સંબંધીને ઉછીના આપેલ 26.75 લાખ પરત લેવા પૈકીનો પાંચ લાખનો ચેક રિટર્ન થવા અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ એક વર્ષની સાદી કેદની સજા તથા ફરિયાદીને વળતર પેટે દસ લાખની રકમ ચૂકવવાનો હુકમ કર્યો હતો.
પાંચ લાખનો ચેક બેંકમાં જમા કરાવતા પરત ફર્યો
ફરિયાદી તારાબેન ભાઈલાલ પટેલ ખેતી કામ કરે છે. આરોપી નીલમ શશીકાંત શાહ કૌટુંબિક સંબંધી હોય ટુકડે ટુકડે 57.55 લાખ આપ્યા હતા. જે પરત આપવા આરોપી ગલ્લા તલ્લા કરતા હોવાથી વરણામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આરોપીએ પોલીસ સાથે મળી ફરિયાદ નોંધાય નહીં તેવી તજવીજ કરી હોવાથી ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2017 દરમિયાન હાઇકોર્ટના હુકમે પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો હતો. ફરિયાદના અનુસંધાનમાં આરોપીએ 26.75 લાખમાં ઉચ્ચક નિકાલ કર્યો હતો. જે પેટે આપેલો પાંચ લાખનો ચેક બેંકમાં જમા કરાવતા પરત ફર્યો હતો.
કાયદાનું ખોટું અર્થઘટન કરી તેનો દુરુપયોગ
જે અંગેના કેસની સુનાવણી હાથ ધરાતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ થર્ડ કોર્ટ નીરજ કુમાર યાદવએ નોંધ્યું હતું કે, પ્રવર્તમાન સમયમાં કોઈપણ વ્યક્તિ મોટી રકમ મેળવવા તે સામે ખોટા ચેકો લખી આપી ઘણીવાર કોરા ચેકો આપતા હોવાના કિસ્સા વધી રહ્યા છે. રકમ મેળવ્યા બાદ તે રકમ પરત કરતા નથી અને નાણાં ન ચૂકવવા પડે તે માટે કાયદાનું ખોટું અર્થઘટન કરી તેનો દુરુપયોગ કરતા રહે છે. આ ખૂબ ગંભીર બાબત ગણાય અને આવા ગુનાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેના ઉપર અંકુશ મૂકવો જરૂરી છે.
સાંકરદામાં વીજ કનેક્શન કાપનાર કર્મચારી પર હુમલો
વડોદરાના નંદેસરીમાં જીઇબીમાં લાઇને મેન તરીકે નોકરી કરતા લક્ષ્મણ રાવજી વાઘેલા સાંકરદા ગામે વીજ બિલ નહીં ભરાનારાના વીજ કનેક્શન કાપવા માટે ગયા હતા. જ્યાં રોહતિવાસમાં રહેતા પરષોત્તમ સોમા રોહિતે ચાર મહિનાથી બિલ ભર્યું ન હતું. તેમને ઘરે પહોંચી બિલ ભરવાનું કહેતા ઘરે હાજર મહિલાએ બિલ નહીં ભરીએ થાય તે કરી લો તેમ જણાવ્યું હતું. જેથી લાઇન મેન લક્ષ્મણે વીજ કનેક્શન કાપી આગળની કામગીરી માટે નિકળ્યા હતા. જ્યાં પાછળથી આવેલ મેહુલ અને તેના પિતા તથા ભાઇએ વીજ કનેક્શન કેમ કાપ્યું તેમ કહી હુમલો કર્યો હતો. જેમાં લાઇન મેનને આંગળી પર ઇજા થતાં નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રિઢા વાહનચોર વિષ્ણુ મકવાણાની પાસા હેઠળ અટકાયત
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ફતેગંજ વિસ્તારમાંથી ચોરીના ટુ-વ્હિલર સાથે આરોપી વિષ્ણુ ઉર્ફે ચાંગો રતીલાલ મકવાણા (રહે. પસવા ગામ, તા. સાવલી)ને ઝડપી લીધો હતો. પૂછપરછમાં આરોપીએ સાવલી, વાઘોડિયા, હાલોલ, ભાદરવા, બોડેલી સહિતના સ્થળઓથી 16 ટુ વ્હિલરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી રીઢા વાહનચોર વિષ્ણુને પાસા હેઠળ રાજકોટ જેલ મોકલી આપવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.