વિવાદ:પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુમામાની જીભ લપસી, ભાષણમાં કહ્યું- નરેન્દ્ર મોદીને પતાવવા માટે એક-એક કાર્યકર રાત-દા’ડો જાગશે

વડોદરાએક વર્ષ પહેલા
પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુમામાનો વિડિયો વાઇરલ થયો છે. - Divya Bhaskar
પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુમામાનો વિડિયો વાઇરલ થયો છે.
  • વાનરસેનાએ કામ કર્યું તો 10 માથાંનો રાવણ પતી ગયો
  • પાદરાની સ્કૂલના કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ધારાસભ્યની જીભ લપસી

બરોડા ડેરીની ચૂંટણી સંદર્ભે કરજણના ધારાસભ્યની સામે ચીમકી ઉચ્ચારનાર દિનુમામાને જાહેરમાં ગમે તેવાં નિવેદનો ન આપવા પાર્ટી દ્વારા કડક શબ્દોમાં જણાવવામાં આવ્યું હતું, જેના 6 દિવસ બાદ જ પાદરાની ગર્લ્સ હાઈસ્કૂલના નવા બિલ્ડિંગના લોકાર્પણ સમયે દિનુમામાની જીભ લપસી હતી. તેમણે મોદીને પતાવવા ભાજપના કાર્યકરોએ દિવસ-રાત જાગવું પડશે, એમ કહી ભાંગરો વાટ્યો હતો. જોકે ભાજપના નેતાઓનું માનવું છે કે કોઈએ વિડિયો સાથે છેડછાડ કરી છે.

પાદરા પાલિકા હસ્તક ગર્લ્સ હાઈસ્કૂલના લોકાર્પણ સમયે પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનુમામા દ્વારા અપાયેલા ભાષણની ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં દિનુમામા કહી રહ્યા છે કે પાર્ટી એટલે કમળ છે. કમળ એ જ પાર્ટી. કમળ જે કહે એ હું ચલાવીશ અને આપણે બધાએ ચલાવવા સંમત રહેવું પડશે. જ્યારે મોદીની પાછળ એક રામ હતા. રામની વાનર સેનાએ કામ કર્યું તો 10 માથાંવાળો રાવણ પણ પતી ગયો, એમ ભારતમાં નરેન્દ્ર મોદીને પતાવવા એક-એક કાર્યકર રાત-દિવસ જાગશે. આ અંગે મંતવ્ય જાણવા દિનુ મામાનો વારંવાર ટેલિફોનિક સંપર્ક કરાતાં તેમણે કોલ-રિસીવ કર્યો ન હતો.

કોંગ્રેસની જગ્યાએ અન્ય શબ્દ બોલાઈ ગયો હશે
છોટાઉદેપુરનાં સાંસદ ગીતાબેન રાઠવાએ કહ્યું- દિનુમામાએ રાવણનો નાશ કરવા માટે રામની વાનરસેનાનો દાખલો આપ્યો હતો, જેમાં કોંગ્રેસનો સફાયો કરવા મોદીના કાર્યકરોની સેના છે એવો દાખલો આપ્યો હશે. જોકે તેમનાથી કોંગ્રેસની જગ્યાએ અન્ય શબ્દ બોલાઈ ગયો હોઈ શકે છે, જેમાં ભૂલ થઈ હશે, પરંતુ મારા સાંભળવામાં આવ્યું નથી.

વાઇરલ થયેલા વિડિયો સાથે છેડછાડ કરી હોઈ શકે છેે
જિલ્લા ભાજપપ્રમુખ અશ્વિન પટેલે કહ્યુંં- હું પણ આ કાર્યક્રમમાં હતો, જેમાં દિનુમામાએ કોઈ ખોટી વાત કરી નથી. જે વિડિયો ફરી રહ્યો છે એમાં કોઈ છેડછાડ કરી હોવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...