MSUમાં વિવાદ:વાઇસ ચાન્સેલરને Ph.Dના ગાઇડ બનાવવા મુદ્દે સેનેટ મેમ્બર કપીલ જોષીએ કહ્યું: 'નવો બાવો ચિપિયો વધુ ખખડાવે તેમ VC વર્તી રહ્યા છે'

વડોદરાએક મહિનો પહેલા
સેનેટ મેમ્બર કપીલ જોશી - Divya Bhaskar
સેનેટ મેમ્બર કપીલ જોશી
  • શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરવામાં આવશેઃ કપીલ જોશી

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પીએચડીના ગાઇડ બનાવવા મામલે અરજી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. જેને લઇને હવે શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે તેમ સેનેટ મેમ્બર કપીલ જોશીએ જણાવ્યું હતું.

વાઇસ ચાન્સેલર લાયકાતમાં જ બંધ બેસતા નથી
આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા સેનેટ મેમ્બર કપીલ જોશીએ કહ્યું હતું કે, નવો બાવો ચિપિયો વધુ ખખડાવે તેમ એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ હાલમાં વર્તી રહ્યા છે. ગુજરાતમાં હાલમાં એવા વાઇસ ચાન્સેલરઓનો રાફડો ફાટ્યો છે કે જે વાઇસ ચાન્સેલર લાયકાતમાં જ બંધ બેસતા નથી.

સિન્ડિકેટના ઠરાવનો ભંગ થયો
વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ આવતા વેત જ ફેકલ્ટી ઓફ સાયન્સના એનવાયરમેન્ટલ સાયન્સના પીએચડીના માર્ગદર્શક રાતોરાત નિમાઈ ગયા. જેમાં સિન્ડિકેટના ઠરાવ SR-41, તારીખ 30/12/2020 અને AMENDED ઓ.પી.એચડી - 4 - ની સરેઆમ ભંગ થયો છે.

સમગ્ર પ્રક્રિયાને VCએ પૂરી કરી નથી
MS University Act SR 41 મુજબ પીએચડી ના માર્ગદર્શક અરજી કરવાની Department Research Advisory Committee (DRAC), FLRAC (Faculty Level Research Advisory Conmittee) council of PG Studies બધી લાયકાત તપાસાય ત્યાર બાદ સિન્ડિકેટ એને મંજૂરી આપે. આ સમગ્ર પ્રક્રિયાને વાડ જ ચીભડા ગળે એમ વાઇસ ચાન્સેલરે પોતાનું એક છોગું વધારવા પૂરી ન કરી ! આપણે ત્યાં ચોરીના રીંગણાં લેતા દલા તરવાડી પોતે જ પૂછતાં લઉ બે – ચાર, લો ને દસબાર એમ પોતે જ જવાબ આપતા ! વિજયકુમાર શ્રીવાસ્તવનું વર્તન પણ આવું છે.

વાઇસ ચાન્સેલરે રાજીનામું આપવું જોઇએ
કપિલ જોષીએ કહ્યું હતું કે, આ સરકારી યુનિવર્સિટી છે, ખાનગી પેઢી નથી. પીએચડી માર્ગદર્શક બનતા અનેકોને ફાફાં પડતાં હોય છે ત્યારે સંસ્થાના વડા પોતે જ આવું કરે એ આઘાતજનક છે, સેનેટ, SYNDICATE સભ્યોએ આનો વિરોધ કરવો જોઈએ. યુનિવર્સિટી કેમ્પસમાં વાઇસ ચાન્સેલરનું આ વર્તન હાસ્યસ્પદ બની રહ્યું છે. વાઇસ ચાન્સેલરે આ અંગે રાજીનામું આપવું જોઇએ.

શું છે વિવાદ
વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે નિયમ વિરુદ્ધ જઇને પીએચડી ગાઇડ બનવા અરજી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 2020માં સિન્ડિકેટની બેઠકમાં પાસ ઠરાવ મુજબ જે અધ્યાપક યુનિવર્સિટીમાં ફૂલ ટાઇમ ફરજ બજાવતા હોય તે જ પીએચડી ગાઇડ તરીકે નિમણૂક પામી શકે. વીસીની પોસ્ટ એ ટીચીંગ પોઝિશન નથી પણ પ્રિન્સિપાલ એક્ઝ્યુકેટીવ ઓફિસરની જગ્યા છે, અને તે ડેપ્યુટેશન પર આવ્યા હોય છે.

વીસી વિજય શ્રીવાસ્તવે પીએચડી ગાઇડ બનવા સાયન્સ ફેકલ્ટીના એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગની પસંદગી કરી હતી અને પીજી કાઉન્સિલની બેઠકમાં જ્યારે તેમના પીએચડી ગાઇડ તરીકેની આઇટમ મૂકાઇ ત્યારે સભ્યોને જાણ થઇ હતી. પીએચડી ગાઇડ બનવા માટે જે તે વિભાગની રિસર્ચ કમિટીની બેઠકમાં નામ નક્કી થાય ત્યાર પછી ફેકલ્ટી રિસર્ચ કમિટીની બેઠક બોલાવાય છે જ્યાં નામ નક્કી થયા પછી પીજી કાઉન્સિલમાં મૂકાય છે. આ પ્રક્રિયાને 6 મહિના લાગે છે. વીસી વિજય શ્રીવાસ્તવના કિસ્સામાં રાતોરાત પ્રક્રિયા પૂરી કરી દેવાતા વિવાદ સર્જાયો છે.

વીસીએ ગાઇડશીપને પોતે જ મંજૂરી આપી
પીજી કાઉન્સીલની પહેલી બેઠક મુલત્વી રહી હતી ત્યાર પછી મળેલી બેઠકમાં વીસીના ગાઇડશીપની આઇટમ મૂકવામાં આવી હતી. નોંધનીય છે કે આ કમિટીના ચેરમેન વીસી પોતે જ છે. ત્યારે તેમની જ ગાઇડશીપની આઇટમને મંજૂરી માટે મુકવામાં આવી હોવા છતાં તેઓ ચર્ચા દરમિયાન હાજર હતાં.

સાયન્સ ફેકલ્ટીની રાતોરાત મંજૂરી
પીએચડી ગાઇડ બનવા ડિપાર્ટમેન્ટની રિસર્ચ કમિટી બાદ ફેકલ્ટીની કમિટીમાં મંજૂરી આપે છે. જેને 6 મહિના લાગે છે, આ કિસ્સામાં રાતો રાત મંજૂરી અપાઇ છે.

ગાઇડશીપ માટે નિમંત્રણ મોકલ્યું
એમ.એસ.યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે.એમ.ચુડાસમાએ જણાવ્યું હતું કે, વીસી એન્વાયમેન્ટના એક્સપર્ટ હોવાથી ફેકલ્ટીએ ગાઇડશીપ માટે નિમંત્રણ મોકલ્યું હતું. જે અંગે પીજી કાઉન્સિલમાં અભિપ્રાય લીધા છે. ગાઇડશીપ આપવાનું નક્કી થયું નથી.

અન્ય સમાચારો પણ છે...