વ્યવસ્થા:ત્રીજા દિવસે ટોકનવાળા 100 લોકોને ફોર્મ અપાયાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાવપુરા સ્થિત ઓફિસ બહાર ટોકન વિનાના લોકોએ ભીડ જમાવી હતી. - Divya Bhaskar
રાવપુરા સ્થિત ઓફિસ બહાર ટોકન વિનાના લોકોએ ભીડ જમાવી હતી.
  • બંદોબસ્તને પગલે ટોળાં વિખેરાયાં
  • 10 દિવસના​​​​​​​ ટોકન અપાયા, નવા ટોકનનો નિર્ણય નહીં

રાવપુરા ખાતેની કચેરીમાં બે દિવસ સુધી આવાસોનાં ફોર્મ માટે સર્જાયેલી અંધાધૂંધી બાદ ગુરુવારથી માત્ર ટોકન હોય તેમને જ ફોર્મ આપવાની કાર્યવાહી હાથ પર લેવામાં આવી હતી અને 100 લોકોને ફોર્મ આપવામાં આવ્યાં હતાં. જોકે આગામી દિવસોમાં આ ફોર્મ વૉર્ડ કચેરીમાંથી આપવાની વ્યવસ્થા પર વિચારણા થઈ રહી છે, પરંતુ તેનો હજી સુધી નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી.

શહેરના હરણી, કલાલી, સુભાનપુરા અને ગોત્રી વિસ્તારમાં 5.50 લાખ રૂપિયામાં ઇડબ્લ્યુએસ-2 કેટેગરીનાં 2132 આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે.જેના માટે સોમવારથી ફોર્મ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું પણ પહેલા જ દિવસે પાલિકાની વ્યવસ્થા પડી ભાંગી હતી અને તેના કારણે ટોકન વ્યવસ્થાનો અમલ કરવો પડ્યો હતો, જેમાં 2900 લોકોને ટોકન આપવામાં આવ્યા હતા.

મંગળવારની રજા બાદ બુધવારે સવારે ફરી એક વખત લાંબી કતારો ફોર્મનાં ટોકન માટે પડી હતી અને એક તબક્કે લાઈન તૂટતાં આખું ટોળું પાલિકાની રાવપુરા ખાતેની એફોર્ડેબલ હાઉસિંગ કચેરીમાં ઘૂસી ગયું હતું. જેમાં કેટલીક મહિલાઓ કચડાતાં માંડ બચી હતી. આ અફરાતફરીના માહોલ બાદ ટોકન આપવાનું બંધ કરવામાં આવ્યું હતું અને જેમને ટોકન આપ્યા છે એ લોકો જ તારીખ મુજબ ફોર્મ લેવા આવે તેવી વ્યવસ્થા ગુરુવારથી અમલી બનાવી હતી.

જોકે ગુરુવારે સવારે છૂટાછવાયા ટોળા રાવપુરા સ્કૂલ ખાતે ભેગા થયા હતા પણ આગોતરો પોલીસ બંદોબસ્ત હોવાથી ટોળું વિખેરાઈ ગયું હતું અને જેમની પાસે ગુરુવારે ફોર્મ લેવા માટેના ટોકન હતા તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. લગભગ 100 લોકોએ લાઈનમાં ઊભા રહીને બપોરે 2 વાગ્યા સુધીમાં ફોર્મ મેળવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...