બુલેટ ટ્રેનના ટ્રેક માટે પાઇપલાઇન શિફ્ટ:અડધા વડોદરાને આવતીકાલે સાંજે અને બુધવારે આખો દિવસ પાણી નહીં મળે

વડોદરા6 મહિનો પહેલા
  • રાયકા-દોડકા ફ્રેન્ચવેલથી આવતું પાણી17 ટાંકી અને 4 બુસ્ટરને નહીં મળે

વડોદરાના છાયાપુરી સ્ટેશન પાસેથી બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર થતો હોવાથી આવતીકાલે રાયકા- દોડકા ફ્રેન્ચવેલ તરફથી વડોદરા તરફ આવતી પાઇપલાઇનને શિફ્ટ કરવાની કામગીરી કરવામાં આવનાર છે. જેના પગલે પાણીકાપ રહેશે અને શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અંદાજિત 10 લાખ લોકોને મંગળવારે સવારે પાણી વિતરણ બાદ 16 તારીખે 24 કલાક સુધી પાણીથી વંચિત રહેવું પડશે.

17 ટાંકી અને 4 બુસ્ટરને પાણી નહીં મળે
છાયાપુરી સ્ટેશન પાસેથી બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર થતો હોવાથી રાયકા-દોડકા ફ્રેન્ચવેલથી શહેર તરફ આવતી 1354 મીમી ડાયાની પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી આગામી 15મી તારીખે કરાશે. જેના પગલે તા.15મીએ સવારે પાણીના વિતરણ બાદ 24 કલાક સુધીનું મેગા શટડાઉન રખાયું છે. જેના કારણે રાયકા-દોડકા ફ્રેન્ચવેલથી આવતું પાણી 17 ટાંકી અને 4 બુસ્ટરને આપવામાં નહીં આવે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અંદાજિત 10 લાખ લોકોને 15મીએ સાંજે અને 16મીએ પાણી મળશે નહીં.

કઈ ટાંકી અને બુસ્ટરને અસર થશે
મંગળવારે મેગા શટડાઉનને પગલે રાયકા-દોડકા ફ્રેન્ચવેલથી શહેરની 17 ટાંકી અને 4 બુસ્ટરને અસર થશે. જેમાં પૂનમનગર ટાંકી, નોર્થ હરણી, સમા ટાંકી, કારેલીબાગ ટાંકી, આજવા ટાંકી, પાણીગેટ ટાંકી, નાલંદા ટાંકી, ગાજરાવાડી ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીબાગ ટાંકી, માંજલપુર ટાંકી, એરપોર્ટ બુસ્ટર, વારસિયા બુસ્ટર, ખોડીયાર નગર બુસ્ટર, તથા ગોરવા ટાંકી સુભાનપુરા ટાંકી, સુભાનપુરા બુસ્ટર, વડીવાડી ટાંકી, અકોટા ટાંકી, કલાલી ટાંકીના વિસ્તારના લોકો પાણીથી વંચીત રહેશે.

વડોદરામાં છાશવારે જનતા પાણી કાપની સમસ્યાથી પરેશાન
વડોદરા શહેરમાં 3 વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ જાહેર કરવામાં આવે છે અને લોકો એકથી લઇને 4 દિવસ સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે.

વારંવાર પાણી કાપની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત
વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...