મુલાકાત:એક નેતાની દલીલ,મેચ 2 દિવસ બંધ કરાવીએ બીજાએ કહ્યું, BCCI સેક્રેટરીની ખબર છે ને?

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PMનું હેલિકોપ્ટર મોતીબાગમાં ઉતારવા ભાજપના નેતાએ મુલાકાત લીધી હતી
  • જય શાહનું નામ સાંભળતાં જ નેતાએ ચડીચૂપ, વિચાર પડતો મૂકી દીધો

નવલખી સંકુલમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભા સંબોધવા હેલિકોપ્ટરમાં વડોદરા પહોંચવાના છે ત્યારે હેલીપેડ માટે નવલખી ઉપરાંત મોતીબાગ ક્રિકેટ મેદાન ખાતે હેલીપેડ બનાવવા માટે ભાજપાના નેતાઓએ મેદાનની મુલાકાત લીધી હતી પણ બીસીસીઆઈની મેચ ચાલતી હોવાથી હેલીપેડ બનાવાનું પડતંુ મુકાયું હતું.

નવલખી સંકુલમાં હેલીપેડ બનાવાયા તે પૂર્વે મોતીબાગ ક્રિકેટ મેદાનમાં પણ હેલીપેડ બનાવવા માટે વિચારણા થઇ હતી. જેના માટે પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર અને શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ મોતીબાગ ક્રિકેટ મેદાનની મુલાકાત લઇ હેલીપેડ માટે વિચારણા કરી હતી. મેચ ચાલતી હોવાથી પૂર્વ મેયરે કહ્યું હતું કે, બે દિવસ મેચ બંધ કરાવી દઇશું.

ત્યારે અન્ય નેતાએ કહ્યું હતું કે, આ બીસીસીઆઈની મેચ છે અને તેના સેક્રેટરી જય શાહ છે ખબર છેને? એટલે મેચ બંધ ન કરાવાય. મેચના કારણે હેલીપેડ મોતીબાગ ક્રિકેટ મેદાન ખાતે બનાવવાનું પડતું મુકાયું હતું. પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે જણાવ્યું હતું કે, મોતીબાગ સહિતના મેદાનની વિચારણા થઇ હતી.

જોકે, મોતીબાગ ક્રિકેટ મેદાન ખાતે મેચ ચાલતી હોય ત્યાંનો વિચાર પડતો મુકાયો હતો. અમે એસપીજી સાથે મોતીબાગ ઉપરાંત પોલો ગ્રાઉન્ડની વિચારણા કરી હતી પણ નવલખી ફાઈનલ કર્યું હતું.પ્રદેશ ભાજપા પ્રવકતાં ભરત ડાંગરે જણાવ્યું હતું કે, દશેક મેદાનની વિચારણા કરી હતી પણ કોઈ અડચણ ન થાય તેવા રૂટનું હેલીપેડ માટે જગ્યાની જરૂર હતી એટલે નવલખીની પસંદગી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...