વડોદરા મનપામાં સમજોતા એક્સપ્રેસ:એડિશનલ સિટી ઇજનેર માટે 2 જ ઉમેદવાર, અનુભવ મુજબ 6 ઇજનેર ઉમેદવારી કરવા માટે હકદાર

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયીમાં દરખાસ્ત રજૂ થશે, આખરી નિર્ણય સભામાં લેવાશે

કોર્પોરેશનમાં એડીશનલ સિટી એન્જિનિયરની બે પોસ્ટ માટે બે જ ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. સ્થાયીમાં દરખાસ્ત મંજૂરી માટે જશે આખરી નિર્ણય સભામાં લેવાશે. કોન્ટ્રાક્ટરોની જેમ એડિશનલ સિટી એન્જિનિયરના હોદ્દા માટે રીંગ કરવામાં આવી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આ બે પોસ્ટ સિવાય જમીન મિલ્કત અમલદારની એક જગ્યા માટે કોર્પોરેશન સિવાયના 8 ઉમેદવારોએ ઇન્ટરવ્યુ આપ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાલી પડેલી એડિશનલ સિટી એન્જિનિયરની બે જગ્યા માટેની આંતરિક ભરતી પ્રક્રિયા કોર્પોરેશનના કમિશનરએ હાથ ધરી છે, ત્યારે 6 કાર્યપાલક ઇજનેરમાં પણ રીંગ કરી બે કાર્યપાલક ઇજનેરને જ હોદ્દો મળે તે માટે અન્ય કોઈ એન્જિનિયર અરજી કરવી નહીં તેમ નક્કી કરાયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

સોમવારે ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં 3 ઉમેદવારોમાંથી બે જ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એક્ઝિયુકેટીવ એન્જિનિયર અલ્પેશ મજમુદાર,ધીરેન તળપદા અને પ્રમોદ વસાવાએ અરજી કરી હતી. જેમાં અલ્પેશ મજમુદાર, ધીરેન તળપદાએ ઇન્ટરવ્યુ આપ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ કૌંભાડમાં સસ્પેન્ડ થયેલા પ્રમોદ વસાવા કોર્પોરેશન આવ્યા હતા પણ તેમણે ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ભાગ લીધો ના હતો. જેથી અલ્પેશ મજમુદાર અને ધીરેન તળપદાનો રસ્તો આસાન થઇ ગયો હતો.

આંતરિક ભરતીને કારણે કોર્પોરેશનમાં સાત વર્ષથી વધુ સમયથી કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા હોય તેવા 6 ઇજનેર ઉમેદવારી કરવા હકદાર બન્યા હતા. જેમાં બે કાર્યપાલક ઈજનેર વધુ સિનિયર છે. આ કાર્યપાલક ઇજનેરમાં અલ્પેશ મજમુદાર, ધીરેન તળપદા, અમૃત મકવાણા, પ્રમોદ વસાવા, રાજેશ ચૌહાણ અને રાજેશ શિમ્પીનો સમાવેશ થાય છે.જો કે 2 ઇજનેર એડિશનલ સિટી ઇજનેર માટે મેદાનમાં રહ્યા છે.

અન્ય એન્જિનિયરને આગળ જતાં લાભ થશે તેવી બાંહેધરી અપાઇ
કોર્પોરેશનના પાંચ એન્જિનિયરોએ તાજેતરમાં એક બેઠક કરી જે 2 સિનિયર કાર્યપાલક ઇજનેર છે. જેઓ 10થી 15 વર્ષથી ફરજ બજાવે છે તેઓને ઉમેદવારી કરવાની છૂટ આપવા નિર્ણય કર્યો હતો. જ્યારે અન્ય ત્રણ ઉમેદવારને આગળ જતાં લાભ થશે એવી બાંહેધરી આપી માત્ર બે સિનિયર કાર્યપાલક ઇજનેર અલ્પેશ મજમુદાર અને ધીરેન તળપદાએ એડિશનલ સિટી એન્જિનિયરના હોદ્દા માટે ઉમેદવારી નોંધાવી છે. જેથી એન્જિનિયરોમાં પણ રીંગ થયાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...