મોતના દોરાની હોમ ડિલિવરી:જીવલેણ બનેલી ચાઇનીસ દોરીનું ઓનલાઈન ધૂમ વેચાણ

વડોદરાએક મહિનો પહેલાલેખક: નીરજ પટેલ
  • કૉપી લિંક
  • વડોદરા, વાઘોડિયા, હાલોલ, અંકલેશ્વર, આણંદ, નડિયાદથી ઓનલાઈન ઓર્ડરથી ઘરે પહોંચાડે છે

નિર્દોષ લોકોના મોતનું કારણ બની રહેલી ચાઇનીઝ દોરીનું ઓન લાઇન વેચાણ રાજ્યભરમાં શરૂ કર્યું છે. દિવ્યભાસ્કરે આવા ભૂગર્ભમાં રહી ચાઇનીસ દોરી વેચનારાને શોધી કાઢ્યા છે. ચાઇનીસ દોરી સોશિયલ મીડિયા ઉપર ઓનલાઇન વેચનારામાં વડોદરાના મોલુ, પ્રણવ અને ધ્રુવી નામ બહાર આવ્યા છે. જે આ નામથી જ ઓનલાઇન એકાઉન્ટ ધરાવે છે અને તેના દ્વારા જ વેચાણ થાય છે. દિવ્ય ભાસ્કરે આ લોકોનો ઓનલાઇન સંપર્ક કરતા તેમણે ચાઇનીસ દોરી ઉપલબ્ધ હોવાનુ જણાવ્યું હતું અને હોમ ડિલિવરી થઈ જશે એવી ખાતરી આપી હતી.

રાજ્યની વડી અદાલતે પણ ચાઇનીસ દોરી વેચવા અંગે લાલ આંખ કરી હતી જ્યારે ઉતરાયણ ને હજી 10 દિવસની વાર છે એવા સમયે 36 કલાકના સમયગાળામાં એક રાષ્ટ્રીય કક્ષાના હોકી પ્લેયર અને એક સિક્યુરિટી જવાન સહિત 2નું ચાઇનીસ દોરીથી ગળુ કપાઈ જતાં કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ત્યારે પોલીસે ચાઇનીસ દોરી વેચનારા ઉપર તવાઈ લાવી ઠેર ઠેર દરોડા પાડી કેટલાંકને ઝડપી પાડયા હતા. જેથી ચાઇનીસ દોરી વેચનારા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેમણે જીવલેણ ચાઇનીસ દોરી ઓનલાઇન વેચવાનું શરૂ કર્યું છે.

ઓનલાઇન 1 હજારથી માંડી 850 રૂપિયામાં આ લોકો મોનો કટર નામની નાયલોન અને પ્લાસ્ટિકથી બનેલી દોરી વેચી રહ્યા છે. જેના પેકિંગ ઉપર સ્પષ્ટ પણે આ દોરી માત્ર ઔધોગિક ઉપયોગ માટે જ છે, પતંગ ચગાવવા માટે નથી એવું લખેલું હોવા છતાં એને પતંગની દોરી માંજા કહીને વેચી રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર બેખોફ થઈને પ્રતિબંધિત ચાઇનીસ દોરી વેચનારા 4થી 5 દિવસમાં ડિલિવરી અને કેશ ઓન ડિલિવરીનું ઓપ્શન પણ આપે છે. વડોદરા, વાઘોડિયા, હાલોલ, અંકલેશ્વર, આણંદ, નડિયાદ જેવા સ્થાનો ઉપરથી આ વેચાય છે. ત્યારે પોલીસ આવા તત્વોને પણ ઝડપથી પકડી પાડે અને માણસો તેમજ પશુ પક્ષીઓના જીવ બચાવે એવી માંગ ઊભી થઈ છે.

‘તમારું સરનામું આપો ઘરે ડિલિવરી સમયે રોકડા આપવા પડશે’
પ્રણવ જયસ્વાલ સાથે દિવ્ય ભાસ્કરે ઓનલાઇન ચાઇનીસ દોરી ખરીદવા ની તૈયારી માટે કરેલ ચેટ
​​​​​​ભાસ્કર: શું હજી એ ઉપલબ્ધ છે?
પ્રણવ : હા મળી જસે એક ના ૧૦૦૦ થશે.
મારે બે જોઈએ તો કેટલા થશે?
બે જોઈએ તો એક ના ૯૦૦
સરનામું આપો તો હું લેવા આવું.
ના તમારું સરનામું આપો ઘરે ડિલિવરી સમયે રોકડા આપવા પડશે
કેટલા દિવસ માં મળશે?
પાંચ થી સાત દિવસ માં આવી જશે.

200થી વધુ લોકોનું ઓનલાઈન નેટવર્ક
સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ ઉપર વડોદરા, હાલોલ, અંકલેશ્વર, સુરત, ઉપરાંત ભાવનગર અને રાજકોટ ના મળી ૧૦૬ જેટલા એકાઉન્ટ ઓનલાઇન ચાઇનીસ દોરી વેચી રહ્યા હતા જ્યારે સોશિયલ મીડિયાના બે પ્લેટ ફોર્મ ઉપર ૮૭ અને ૪૨ એકાઉન્ટ ઉપર ચાઇનીસ દોરી વેચવાની ઓફર કરી રહ્યા હતા

ચાઇનીસ દોરી વેચનારાને ઝડપી પાડવા સૂચના
ચાઈનીઝ દોરી વેચતા લોકોને ઝડપી પાડવા ડીસીપી ક્રાઈમ યુવરાજ જાડેજા અને સાયબર ક્રાઈમ એસીપીને સૂચના આપી છે. આઇપી એડ્રેસ શોધી કાર્યવાહી કરવામાં અાવશે.> ડૉ.શમશેરસિંગ, પોલીસ કમિશનર

દશરથ-હાથીખાનામાંથી ચાઈનીઝ દોરા મળી આવ્યા
​​​​​​​છાણી પોલીસે 2 વ્યક્તિઓને ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે દશરથ ગામમાંથી 30 ફિરકા કબજે કર્યા હતા. જ્યારે પોલીસે નવાપુરા વિસ્તારમાં પણ ચેકિંગ કરીને 7 ચાઇનીઝ દોરીના ફફીરકાઓ કબજે કર્યાં હતા.​​​​

અન્ય સમાચારો પણ છે...