વર્કશોપ:વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ ટેમ્પોરો મેંડીબ્યુલર જોઈન્ટ આર્થરોસ્કોપીનો સર્જીકલ વર્કશોપ યોજાયો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયર. - Divya Bhaskar
તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયર.
  • કાન,નાક અને ગળાના વિભાગ તેમજ દંત ચિકિત્સા વિભાગના સંયુક્ત ઉપક્રમે વર્કશોપ યોજાયો

વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં આજે કાન,નાક અને ગળાના વિભાગ તેમજ દંત ચિકિત્સા વિભાગના સંયુક્ત ઉપક્રમે,પહેલીવાર ટેમ્પોરો મેંડીબ્યુલર જોઈન્ટ આર્થરોસ્કોપીનો સર્જીકલ વર્કશોપ યોજવામાં આવી હતી જેમાં આ શસ્ત્રક્રિયાના ખૂબ નામાંકીત અને નિષ્ણાત તબીબ ડો.નેહલ પટેલે તબીબોને વિડિયો નિદર્શન દ્વારા તેમજ લાંબા સમય થી આ રોગને લીધે ખૂબ વેદના અનુભવાતી ત્રણ મહિલા દર્દીઓની ઉપરોક્ત સર્જરી કરીને તેના કૌશલ્યોની તાલીમ આપી હતી.

ટેમ્પોરો મેંડીબ્યુલર જોઈન્ટ આર્થરોસ્કોપી સર્જરી આશીર્વાદ રૂપ ગણાય
આ પ્રોસિજરમાં ટેમ્પોરો મેંડીબ્યુલર જોઈન્ટ( જડબાના સાંધામાં) અત્યંત ઝીણું દૂરબીન ચામડીમાં નાના કાપા દ્વારા દાખલ કરી જોઈન્ટ( સાંધાના)ના રોગોના નિદાન અને સારવાર ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ પ્રકારની પ્રોસિજર ટેમ્પોરો મેંડીબ્યુલર જોઈન્ટના ગંભીર અને લાંબા સમયના રોગોથી પીડાતા દર્દીઓ ઉપર કરવામાં આવે છે. જેને ટેમ્પોરો મેંડીબ્યુલર જોઈન્ટમાં દુખાવો રહેતો હોય, જોઈન્ટ માંથી કટ-કટની અવાજ આવતી હોય, જડબુ ખોલતી વખતે એક બાજુ ફંટાતું હોય તેમના માટે આ સર્જરી આશીર્વાદ રૂપ ગણાય છે.

જરૂરિયાતમંદ લોકો માટે સુલભ બનાવવાનો સંકલ્પ
ડો.નેહલ પટેલનું માર્ગદર્શન આ ખૂબ જટિલ પ્રકારની શસ્ત્રક્રિયાની વ્યવસ્થા સયાજી જેવી સરકારી હોસ્પિટલમાં કરવામાં ખૂબ ઉપયોગી બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરતાં તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે,ખૂબ ઓછા તબીબો આ સર્જરી કરવાની નિપુણતા ધરાવે છે અને ખૂબ જૂજ દવાખાનાઓમાં તેના માટે જરૂરી મોંઘી સાધન સુવિધાઓ ઉપલબ્ધ હોય છે.સદભાગ્યે સયાજી હોસ્પિટલના ઈ.એન.ટી.વિભાગ પાસે તેની સાધન સુવિધા છે અને આ સર્જરી જરૂરિયાતમંદ લોકો માટે સુલભ બનાવવાનો અમારો સંકલ્પ છે.

વર્કશોપમાં મોટી સંખ્યામાં ડોક્ટરોએ ભાગ લીધો.
વર્કશોપમાં મોટી સંખ્યામાં ડોક્ટરોએ ભાગ લીધો.

ત્રણ મહિલા દર્દીઓની સર્જરી કરાઈ
આજે આ ખૂબ વિશિષ્ઠ પ્રોસીજરનો જેમને લાભ મળ્યો એ ત્રણેય મહિલા દર્દીઓ છે. તેઓ ખૂબ લાંબા સમયથી જડબાના સાંધાની વિકૃતિને લીધે કાનમાં કટકટ અવાજ આવવો, મોઢું પૂરેપૂરું ન ખૂલવું, જડબું ખોલતી વખતે કાનના આગળના ભાગે દુખાવો થવાની પારાવાર પીડા ભોગવતી હતી અને ખાનગી દવાખાનાઓમાં તેની મોંઘી સારવાર તેમની પહોંચની બહાર હતી.

સર્જરીની અધિકૃત તાલીમ આપવામાં આવી
સર્જિકલ વર્કશોપ નિમિત્તે તેમને ડો.નેહલ પટેલ જે આ વિષયના ખૂબ તજજ્ઞ તબીબ છે એમની સારવારનો લાભ મળ્યો એ ખૂબ આનંદની વાત છે. અમે આ સર્જરીની અધિકૃત તાલીમની સાથે અમારા દર્દીઓને તેનો લાભ આપવા માટે તેમના ખૂબ આભારી છે. હવે આગળના કદમ તરીકે કેડેવર વર્કશોપ યોજીને વ્યક્તિગત રીતે આપણા તબીબોને લેવલ 1 એટલે કે પ્રારંભિક ટી.એમ.જે. આર્થરોસ્કોપિ માટે સક્ષમ બનાવવાનું અમારું આયોજન છે એમ તેમણે ઉમેર્યું હતું.