વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:પીડિતાની ડાયરીનું એક પેજ ફાડી નખાયું હોવાની શંકા, કોઈ પરિચિતે જ ફાડ્યું હોવાની ચર્ચા

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીડિતા - ફાઈલ તસવીર - Divya Bhaskar
પીડિતા - ફાઈલ તસવીર

પોલીસનું માનવું છે કે યુવતીએ બળાત્કારની ઘટનાનો ઉલ્લેખ જે ડાયરીમાં કર્યો તે ડાયરીનું છેલ્લું કે અન્ય એક પેજ કોઇએ ફાડી નાખ્યું હોય તેવું તપાસમાં બહાર આવ્યું છે. તે આધારે કદાચ કોઈ પરિચિત હોય તેવી શંકા પોલીસ કરી રહી છે. જેથી ઓએસિસ સંસ્થાના કાર્યકરો ઉપરાંત યુવતીના પરિચીતો અને મિત્રોની તપાસ કરાઈ રહી છે.

કર્ણાટકના કોલ સેન્ટરમાંથી ઇમરાને પીડિતાને ફોન કર્યો હતો
પોલીસ તપાસનો દોર કર્ણાટક સુધી લંબાયો હતો. તપાસમાં કર્ણાટકમાં કોલ સેન્ટરમાંથી ઇમરાન નામના શખ્સે 36 સેકન્ડ સુધી વાત કરી હોવાનું જણાઇ આવ્યું હતું. બીજી તરફ પોલીસને હજી સુધી સાઇકલ મળી આવી નથી. પોલીસની એક ટીમે ચાણોદની ઓએસિસ સંસ્થાની ઓફિસના મકાન તથા ગંગોત્રી એપાર્ટમેન્ટની ઓફિસમાં પણ ફરીથી સર્ચ કર્યું હતું. આ ઉપરાંત નશેબાજો તથા ભંગારિયાઓની પણ પૂછપરછ કરાઇ હતી.

સાંજે ઓએસિસની ઓફિસ પર રેલવે એસપી પહોંચ્યાં
પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ રવિવારે રાત્રે એસઓજી ઓફિસ પહોંચ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે વેક્સીન મેદાનમાં પહોંચ્યા હતા.બીજી તરફ સોમવારે સાંજે રેલવે એસપી પરિક્ષીતા રાઠોડ પણ ટીમ સાથે ઓએસિસની ચકલી સર્કલ પાસેની પબ્લીકેશન ઓફિસ પર પહોંચ્યા હતા જેથી ઉત્તેજના છવાઇ ગઇ હતી. પોલીસની ટીમ બે કલાક સુધી ત્યાં રોકાઇ હતી અને ઉંડી તપાસ કરી હતી.

તપાસ દરમિયાન 15 હજારથી વધુ ફોન ટ્રેસ કરવામાં આવ્યા
પોલીસે વેક્સિન મેદાનની આસપાસ બનાવના દિવસ અને સમયગાળાને ધ્યાનમાં રાખીને તે સમયે તે વિસ્તારમાં એક્ટિવ રહેલા મોબાઇલ ફોનની તપાસ શર કરી છે જેમાં અત્યાર સુધી 15 હજારથી વધુ ફોનને ટ્રેસ કરવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદા ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો સીસીટીવી ફુટેજના ઉંડો અભ્યાસ કરી રહી છે જેમાં એક સ્થળે બે આરોપી ભાગી ને જતાં જોવા મળી રહ્યા છે.

ફ્લેટમાં રહેતી તમામ છથી સાત યુવતી ફ્રી માઇન્ડ અને ખુશમિજાજ હતી
યુવતીઓ જે ફ્લેટમાં રહેતીહતી તે ફ્લેટના વોચમેન રામકિશન નેપાળીએ જણાવ્યું હતું કે ફ્લેટમાં છથી સાત છોકરીઓ રહેતી હતી જે બપોરે સાયકલ લઇને ઓફિસે જતી હતી અને રાત્રે આઠ નવ વાગે ઘેર પરત ફરતી હતી. યુવતીઓ ફ્રી માઇન્ડની હતી અને ખુશમિજાજ રહેતી હતી. આ યુવતીને દિવાળી પછી તેમણે ફ્લેટમાં આવતી જતી જોઇ ન હતી.