તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • On Zaverchand Meghani's Birthday In Vadodara, The Minister Of State For Home Affairs Said, "His Literature Was Easy For Human Beings To Understand."

જન્મયંતિની ઉજવણી:વડોદરામાં ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસના કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હાજર રહ્યાં, તહેવારોની ઉજવણી અંગે કહ્યું-'તહેવારો ઉજવવા ગાઈડલાઈન જાહેર કરાશે'

વડોદરા21 દિવસ પહેલા
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
  • મેડિકલ કોલેજ ઓડિટોરિયમમાં જન્મજયંતિની ઉજવણી કરાઈ

વડોદરાના મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, તેઓ ગુજરાતનું પરમ ગૌરવ અને ગુજરાતી સાહિત્યના ગૌરવના સંવર્ધક છે. તેઓ તેમના સમયના પ્રખર પત્રકાર હતા અને પત્રકારિતાના સ્પર્શથી તેમનું સાહિત્ય ખૂબ ઉચ્ચ કક્ષાનું હોવાની સાથે અદનો માણસ સમજી અને માણી શકે એવું સરળ બન્યું. તેમણે જંગલો અને પહાડો ખૂંદીને,નેસડે નેસડે ફરીને લોક કાવ્યો, લોક ગીતો,શૌર્ય કથાઓ જાણીને,લોકો સમક્ષ મૂકીને આ ગૌરવ વારસાની કાયમી સાચવણી નિશ્ચિત કરી જે એક ખૂબ મોટું યુગ કાર્ય ગણાય.તેની સાથે તેમણે સિંધુડો અને અન્ય રચનાઓ દ્વારા જુલ્મી અંગ્રેજો સામે જાણે કે સિંહ ગર્જના કરી અને જેલવાસ પણ ભોગવ્યો. તેઓ બુલંદ કંઠના માલિક હતા અને ગાંધી બાપુ અને ગુરુવર રવીન્દ્રનાથ ઠાકુરે તેમના કંઠે ગીતોનો આકંઠ રસાસ્વાદ માણ્યો હતો.

રાષ્ટ્ર વિરોધી તત્વો સામે કાર્યવાહી કરાશે
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ માધ્યમો સાથે સંવાદમાં જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે.ગુજરાતમાં શાંતિ,સલામતી અને સુરક્ષા માટે રાજ્યનો ગૃહ અને પોલીસ વિભાગ કટિબદ્ધ છે.રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી કાયદો અને વ્યવસ્થા જાળવવાના પગલે લોકોએ શાસન વ્યવસ્થામાં વિશ્વાસ મૂક્યો છે.રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા તત્વો સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગાઈડલાઈન પ્રમાણે ઉજવણીની મંજૂરી અપાશે
ગુજરાત 1600 કી.મી.નો દરિયાઈ વિસ્તાર ધરાવે છે,ત્યારે દરિયાઈ સુરક્ષા માટે પણ વ્યાપક પગલાં લેવામાં આવ્યા છે. રાજયમાં વ્યાજખોરીના દૂષણને ડામવા વ્યાજખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેમ તેમણે ઉમેર્યું હતું. ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમીની ઉજવણીની ગાઈડ લાઈન સરકારે જાહેર કરી છે. ગણેશ ઉત્સવમાં ડી.જે.વગાડવા અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આ પ્રકારની બાબતોની કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવે છે.

125મી જન્મજયંતિ
રાજ્ય સરકારે શિરમોર સાહિત્ય શિલ્પી ઝવેરચંદ મેઘાણીજીની સવાસોમી જન્મ જયંતી કસુંબીનો રંગ ઉત્સવ ઉજવવા માટે તાલુકા,જિલ્લા અને રાજ્ય કક્ષાના કાર્યક્રમો અને શાળા,કોલેજ અને વિશ્વ વિદ્યાલય કક્ષાએ આ મહાન સાહિત્ય સેવક દ્વારા સંપાદિત લોક ગીતોની સ્પર્ધાનું આયોજન કર્યું છે.ગૃહ મંત્રીએ તેના ભાગરૂપે રાજ્યના યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની વડોદરા કચેરી દ્વારા,જિલ્લા પ્રશાસન, મ.સ.વિશ્વ વિદ્યાલય અને અન્ય સંસ્થાઓના સહયોગથી યોજેલા મેઘાણી સવાસોમો જન્મોત્સવ ઉજવણીનો મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાતનું પરમ ગૌરવ અને ગુજરાતી સાહિત્યના ગૌરવના સંવર્ધક હતાં-પ્રદિપસિંહ
ગુજરાતનું પરમ ગૌરવ અને ગુજરાતી સાહિત્યના ગૌરવના સંવર્ધક હતાં-પ્રદિપસિંહ

સાબરમતી જેલમાં મેઘાણી રહ્યા હતા
મેઘાણીજીએ તેમના સાહિત્ય સર્જનમાં ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિનો ધબકાર ઝીલ્યો છે તેવી લાગણી વ્યક્ત કરતા ગૃહ મંત્રીએ, તેમણે ગોળમેજી પરિષદમાં જતા બાપુને સંબોધીને લખેલા છેલ્લો કટોરો ઝેરનો કાવ્યનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેમના વિરાટ વ્યક્તિત્વમાં સંવેદનશીલતા, વીરતા, ઝનૂન, જુસ્સોનો સમન્વય જોવા મળે છે.વડોદરાના રાજા અને પ્રજાએ સ્વતંત્રતાની લડતમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે જેનો ઉલ્લેખ છેક 1857થી જોવા મળે છે તેવી જાણકારી આપતાં તેમણે કહ્યું કે, આ લડતના શહીદોની શહાદતને રાષ્ટ્રે કાયમ યાદ રાખવી જ રહી. તે માટે જ આઝાદી અમૃત પર્વ અને મેઘાણી જયંતિની ઉજવણીના વ્યાપક આયોજનો ભારત સરકાર અને રાજ્ય સરકારે કર્યા છે.મંત્રીએ ઉમેર્યું કે સાબરમતી જેલમાં મેઘાણી જે કુટિરમાં રહ્યા હતા તે કુટિરમાં મેઘાણી સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે.