પદ્માવતીનો આજે ફેંસલો!:શોપિંગ સેન્ટરને હટાવવા મુદ્દે ચાર ધરાસભ્યોનો એક સુર, એક અવઢવમાં, સાંસદનું સમર્થન

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • શોપિંગ સેન્ટરને હટાવવા મુદ્દે પાલિકાની સંકલન પૂર્વે ભાસ્કરે ધારાસભ્યો-સાંસદની જાણી મનની વાત...
  • સંકલનની બેઠકમાં વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ ચર્ચા થશે

હેરિટેજ ઇમારત ન્યાયમંદિરના હસ્તાંતરણ બાદ તેની સામે આવેલા વર્ષો જુના પદ્માવતિ શોપિંગ સેન્ટરને દૂર કરવા માંગ ઉઠી છે. શનિવારે પાલિકામાં ધારાસભ્યો સાથે યોજાનારી સંકલનની બેઠકમાં આ બાબતે નિર્ણય લેવાશે તેવી શકયતા છે. ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લે ઉઠાવેલા મુદ્દામાં 5 પૈકી 4 ધારાસભ્યોએ સમર્થનમાં છે. જ્યારે એક ધારાસભ્ય હજી અવઢવમાં હોવાનું જાણવા મળ્યું છે. સંકલનની બેઠકમાં વેપારીઓને પદ્માવતિની જગ્યાએ કઇ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે તેની પણ ચર્ચા કરવામાં આવનાર છે.

મુખ્યમંત્રીએ ન્યાયમંદિરનું પાલિકાને હસ્તાંતરણ કર્યુ છે. જ્યાં સીટી મ્યુઝિયમ ઊભું કરવા માટે તંત્રની તૈયારી છે. જોકે શહેરના મધ્યમાં ન્યાયમંદિરની સામે આવેલા પદ્માવતી શોપિંગ સેન્ટરને હટાવવાનો સુર ઉઠ્યો છે. ન્યાયમંદિર વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા છે. તેમજ વર્ષો જૂની પદ્માવતી શોપિંગ સેન્ટરની ઇમારત જર્જરિત બની છે. તેના કારણે હેરિટેજ ઈમારત ન્યાયમંદિરની શોભા ઘટી રહી છે. ત્યારે રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી પદ્માવતી શોપિંગ સેન્ટરને હટાવી ત્યાંના વેપારીઓને અન્યત્ર વૈકલ્પિક જગ્યા ફાળવવા સૂચન કર્યું છે.

આ અંગે વેપારીઓએ બાલકૃષ્ણ શુક્લ તેમજ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહને રજૂઆત કરી છે. ડો. વિજય શાહના જણાવ્યા મુજબ વેપારીઓ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે તેમજ તેઓની રજૂઆતના આધારે તેમને વૈકલ્પિક વ્યવસ્થા મળવી જોઈએ અને તે અંગે પણ વિચારણા થવી જોઈએ. શનિવારે પાલિકા ખાતે સંકલનની બેઠક મળવાની છે. જેમાં આ મુદ્દા પર ચર્ચા થશે એ ચોક્કસ બાબત છે અને તેના પર ફેંસલો પણ લેવામાં આવે તેવી સંભાવના છે. તે પૂર્વે 5 ધારાસભ્યો પૈકી 4 ધારાસભ્યો પદ્માવતી શોપિંગ સેન્ટરને હટાવવાના સમર્થનમાં છે, જ્યારે એક ધારાસભ્ય હજી આ અવઢવમાં છે.

સંકલનમાં આ મુદ્દે ચર્ચા થશે
પાર્ટી, નેતાઓ નિર્ણયથી ખુશ છે. શનિવારે સંકલનમાં વિકાસ કામો સાથે પદ્માવતી મુદ્દે પણ ચર્ચા થશે. > બાળકૃષ્ણ શુક્લ, MLA, વડોદરા

પાર્કિંગ સહિતનું આયોજન થાય
નિર્ણયને સમર્થન છે. સેન્ટર ડિમોલિશ કરી પાર્કિંગ સહિતનું આયોજન કરે. વેપારીની વ્યવસ્થાનું આયોજન થાય. > રંજનબેન ભટ્ટ, સાંસદ

મારુ સમર્થન, વેપારી પણ સમર્થનમાં આવે
વેપારીઓ સાથે મળી નિર્ણય લેવાય તો સારું છે. મારું તો સમર્થન છે જ, વેપારીઓ પણ સમર્થનમાં આવે. > મનીષાબેન વકીલ, MLA, શહેર-વાડી

વેપારીઓને સારી જગ્યા આપવી જોઇએ
બાળુભાઈએ વેપારીઓ સાથે જે નક્કી કર્યું છે એ સારી વાત છે, સારી જગ્યાએ શિફ્ટ કરવા જોઈએ. મારું સમર્થન છે. > યોગેશ પટેલ, MLA, માંજલપુર

પદ્માવતિ તોડી ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય
પદ્માવતીમાં પાર્કિંગ છે પરંતુ ઉપયોગ થતો નથી. તેને તોડી નવો લુક આપવો જોઈએ સાથે ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય. > ચૈતન્ય દેસાઈ, ધારાસભ્ય, અકોટા

કોઇ નિર્ણય કરતાં પહેલાં ભવિષ્યની અસરો જોવી જોઈએ
નિર્ણય કરતા પહેલા ભવિષ્યની અસરોને જોવી જોઈએ. આ નિર્ણયના ભવિષ્ય અને તેની અસરો, તમામ વસ્તુઓના પાસાઓનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય કરીશું. > કેયુર રોકડીયા, ધારાસભ્ય, સયાજીગંજ

હવે શું ?
ધારાસભ્યોના સૂચન બાદ મ્યુનિ. કમિશનર આ અંગે નોંધ લઈ અધિકારીઓને અભ્યાસ કરવા માટે જણાવશે. બિલ્ડીંગ હટાવવા અને ત્યાં નવા આયોજન કરવા માટે સ્થાયી સમિતિ અને ત્યારબાદ સભાની મંજૂરી લેવામાં આવશે.

ભાસ્કર ઇનસાઇટ : ચૂંટણી પછીની પહેલી આંતરિક જૂથબંધી
વડોદરા : ન્યાયમંદિરના હસ્તાંતરણ બાદ તેની સફાઇ શરૂ થઇ છે. ન્યાયમંદિરને શુભપ્રસંગે ભાડે આપવાની પાલિકાની વિચારણા વચ્ચે રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લે પદ્દમાવતી શોપીંગ સેન્ટરને હટાવવાનો મુદ્દો છંછેડતા શહેર ભાજપમાં જૂથબંધી શરૂ થઇ છે.

ધારાસભ્ય યોગેશ પટેલે ચૂંટણી જીત્યા બાદ શહેરના વિકાસ મુદ્દે એકજૂટ થવાની વાત કરી હતી. પરંતુ પદ્દમાવતી શોપીંગના મુદ્દે એકમત સધાયો હોય તેવું દેખાતું નથી. કમિશનર વેપારીઓ સાથે ચર્ચા કરવા ગયેલા દંડકની સાથે ગયા તો પણ એક ધારાસભ્યના તો નાકના ટેરવા ચઢી ગયા હતાં. શનિવારે પાલિકાની સંકલનની બેઠકમાં ધારાસભ્યો એકસૂરમાં રહે છે કે રાજકિય ચાલ ચાલે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...