પ્રાકૃતિક કૃષિ વર્કશોપ:વડોદરામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ એક દિવસીય વર્કશોપ યોજાયો, ગામ દીઠ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવા અભિયાન

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા જિલ્લાના તમામ ગામોના સરપંચો, તલાટી, ગ્રામસેવકોને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતગાર કરાયા

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી આજે વડોદરા શહેરનાં પંડિત દિનદયાલ હૉલ ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત આત્મા પ્રોજેક્ટ, વડોદરા દ્વારા એક દિવસીય 'પ્રાકૃતિક કૃષિ વર્કશોપ' યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના ખેડૂતો, સરપંચો, ગ્રામસેવકો તેમજ પંચાયતોનાં સચિવને પ્રાકૃતિક ખેતીનાં લાભ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતા.

આ કાર્યક્રમમાં સાવલીના કશ્યપ રાયે પ્રાકૃતિક ખેતી અંગેના પોતાનાં અનુભવ તેમજ તે કેમ જરુરી છે તે જણાવ્યું હતું. તે સાથે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતે સમૃદ્ધિ તેમજ આત્મનિર્ભરતા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જરૂરી છે. આ સાથે નિલકંઠ ધામ, પોઇચાનાં કૈવલ્ય સ્વરુપ સ્વામીજીએ પ્રાચીનકાળમાં પણ ભારતદેશ પ્રાકૃતિક ખેતીમાં વિશ્વભરમાં મોખરે હતો. તે સાથે પ્રાકૃતિક ખેતી સસ્તી, સીધી, સાદી તેમજ સરળ ખેતી છે તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ શિનોરના વનરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતી માટે બધી જ પ્રકારની મદદ માટે સરકાર તૈયાર છે તેમ જણાવ્યું હતુ. તે સાથે દેશમાં કુલ 10,000 જેટલી તેમજ વડોદરામાં કુલ 3 ખેત ઉત્પાદકીય સંસ્થાઓ(FPO) કાર્યરત છે તે અંગે ઉમેરતા કહ્યુ હતું કે, આ ખેત ઉત્પાદકીય સંસ્થાઓ(FPO) થકી ખેડૂતોને બજાર પુરું પાડવામાં આવે છે, જ્યાં ખેડૂત પોતે પોતાની ખેત પેદાશોનો ભાવ નક્કી કરી શકશે. આ ઉપરાંત જીવામૃત, ઘનજીવામૃત તેમજ બીજામૃત જેવી ખેત પદ્ધતિઓની પ્રાયોગિક માહિતી આપી હતી.

વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલે આઝાદીનાં 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક ગામદીઠ 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી આશા વ્યક્ત કરી હતી તથા ખેડૂતો પોતાની કુલ ખેતીનો અમુક ભાગ અજમાયશી ધોરણે પ્રાકૃતિક ખેતી માટે ફાળવે તેમ જણાવ્યું હતું.

કલેક્ટર અતુલ ગોરે ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશે વિશેષ જાણકારી મેળવે તેમજ પ્રાયોગિક તાલીમ મેળવે તે માટે આગામી દિવસોમાં વડોદરા જિલ્લાના તાલુકા સ્તરે વર્કશોપ આયોજન થશે. આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ, સંયુકત ખેતી નિયામક, આત્મા સ્ટેટ નોડલ ઓફિસર, પ્રોજેક્ટ ડિરેક્ટર (આત્મા), ડેપ્યુટી પ્રોજેક્ટ ડિરેક્ટર (આત્મા), જિલ્લા પંચાયત પ્રમુખ તથા કૃષિ તજજ્ઞોએ પ્રેરક હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...