરૂરીયાત સામે માત્ર 272નો સ્ટાફ
વડોદરા શહેરમાં 8 લાખની વસ્તી હતી, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વડોદરા ફાયર બ્રિગેડમાં જે સ્ટાફ હતો. તેટલોજ સ્ટાફ આજે વડોદરાની અંદાજે 23 લાખ જેટલી વસ્તી થઇ ગઇ હોવા છતાં, એટલો જ સ્ટાફ છે. આજની વસ્તી મુજબ ફાયર બ્રિગેડમાં 960 કર્મચારીઓ-અધિકારીઓના સ્ટાફ હોવા જોઇએ. જેની સામે માત્ર 272 કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે.
50 હજારની વસ્તીએ એક ફાયર સ્ટેશન હોવું જોઇએ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની હદમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. પરંતુ, તેની સામે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ ગયું છે. જેમાં ખાસ કરીને વડોદરા ફાયર બ્રિગેડની સુવિધાઓમાં પણ વધારો કરવામાં નિષ્ફળ ગયું છે. સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કમિટી મુજબ 50 હજારની વસ્તીએ એક ફાયર સ્ટેશન હોવું જોઇએ. જેમાં ફાયર ફાઇટર અને અને રેસ્ક્યૂ વાહન મળી બે વાહન હોવા જોઇએ.
6 ફાયર સ્ટેશન કાર્યરત છે
ત્રણ સિફ્ટમાં કામ કરતા ચાર ટેલિફોન ઓપરેટર, ચાર સર સૈનિક, એક સ્ટેશન ઓફિસર, બે સબ ઓફિસર અને 36 ફાયર મેનનો સ્ટાફ જોઇએ. આ ગણતરીમાં વસ્તી ઓછી અને વિસ્તાર મોટો હોય તો પ્રતિ પાંચ કિમીના અંતરે એક ફાયર સ્ટેશન હોવું જોઇએ. એટલે કે, હાલની વડોદરાની વસ્તીના આધારે 16 ફાયર સ્ટેશન હોવા જોઇએ. પરંતુ, તેની સામે માત્ર વડોદરા દાંડિયા બજાર, મકરપુરા જી.આઇ.ડી.સી., છાણી ટી.પી.-13, પાણીગેટ, ગાજરાવાડી અને વડસર સહિત 6 ફાયર સ્ટેશન કાર્યરત છે.
બજેટમાં વાતો માત્ર કાગળ પર જ રહી જાય છે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષે આપવામાં આવતા બજેટમાં નવા ફાયર સ્ટેશનો બનાવવાની જાહેરાત ચોક્કસ કરવામાં આવે છે. પરંતુ, આ જાહેરાત માત્ર બજેટના દસ્તાવેજોમાં જ રહે છે. જો કોર્પોરેશન દ્વારા વર્ષોથી સ્ટાફની ઘટ પૂરી કરવામાં આવતી ન હોય તો, નવા ફાયર સ્ટેશનની અને ફાયર બ્રિગેડમાં નવા વાહનોની સંખ્યામાં વધારો થાય તેવી આશા રાખી શકાય તેમ નથી. છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી કોર્પોરેશનમાં સત્તા ભોગવી રહેલ ભાજપાના સત્તાધીશો દ્વારા માત્ર વિકાસના બણખાં ફૂંકવામાં આવી રહ્યા છે. તે 24 કલાક સેવા અને સુરક્ષા પૂરી પાડતી ફાયર બ્રિગેડના વર્તમાન સ્ટાફ અને વાહનોની સંખ્યા ઉપરથી પુરવાર થાય છે.
ફાયર બ્રિગેડને સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે
સ્થાયિ સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડ દ્વારા 24 કલાક સેવા પૂરી પાડવામાં આવે છે. અવાર-નવાર ફાયર બ્રિગેડ દ્વારા વિવિધ જરૂરીયાતો માટે ફરિયાદો આવી રહી છે. આવનારા દિવસોમાં ફાયર બ્રિગેડને તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.
ભાજપના શાસકો માત્ર જાહેરાતો કરવામાં નંબર વન છે
કોર્પોરેશનના કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી સત્તા ભોગવી રહેલા ભાજપના શાસકો માત્ર જાહેરાતો કરવામાં નંબર વન છે. 24 કલાક સેવા અને સુરક્ષા આપતા ફાયર બ્રિગેડને પૂરતી સુવિધા પૂરી ન પાડનાર ભાજપના સત્તાધિશોની આ અણઆવડત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.