તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:જિલ્લામાં ગત વર્ષે મલેરિયાના માત્ર 31 કેસ જોવા મળ્યાં હતાં

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂન મહિનો મલેરિયા વિરોધી માસ તરીકે અભિયાન હાથ ધરાયું
  • જિલ્લામાં 2016માં 536 મલેરિયાના કેસ નોંધાયા હતાં

રાજ્ય સરકાર રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2022 સુધીમાં રાજ્યને મલેરિયા મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત વડોદરા જિલ્લો સહિત રાજ્યમાં જૂન મહિનો મેલેરીયા વિરોધી મહિના તરીકે અભિયાન હાથ ધરાયું છે. વડોદરા જિલ્લામાં વર્ષ 2016માં 536 મલેરીયાના કેસ નોંધાયા હતાં. જે 5 વર્ષ બાદ 2020માં 31 કેસ જોવા મળ્યાં હતાં. જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર,જિલ્લા મેલેરીયા અધિકારી દ્વારા આગામી ચોમાસા દરમ્યાન મચ્છરજન્ય રોગચાળો ન થાય તે માટે સર્વેલન્સ તેમજ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે.

મેલેરીયાની સાથે સાથે અન્ય જેવા કે ડેંન્ગ્યુ અને ચિકુનગુનિયા રોગોને અટકાવવા માટે પણ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ 2021 દરમ્યાન 18700 સગર્ભા મહિલાઓને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ ગ્રામ્ય કક્ષાએ મેલેરીયાની 55000 પત્રિકાનું વિતરણ કરીને પ્રચાર કરવામાં આવશે.ઉલ્લેખનિય છે કે,વર્ષ-2016માં 536 કેસ, 2017માં 409 કેસ, 2018માં 199 કેસ,2019માં માત્ર 75 કેસ નોંધાયા હતા. મેલેરીયા એનોફિલિસ માદા મચ્છરથી ફેલાય છે.

આ મચ્છર ઘરની બહાર સંગ્રહેલા પાણીમાં ઉત્પન્ન થાય છે અને તે રાત્રે કરડે છે. મેલેરીયા રોગમાં ઠંડી અને ધ્રુજારી સાથે તાવ, માથામાં દુખાવો, શરીરમાં કળતર, ઉલ્ટી ઉબકા જેવા લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર,સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરી લોહીની તપાસ કરાવી મેલેરીયાની સારવાર લેવી જરૂરી છે. ચોમાસા દરમ્યાન મચ્છરજન્ય રોગચાળો ન થાય તે માટે સર્વેલન્સ તેજ કરાયું છે.

મલેરિયા અટકાવવા શું કરવું જોઈએ
મેલેરીયાને રોકવા ઘરમાં રહેલ પાણીના પાત્રો જેવા કે કોઠી, ટાંકી, પીપ, ફુલદાની, પક્ષીકુંજને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા.આ પાત્રોને દર અઠવાડિયે એકવાર ઘસીને સાફ કરવા જોઈએ. બંધિયાર પાણીને વહેવડાવી કે માટીથી પુરાણ કરવા જોઈએ. બાળકો- સગર્ભા મહિલાઓએ રાત્રે સૂતી વેળા મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ સાંજે ઘરના બારી બારણાં બંધ રાખવા જેથી મચ્છર ઘરમાં પ્રવેશી શકે નહી.

અન્ય સમાચારો પણ છે...