વડોદરા શહેરના જૂના પાદરા રોડ વિસ્તારમાં ધર્મ છુપાવીને હિન્દુ યુવતીને ફસાવી હોવાની જાણ યુવતીને થતાં બીજે લગ્ન કરી લીધા હતા. પિયરમાં આવેલી યુવતીના ઘરે જઈ વિધર્મીએ જો મારી નહિ થાય તો મારી નાખીશ એવી ધમકી આપી હતી. યુવતીની ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસે ગુનો નોંધી યુવકની અટકાયત કરી હતી.
અંગત પળોના વીડિયો વાઇરલ કરવાની ધમકી
વડોદરાના મુજમહુડા ખાતે રહેતી મીના (નામ બદલેલું છે) ચાર વર્ષ પહેલાં અકોટા ગાર્ડનમાં અનીશ મહંમદ અલી બંજારા (રહે. તાંદલજા, વડોદરા)ને મળી હતી. આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. ત્યારે એક વર્ષ સુધી બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને બંનેએ મરજીથી શારીરિક સંબંધો બાંધ્યાં હતાં. એક વર્ષ બાદ યુવતીને જાણ થઈ હતી કે અનીશ વિધર્મી છે અને તેના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ છે, જેથી મીનાએ અનીશ સાથે સંબંધ તોડ્યો હતો અને પરપ્રાંતમાં લગ્ન કર્યા હતા, ત્યારે અનીશ યુવતીને અંગત પળોના લીધેલા વીડિયો વાઈરલ કરવાની ધમકી આપવા લાગ્યો હતો અને તારે મારી પાસે આવવું જ પડશે એમ કહેતો હતો.
તારી દીકરી મારી નહીં થાય તો બીજા કોઈની નહી થવા દઉં
ગત રવિવારે અનીશ યુવતીના ઘરે ગયો હતો અને તેની માતાને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી અપશબ્દો બોલી કહ્યું હતું કે ‘તારી દીકરી મારી નહીં થાય તો બીજા કોઈની નહિ થવા દઉં અને હું તેને પતાવી દઈશ, જેથી મીનાએ રવિવારે જે.પી.રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે.પી.રોડ પોલીસે ફરિયાદના આધારે અનીશ બંજારાની અટકાયત કરીને કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
યુવતીએ બે માસ પહેલાં ફરિયાદ નોંધાવી નહોતી
યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે ‘બે માસ પહેલાં પિયરમાં આવી હતી, ત્યારે પણ અનીશે પ્રેમસંબંધ ચાલુ રાખવા માટે તેન ધમકી આપી હતી. અનીશ પાસે અંગત પળોના વીડિયો હોવાથી મીનાએ અગાઉ તેની સામે ફરિયાદ નોંધાવી ન હતી.
અનીશે જાતિવિષયક ઉચ્ચારણો પણ કર્યાં
અનીશે મીનાની જાણ બહાર વીડિયો ઉતારીને તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. જાતિવિષયક ઉચ્ચારણો કરીને કહ્યું હતું કે તારે મારી પાસે એકવાર આવવું પડશે અને જાનથી મારવાની ધમકી આપી હતી.
અનીશે મીનાના પતિને ધમકી આપી
પોલીસ તપાસમાં સપાટી પર આવ્યું છે કે ‘અનીશે મીનાના પતિને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી, જેને કારણે મીના અને પતિ વચ્ચે અણબનાવ બનતાં મીના બે મહિનાથી પિયરમાં રહે છે.
અગાઉ પણ વિધર્મીએ હિન્દુ યુવતીની છેડતી કરી હતી
દોઢ મહિના પહેલાં વડોદરા શહેરના છાણી વિસ્તારમાં લવ-જેહાદનો કિસ્સો સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. વિધર્મી વિદ્યાર્થી અને હિન્દુ વિદ્યાર્થિની એક જ સ્કૂલમાં સાથે ભણતાં હતાં. નવરાત્રિ દરમિયાન વિધર્મી સગીરે ગરબા રમ્યા બાદ સગીરાની છેડતી કરી હતી. એ અંગે છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.
અગાઉ અનેક ફરિયાદો થઈ છે
છેલ્લા ઘણા સમયથી લવ-જેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને પ્રેમ-જાળમાં ફસાવી-પટાવી-ફોસલાવીને અપહરણ કરી ભગાડી જાય છે, ત્યાર બાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાના ચોંકાવનારા બનાવ બની ચૂક્યા છે. તો કેટલીક એવી ઘટના પણ સામે આવી છે, જેમાં વિધર્મી યુવકો હિન્દુ યુવતી સાથે મિત્રતા કર્યા બાદ તેની પ્રેમજાળમાં ફસાવી દેતા હોય છે, ત્યાર બાદ વિધર્મી યુવકો યુવતીને તેમના રીતિરિવાજ મુજબ રહેવા માટે તથા તેના ધર્મને સ્વીકારવા દબાણ પણ કરતા હોય છે. ત્યારે વધુ એક લવ-જેહાદનો કિસ્સો પોલીસ મથકમાં આવતાં આ બનાવે ચકચાર જગાવી મૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.