વડોદરા આપઘાત-ગેંગરેપ કેસ:રેલવે LCBને પ્રથમ સફળતા; 25 દિવસે વેક્સિન ગ્રાઉન્ડ પાસેથી પીડિતાની ગુમ સાઇકલ સાથે સિક્યોરિટી ગાર્ડ પકડાયો

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેક્સિન ગેંગરેપ કેસમાં પીડિતાની સાઇકલ મળી. - Divya Bhaskar
વેક્સિન ગેંગરેપ કેસમાં પીડિતાની સાઇકલ મળી.
  • પીડિતા સાથેના દુષ્કર્મ આચરાયા બાદ તેની સાઇકલ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હતી
  • ગેઇલની ઓફિસ પાસેની સોસાયટીના બંધ બંગલામાં આસોપાલવના ઝાડ નીચે ટાયરો કાઢેલી સાઇકલ સંતાડી દીધી હતી, દુષ્કર્મીઓનો ભેદ ઉકેલવા ​​​​સિક્યોરિટી ગાર્ડની પૂછપરછ

દુષ્કર્મ કેસમાં પીડિતાની ગુમ થયેલી સાઇકલને 25 દિવસ પછી શોધી કાઢવામાં રેલવે એલસીબીની ટીમને સફળતા મળી હતી. ટીમે ઓપી રોડ પર મલ્હાર પોઇન્ટ પાસેની સોસાયટીમાં રહેતા સિક્યોરિટી ગાર્ડને પીડિતાની સાઇકલ સાથે ઝડપી લીધો હતો અને તેની ખરાઇ કરાવતાં તે પીડિતાની સાઇકલ જ હોવાનુું ખૂલ્યું હતું. તેમણે કહ્યું હતું કે સિક્યોરિટી ગાર્ડ પાસેથી બંને દુષ્કર્મીઓ વિશે પણ માહિતી મળી શકે છે. મોડી રાતથી તેની પૂછપરછ શરૂ કરાઇ છે.

એલસીબીની ટીમે બાતમીના આધારે મલ્હાર પોઇન્ટથી ડાબી તરફના રસ્તે ગેઇલની ઓફિસની બાજુમાં આવેલી સોસાયટીના બંધ બંગલામાં આસોપાલવના ઝાડ નીચે કચરાના ઢગલામાં છુપાવેલી પીડિતાની સાઇકલ મળી આવી હતી. તપાસમાં બંગલાની પાસેના મકાનમાં પરિવાર સાથે રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે એટલાન્ટિક બિલ્ડિંગમાં કામ કરતા મહેશ રાઠવાની સંડોવણી જણાઇ આવતાં પોલીસે તેને ઝડપી લીધો હતો.

મહેશે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેને વેક્સિન મેદાન પાસેથી આ સાઇકલ મળી આવી હતી અને ત્યાર બાદ તેણે આ બંધ બંગલાના આસોપાલવના ઝાડ નીચે કચરાના ઢગલા નીચે છુપાવી દીધી હતી અને ટાયર કાઢી નાખ્યાં હતાં, જેથી પોલીસે ઘટનાસ્થળે વીડિયોગ્રાફી કરીને પંચનામું કર્યું હતું.

સાઇકલની ખરાઇ કરાવતાં પીડિતાની બહેનપણીએ કરેલા વર્ણન મુજબની જ સાઇકલ હોવાનું પુરવાર થયું હતું, જેથી ઘટનાના 25 દિવસ બાદ પીડિતાની સાઇકલ શોધવામાં પોલીસને પહેલી સફળતા મળી હતી. પીડિતાને તેણે જોયા હતા કે કેમ અને ઘટનામાં તેની સંડોવણી છે કે કેમ એ સહિતના મુદ્દા પર પોલીસે ઊડી તપાસ શું કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે જો પીડિતા જીવિત હોત તો ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો હોત.

ઓએસિસ સામેના આરોપોની તપાસ એસીપીને સોંપાઇ
દુષ્કર્મ બાદ ઓએસિસ સંસ્થાને સમગ્ર કેસમાં જાણ હોવા છતાં પોલીસ અને પીડિતાના પરિવારને જાણ કરાઇ ના હોવાના આરોપ થતાં તેને ધ્યાનમાં લઇને તથા શહેરના કેટલાક નાગરિકો તથા સંસ્થાઓએ પણ પોલીસ કમિશનરને સંસ્થાનું રજિસ્ટ્રેશન તાત્કાલિક રદ કરવા રજૂઆત કરી હતી, જેથી પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘે આ રજૂઆતો બાબતે વિસ્તૃત તપાસ એસીપી ક્રાઇમ ડી.એસ.ચૌહાણને સોંપી હતી.

1.50 લાખ ફોન નંબર તપાસી 250 અલગ તારવ્યા
વડોદરા શહેર પોલીસે પીડિતાના ઘર પાસેના મોબાઇલ ટાવરનો ડેટા મેળવી દોઢ લાખથી વધારે ફોન નંબરોની તપાસ કરી શંકાસ્પદ 250 નંબરો કાઢી વેરિફાઇ કરાયા હતા. હજુ પણ ટેક્નિકલ ડેટાના વેરિફિકેશનની કામગીરી ચાલુ છે. સંસ્થાના કર્મચારીઓ મોબાઇલ એપ દ્વારા રિક્ષા મગાવતા હોવાથી એની કંપનીની રિક્ષાનો ડેટા મેળવી નિર્ભય સવારીનો ડેટા મેળવી 500થી વધુ રિક્ષાચાલકોને વેરિફાય કરાયા હતા.