સોખડા મંદિરમાં જૂથવાદનો વિવાદ:મહિલાનો વીડિયો બનાવતો હોવાની શંકાએ 4 સંતે સેવકને ફટકાર્યો; એક સંતે પકડ્યો, ત્રણે ઢોરમાર માર્યો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર સંકુલમાં ત્રણ સંતે યુવકને પકડીને માર માર્યો હતો. - Divya Bhaskar
હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર સંકુલમાં ત્રણ સંતે યુવકને પકડીને માર માર્યો હતો.
  • સેવક પ્રમોદ સ્વામી જૂથનો હોવાથી પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના સંતોએ માર માર્યાનો આક્ષેપ
  • એક સંતે પકડી રાખ્યો, અન્ય ત્રણે સેવકને ઢોર માર માર્યો, પોલીસ ફરિયાદ ન નોંધાઈ
  • ત્યાગવલ્લભ સ્વામી, સંતોએ રેકોર્ડિંગ ડિલીટ કરવાનું કહી મોબાઇલ જોવા માગ્યો હતો

સોખડા હરિધામ મંદિર ખાતે મહિલાઓનો વીડિયો ઉતારવાની શંકા રાખી ચાર સંતોએ સેવકને મુઢમાર માર્યો હતો. જોકે આ સમગ્ર ઘટના ગેરસમજથી ઊભી થઈ હોવાનું ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું. બીજી તરફ હરિધામ સોખડા પ્રેમસ્વરૂપ અને પ્રબોધજીવનસ્વામી જુથમાં વહેચાઈ ગયું હોવાથી, પ્રેમસ્વરૂપ સ્વામી જુથના સંતોએ પ્રબોધજીવન સ્વામી જુથના સેવકને ખોટા આરોપ મૂકી મારમાર્યો હોવાનો આક્ષેપ સેવકના પરિવારે લગાવ્યો છે.

અનુજ ચૌહાણે જણાવ્યું હતું કે હું છેલ્લાં 5 વર્ષથી હરિધામ સોખડા સાથે સંકળાયેલું છું. છેલ્લા 7 મહિનાથી હરિધામ-સોખડા ખાતે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં સેવક તરીકે સેવા આપું છું. 6 જાન્યુઆરીના રોજ સવારે 11:30થી 12:30 વાગ્યા વચ્ચે મંદિરના યોગી આશ્રમ પાસે જ્યાં સંતો રહે છે એ સ્થળ પર બહેનોનો મોટેથી અવાજ આવી રહ્યો હતો. બહેનોનો હોબાળો સાંભળી હું અને બીજા સેવકો ઓફિસમાંથી બહાર આવ્યા હતા. ત્યારે પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના ચાર સંતો પ્રભુપ્રીય સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, સ્વામીસ્વરૂપ સ્વામી અને હરિસ્મરણ સ્વામી બહાર ઊભા હતા, જેમાંથી સંતોએ અંદર જાઓ તેમ કહેતા હું અને બીજા સેવકો ઓફિસની અંદર જતા હતાં. મારો એક હાથ ખિસ્સામાં હતો. જે જોઈને પ્રભુપ્રિય સ્વામીએ મને રોકી ‘કેમ વીડિયો ઉતારે છે’ તેમ કહી ખખડાવ્યો હતો.’

વધુમાં તેણે જણાવ્યું હતું કે ‘મોબાઈલ ચેક કરવા જણાવતાં મેં મારો મોબાઈલ મારા હાથમાંથી જ બતાવ્યો હતો. ચારેય સંતોએ મારો મોબાઈલ ઝુંટાવવા પ્રયત્ન કર્યો હતો. પ્રભુપ્રિય સ્વામીએ મારી બોચી પકડી અને બીજા ત્રણ સંતો તથા સોખડા ગામના મનહરભાઈ પટેલે મને ઢોરમાર માર્યો હતો. જેમ તેમ કરીને હું સંતોના મારથી બચી એકાઉન્ટ ઓફિસમાં જતો રહ્યો હતો. પરંતુ સંતોએ મારો મોબાઈલ છીનવી લીધો હતો.’

ઘટનાના મૂળમાં ગેરસમજ કારણભૂત
ત્યાગવલ્લભસ્વામીએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાના મૂળમાં ગેરસમજ કારણભુત છે. અનુજ ચૌહાણ કેટલાક સમયથી હરિધામ મંદિરમાં રહીને સેવા કરતો હતો. આ સેવક દર્શનાર્થીઓનો વિડિયો ઉતારી રહ્યો હોય તેવું દુર ઉભેલા સંતોને લાગ્યું હતું. જેથી સંતોએ રેકોર્ડિંગ કર્યું હોય તો તે ડિલીટ કરી દેવા જણાવ્યું હતું. પરંતું અનુજે ઈન્કાર કરતા સંતોએ તેની પાસેથી મોબાઈલ જોવા માટે પ્રયાસ કર્યો હતો. આ સમયે અનુજથી પાસે ઉભેલા એક સંતનું ઉપવસ્ત્ર ખેંચાઈ ગયું હતું અને બોલાચાલી થઈ હતી.બનાવ બન્યા બાદ બંને પક્ષે ગેરસમજ થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન અનુજે ગેરસમજને કારણે જ ઘટના બની હોવાનું અને કોઈ ફરિયાદ નહીં હોવાનું નિવેદન આપ્યું હતું.

હરિપ્રસાદ બ્રહ્મલીન થયા બાદ વાતાવરણ ડહોળાયું
અનુજ ચૌહાણે ઘટસ્ફોટ કર્યો હતો કે, હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા ત્યાર બાદથી વાતાવરણ ડહોળાયું છે. પ્રેમસ્વરૂપ સ્વામી જુથના પ્રબોધસ્વામી જુથના સેવકોને મારવાની ધમકીઓ આપતા હતાં. જેથી અનેક સેવકો મંદિર છોડી ગયા છે.

સંત હોવા છતાં મારા દીકરાને માર માર્યો
મારો દિકરો અનુજ પ્રબોધસ્વામીને માને છે, જેથી પ્રેમસ્વરૂપ સ્વામીને માનનારા મારા દિકરા વિરૂદ્ધ ખાર રાખે છે. સંતો દ્વારા માર મરાતો વિડિયો મારી પાસે છે. સંત થઈને મારા દિકરા પર હાથ ઉપાડ્યો છે.- વિરેન્દ્રસિંહ ચૌહાણ, અનુજના પિતા

ખોટા આક્ષેપો કર્યા, મારા અને પરિવાર પર જીવનું જોખમ

અનુજ ચૌહાણની તસવીર.
અનુજ ચૌહાણની તસવીર.

અનુજ ચૌહાણે જણાવ્યું કે,મારી સામેનો આરોપ પાયાવિહોણો છે. મંદિર સીસીટીવી કેમેરાથી સજજ છે, ફુટેજ ચેક કરવામાં આવે મેં કાઈ ખોટું કર્યું નથી. સંતોની ભુલ પકડાય એટલે મારા પર ખોટા આરોપ લગાવી રહ્યાં છે. મારા અને પરીવાર પર જીવનું જોખમ છે. હું પોલીસ ફરીયાદ કરીશ.