અકસ્માત:વડોદરા પાસે નેશનલ હાઇવે પર ઉભેલા ટેમ્પોને બીજા ટેમ્પોએ અડફેટે લેતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઇજાગ્રસ્તને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો

વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે પર વહેલી સવારે બે ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. આ બનાવમાં એક વ્યક્તિનું સ્થળ પર કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાઇવે ઉપર એક ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો પાર્ક કરીને પંચર બનાવી રહ્યો હતો, ત્યારે ભરૂચ તરફથી અમદાવાદ તરફ જતાં ટેમ્પો ચાલકે પંચર બનાવી રહેલા ટેમ્પો ચાલકને અડફેટમાં લીધો હતો.

અકસ્માતમાં એકનું મોત
આ બનાવની વિગત એવી છે કે, વહેલી સવારે 5 વાગ્યે હાઇવે ઉપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામે એક ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો રોડની સાઈટ ઉપર પાર્ક કરીને પંચર બનાવી રહ્યો હતો. દરમિયાન ભરૂચ તરફથી અમદાવાદ તરફ જઇ રહેલા ટેમ્પો ચાલકને અંધારામાં રોડની સાઇડ પર ઉભો રહેલો ટેમ્પો ન દેખાતા ટેમ્પોને અડફેટમાં લીધો હતો. આ બનાવમાં ભઇલાલ રામજીભાઈ કોલચા (રહે. કરજવાટ, તા. કવાટ, જિ. છોટાઉદેપુર) સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે ભરૂચ તરફથી અમદાવાદ તરફ જતા ટેમ્પો ચાલક યુનુસભાઇ મન્સૂરીને ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુનુસભાઇ મન્સૂરી વલસાડથી સાબર ડેરીનો સામાન ભરીને હિંમતનગર જઈ રહ્યા હતા.

ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો
વહેલી સવારે પાંચ વાગ્યે બનેલા બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં પાણીગેટ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત આ બનાવને પગલે પોલીસ અને સ્થાનિક લોકો પણ દોડી ગયા હતા. એક તબક્કે આ બનાવના પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ટેમ્પો પલટી ખાઇ જતા ડ્રાઇવર સહિત બે ઇજાગ્રસ્ત
અન્ય એક બનાવમાં મોડી રાત્રે છાણી પાસે ફ્રૂટ ભરેલો ટેમ્પો પલટી ખાઇ જતા ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન આ બનાવ અંગેની જાણ પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર દોડી જઇને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...