છમકલાની ઝાંખપ:માત્ર 3 હજાર ભક્તો જૂનીગઢીની વિસર્જન યાત્રામાં જોડાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંવેદનશીલ વિસ્તારમાંથી 1 કલાકમાં યાત્રા પસાર

ગણેશોત્સવના સાતમા દિવસે જૂનીગઢીના શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી. કોરોના પહેલાં જ્યાં જૂનીગઢી વિસર્જન યાત્રામાં 8 થી 10 હજાર ભક્તો જોડાતાં તેની સામે ચાલુ વર્ષે 2 થી 3 હજાર જેટલા ભક્તો જોવા મળ્યાં હતાં. જોકે માંડવી ગેટ બાદ રાતે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. થોડા દિવસ પહેલાં પાણીગેટમાં ગણેશ યાત્રા વખતે છમકલું થતાં પોલીસના 700 જવાનો માંડવી ગેટ સુધી બંદોબસ્તમાં હતા.

યાત્રા માત્ર 1 કલાકમાં જૂનીગઢીથી માંડવી ગેટ સુધી પહોંચી ગઈ હતી. યાત્રાને કોઈ પણ સ્થળે 5 મિનિટથી વધુ રોકવા દેવાઈ નહતી.જૂનીગઢી ગણેશ મંડળ દ્વારા 4:30 વાગે મેયર કેયુર રોકડિયા, સાંસદ રંજનબેન ભટ્ટ, ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, કોર્પોરેટર અને રાજકીય આગેવાનો દ્વારા બાપ્પાની આરતી કરાવાઈ હતી. આરતી બાદ રાષ્ટ્રગીત પણ વગાડ્યું હતું. સાંજે 5:10 કલાકે યાત્રા ડીજે અને બેન્ડબાજા સાથે નીકળી હતી.

8 હજારથી વધુ મૂર્તિનું વિસર્જન કરાયું
ગણેશોત્સવમાં સાતમા દિવસે શ્રીજીની 8 હજારથી વધુ મૂર્તિનું નવલખી સહિત કૃત્રિમ તળાવો તેમજ ઘરે-ઘરે વિસર્જન કરાયું હતું. મોડી રાત સુધી બાપ્પાની વિસર્જન યાત્રા જોવા મળી હતી. જેમાં બાપ્પાના ભક્તોએ રાજમાર્ગો પર ગરબા અને લેજીમની રમઝટ બોલાવી હતી. વિસર્જન સવારીઓના પગલે મોડી રાત સુધી ટ્રાફિક જામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. કૃત્રિમ તળાવમાં ફાયરબ્રિગેડ દ્વારા તરાપા તેમજ ફ્લડ લાઈટ અને ક્રેઈનની પણ સુવિધા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...